પોરબંદર એસઓજી ટીમે ૧ કિલો ૧૮૨ ગ્રામ ગાંજા સાથે એક સખ્શ ને ઝડપી લીધા બાદ તેને ગાંજો આપનાર નું નામ પણ ખુલતા તેની સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર એસઓજી ટીમ પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન પો.હેડ.કોન્સ ભરતસિંહ ગોહીલને બાતમી મળી હતી કે કડીયા પ્લોટ આબેડકર ભવનની બાજુમા રહેતો સની ઉર્ફે ગાભો રમણીકભાઈ ચૌહાણ(ઉવ ૩૦)નામનો શખ્શ સુરજ પેલેસ પાસે આશાપુરા ગરબી ચોક નજીક થી ગાંજા નો જથ્થો લઇ ને પસાર થવાનો છે. આથી એસઓજી ટીમે વોચ ગોઠવી હતી જે દરમ્યાન સની પસાર થતા તેની તલાશી લેતા તેની પાસે રહેલી થેલીમાં ભુખરા કલરના સુકાપાંદડા, ડાળખા અને બી વાળો વિશિષ્ટ વાસવાળો ૧ કિલો અને ૧૮૨ ગ્રામ વજન નો ગાંજો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂ.૧૧૮૨૦ નો ગાંજો તથા મોબાઈલ મળી કુલ રૂ ૧૬૮૨૦ નો મુદામાલ કબ્જે કરી સની ની ધરપકડ કરી હતી. અને તેની આકરી પુછપરછ કરતા તેણે આ ગાંજો હાલ કડિયા પ્લોટ રેલ્વે કવાર્ટરમાં રહેતા અને મૂળ મધ્ય પ્રદેશના વતની ગોવિંદ ભેરૂલાલ મેઘવાળ પાસેથી ખરીદ્યો છે આથી પોલીસે ગોવિંદ સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.