રાણાવાવ ગામે સુતારીકામ કરતા યુવાન સાથે કોરોનાકાળમાં મિત્ર બનેલા શખ્સે અડધા કરોડ રૂપિયાની છેતરપીંડી કરી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરીયાદ નોધાઈ છે.
રાણાવાવ ગામે આશાપુરા ચોકમાં રહેતા અને સુતારીકામ કરતા ગીરધર જેઠાભાઈ પાણખાણીયા(ઉવ ૪૨)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ સાત-આઠ વર્ષથી તેના પાડોશમાં યુનુસભાઇ કાસમભાઇ સાટી ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. જેથી તેના પરિવાર સાથે ઘર જેવા સબંધ થઇ ગયો હતો ગીરધરભાઈ વર્ષ-૨૦૨૧ માં કોરોના ના કારણે ખુબ જ બિમાર પડી જતા યુનુસભાઇ સારવાર માટે લઇ ગયા હતા અને ખુબ જ સારસંભાળ રાખતા બન્ને વચ્ચે ગાઢ મિત્રતા થઇ ગઈ હતી. અને યુનુસભાઇએ ગીરધરની પત્ની પ્રજ્ઞાને બહેન બનાવી હતી.
ત્રણ માસ બાદ છેતરપિંડી ની શરુઆત કરી
ત્યારબાદ બે-ત્રણ મહિના પછી યુનુસભાઇ તથા તેની પત્ની રેશ્માબેને ઘરે આવી પૈસાની ખુબ જરૂરીયાત હોવાનું જણાવી ત્રણ લાખ ની માંગણી કરી હતી. અને પોતાની કાર વેચાયે તે રકમ પરત કરવા ની ખાતરી આપી હતી. આથી તેઓએ તેને તે રકમ આપી હતી. પરંતુ તે રકમ તેને પરત આપી ન હતી. અને છેલ્લા દોઢેક વર્ષમાં અલગ-અલગ સમયે યુનુસભાઇએ તેને વિશ્વાસમાં લઇ કુલ રૂ.૧૪,૫૦,૦૦૦ પાસેથી હાથ ઉછીના લઇ ગયા હતા.
૨૧ તોલા દાગીના પણ આપી દીધા:મકાન ની લોન પણ લઇ દીધી
ગીરધરભાઈ પોતાના તેઓ પૈસા પરત આપવા અવારનવાર જણાવતા, યુનુસે પોતે ખુબ જ કરજામાં ડુબી ગયો હોવાથી ગામ મુકવાનો વારો આવશે તેવું જણાવી વધુ રકમ ઉધાર માંગી હતી. પરંતુ ગીરધરભાઈ પાસે રોકડા રૂપીયા ન હોવાથી પોતાના ૨૧ તોલા સોનાના દાગીના કોઈ પણ લખાણ કરાવ્યા વગર યુનુસને આપ્યા હતા. ત્યાર બાદ વર્ષ-૨૦૨૨માં યુનુસભાઇ ભાડાના મકાનમાં રહેતો હોવાથી આશાપુરા ચોકમાં એપાર્ટમેન્ટમાં બ્લોક સસ્તો મળે એમ છે. પરંતુ પોતાના નામની લોન થઇ શકે તેમ ન હોવાથી ગીરધરને તેના નામની લોન કરાવી આપવા જણાવ્યું હતું. અને લોન ના હપ્તા નિયમિત ભરશે તેવી ખાતરી આપી હતી. આથી ગીરધરે યુનુસભાઇને પોતાના નામની રૂ.૧૨,૫૦,૦૦૦ ની લોન કરાવી આપતા યુનુસે મકાન ની ખરીદી કરી હતી. અને છ-સાત હપ્તા રેગ્યુલર ભરેલ હતા.
લોન પર કાર લઇ કાર ગીરવે મૂકી દીધી
ત્યારબાદ યુનુસભાઇ ફરી વખત તેની પાસે આવી કાર ની લોન કરાવી આપવા વિનંતી કરી હતી અને કાર ચલાવી ધંધો કરી ગીરધરભાઈ ના રોકડા રૂપિયા,દાગીના વગેરે પરત આપવા ખાતરી આપી હતી. આથી ગીરધરભાઈ એ પોતાના નામની ફોરવ્હીલની લોન બાર થી તેર લાખ રૂપીયાની કરાવી લોનના રૂપીયા યુનુસભાઇને આપ્યા હતા. જેમાંથી યુનુસભાઇએ ગીરધરભાઈ ના નામની કાર ખરીદી પોતે ચલાવતો હતો. પરંતુ કાર કે મકાન નો લોન નો હપ્તો તેણે ભર્યો ન હતો. ત્યાર બાદ યુનુસે પોતાને પૈસા ની જરૂર હોવાથી કાર ત્રણ લાખ માં એક શખ્શ પાસે ગીરવે મૂકી હોવાનું જણાવી પોતે ત્રણ લાખ ભરી શકે તેમ ન હોવાથી કાર ગીરધર ના નામની હોવાથી તે શખ્શ ગાડીનો દારૂના ધંધામાં ઉપયોગ કરશે, તો ગીરધર ફસાઈ જશે તેમ તેને ડરાવ્યો હતો. આથી ગીરધરભાઈએ વધુ એક વખત સેન્ટ્રલ બેંક ઓફ રાણાવાવમાંથી રૂા.૨,૯૫,૭૦૦/-ની લોન પોતાના નામે કરાવી તે રકમ પણ યુનુસને આપી હતી.
અંતે અસલી રૂપ બતાવ્યું
ત્યારબાદ બેંક તરફથી લોનના હપ્તા ભરપાઇ કરવા નોટીશો આવવા લાગતા ગીરધરભાઈ એ યુનુસ ને પૈસા ભરવાનું કહેતા તે જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. અને વ્યાજની ખોટી ફરીયાદમાં ફસાવી દેવાની તથા પોલીસમાં પોતાના વિરૂધ્ધ ફરીયાદ કરશે. તો તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યો હતો. ત્યાર બાદ બીજે રહેવા જઈ ગીરધરભાઈ ના ફોન પણ ઉપાડવાના બંધ કર્યા છે. અને કાર પણ જામનગર વેચી નાખી હતી. આથી કુલ મળી રૂ.૫૦,૫૦,૦૦૦ ની છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી, ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.