પોરબંદરના મિત્રાળા ગામે રહેતા યુવાનને કેનેડા જવાની લાલચ આપી અમદાવાદ ના શખ્સે રૂ છ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મિત્રાળા ગામે રહેતા અને ખેતીકામ કરતા વેજા દેવશીભાઈ ભુતિયા(ઉવ ૪૬) નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ ગુંદા ગામે રહેતા તેના દુરના સગા હરીશ લાખા કુછડીયા સાથે તેને કેનેડા કામધંધા માટે જવું હતું. તેથી એજન્ટની તપાસ કરતા હતા. એ દરમિયાન અમદાવાદના ઉતમનગરમાં કમલાનહેરૂ ગાર્ડન પાસે સેલવી એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા રાજકુમાર ઉર્ફે રાજ અશ્વિન પંડ્યા સાથે સંપર્ક થયો હતો. આથી નવરંગપુરામાં નિર્મલ ટાવરમાં વી.આઈ. ક્ન્સ્લટનસી નામની રાજની ઓફિસે વેજાભાઈ અને હરીશભાઈ ગત તા ૩૧-૭ ના રોજ મળવા ગયા હતા. જ્યાં તેઓને એવું જણાવાયું હતું કે બન્નેને કેનેડામાં ખેતીકામ કરવા માટે જવાનું છે. અને બે વર્ષની વિઝા મળે છે.
જેના માટે છ લાખ રૂપિયા ભરવાના રહેશે. તેમ કહેતા બન્ને યુવાનો ત્યાંથી નીકળી ગયા હતા. ત્યાર પછીના ઘણા દિવસો બાદ વેજાભાઈ એ કેનેડા જવા માટે રાજ સાથે વિઝા સ્ટેમ્પિંગ કરાવવા નક્કી કર્યું હતું. તેથી વાડીપ્લોટમાં આવેલી એસ.બી.આઈ.બેંકમાંથી ૩ લાખ રૂપિયા રાજના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. એ પછી તા.૨૫-૮-૨૦૨૩ ના રાજે વેજાભાઈ ને ફોન કરીને તેના ડોક્યુમેન્ટ તૈયાર હોવાથી ત્રણ લાખ રૂપિયા મોકલવાનું કહેતા બેંકનો સમય પુરો થઇ ગયો હોવાથી આંગડીયા મારફત અમદાવાદ બાપુનગરની શાખામાં ત્રણ લાખ રૂપિયા મોકલ્યા હતા.
ત્યારબાદ કેનેડા લઇ જવાની સ્કીમ ખોટી અને ઉપજાવેલી હોવાનું ધ્યાને આવતા વેજાભાઈ એ વારંવાર રાજ પાસે પૈસા માંગ્યા હતા પણ આપ્યા ન હતા. આથી અંતે છ લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વેજાભાઈ સિવાય અન્ય લોકો પણ ભોગ બન્યા હોવાની શક્યતા એ પોલીસે એ દિશા માં પણ તપાસ હાથ ધરી છે.