પોરબંદર નજીક ઓડદર ગામે નગરપાલિકાની ગૌશાળામાં સિંહનો આતંક વધતા પાલિકા એ ગૌધન નું ખાપટ ગૌશાળામાં સ્થળાંતર કરાયું છે. પરંતુ ત્યાં પાયાની સુવિધા પણ ઉપલબ્ધ ન હોવાથી અત્યાર સુધી કુલ છ ગૌધનના મોત નિપજયા હોવાના આક્ષેપ જીવદયાપ્રેમી સંસ્થા દ્વારા કરાયા છે. જો કે પાલિકા એ આ આક્ષેપ ફગાવી પુરતી સુવિધા હોવાનું જણાવ્યું છે.
પોરબંદર ના ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ ડો. નેહલબેન કારાવદરાએ ચીફઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે નગરપાલિકા દ્વારા વન્ય પ્રાણીઓથી સુરક્ષા હેતુ ઓડદરથી ગૌવંશનું ખાપટ ગૌશાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પરંતુ જે સ્થળ પર સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યાં ગૌવંશને રહેવા માટે પર્યાપ્ત જગ્યા નથી અને લાઈટ, છાપરા જેવી પ્રાથમિક જરૂરિયાતની વ્યવસ્થા પણ પાલિકા દ્વારા કરવામાં આવી નથી. બહુ નાની જગ્યામાં ૧૦૦ જેટલા નંદી, ગાય અને નાના વાછરડા ખુલ્લામાં માત્ર ચાર દીવાલો વચ્ચે સાથે રાખવામાં આવ્યા છે. જેના પરિણામે વારંવાર ગાય અને વાછરડાને ઇજાઓ પહોંચે છે. અને દિવસના અસહ્ય તડકો અને રાત્રિના ઝાંકળના પરિણામે ઘાયલ અને બીમાર છ જેટલા ગૌવંશના મૃત્યુ પણ આ જગ્યા પર થઈ ચૂક્યા છે.
આથી રોજબરોજ મોતના મુખમાં ધકેલાતા નિર્દોષ ગૌવંશ માટે વહેલીતકે યોગ્ય વ્યવસ્થાઓ કરવી અને જો પાલિકા વ્યવસ્થા કરવા સક્ષમ ન હોય તો આ ગૌવંશને આટલી નાની જગ્યામાંથી આઝાદ કરી અને તેની કુદરતી જિંદગી જીવવાનો હક્ક આપી દેવો જોઇએ. અથવા નિયમ અનુસાર વ્યવસ્થાની જવાબદારી કોઇ એક સામાજિક સંસ્થાને સોંપી દેવી જોઈએ તેવું પણ જણાવ્યું છે. આ અંગે પાલિકા ના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશભાઈ ઢાંકી ને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે ગૌશાળા માં છાપરા સહીત તમામ સુવિધા ઓ છે. અને અત્યાર સુધી માં ત્યાં એક પણ ગૌધન નું મોત થયું ન હોવાનું તથા બીમાર પશુ માટે તુરંત ડોક્ટર બોલાવવામાં આવતા હોવાનું પણ જણાવ્યું છે.