Thursday, September 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં રક્તદાન,ચક્ષુદાન બાદ હવે શરુ થયું ત્વચા નું દાન:જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર માં રક્તદાન,ચક્ષુદાન બાદ હવે લોકો ત્વચા નું પણ દાન કરી શકશે, ‘સર્જન પરિવાર’ દ્વારા ત્વચા ના દાન માટે સ્કીન બેંકની સેવા શરૂ કરાઈ છે.

પોરબંદરમાં ‘સર્જન પરિવાર’ દ્વારા ચક્ષુદાનની સેવા પ્રવૃત્તિ ઘણા લાંબાસમયથી ચાલુ છે હવે તેમાં સ્કીન ડોનેશનની પ્રવૃત્તિનો ઉમેરો થયો છે અને ઇન્ડિયન રેડ ક્રોસ રાજકોટ જિલ્લા શાખા દ્વારા સંચાલિત રોટરી ગ્રેટર સ્કિન બેન્કની પોરબંદરમાં ‘સર્જન પરિવાર’ના ડો. નીતિન પોપટના સહયોગથી સેવા શરૂ થઇ છે. જેમાં મૃત્યુ બાદ છ કલાક સુધીમાં સ્કિન ડોનેશન આપી શકાતુ હોવાથી રાજકોટની ટીમ પોરબંદર આવીને સ્કીન ડોનેશન લેશે તેથી ત્વચાદાન અંગેનો નિર્ણય વહેલી તકે લેવો જોઇએ તેવું પણ સૂચન થયુ છે.

ઇન્ડિયન રેડ ક્રોસ રાજકોટ દ્વારા સંચાલિત રોટરી ગ્રેટર સ્કિન બેંક લગભગ અઢી વર્ષથી કાર્યરત છે. આ સંસ્થા પોરબંદર ખાતે પોતાની સેવા વિસ્તારવા જઇ રહી છે. ત્વચાદાન લેવા માટે આ સંસ્થાની ટીમ રાજકોટથી પોરબંદર આવશે. ‘સર્જન પરિવાર’ના ડો. નીતિન પોપટના સહયોગથી હવે આ કાર્ય શરૂ કરાશે.

આપણે બધા ચક્ષુદાન, દેહદાન, રકતદાનથી પરિચીત છીએ. પણ સ્કિનબેંક એટલે શું અને એનું કામ શું? એવો પ્રશ્ન લગભગ બધાના મનમાં ઉદ્ભવે. વધુ દાઝી ગયેલા દર્દીને, ગંભીર ઇજા પછી દર્દીના શરીર પરની ઘણી ચામડી નીકળી ગઈ હોય, પ્લાસ્ટિક સર્જરીમાં દર્દીઓને જલદી સાજા કરવા માટે સ્કિન ગ્રાફટીંગ કરવાની જરૂરિયાત પડે છે. તો સ્કિન ગ્રાફટીંગ માટે જરૂરી સ્કીન-મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનો પોતાના સ્વર્ગવાસી સ્વજનની સ્કીન દાનમાં આપે તો આવા ગંભીર રીતે દાઝેલા-ઇજા પામેલા દર્દીઓની જિંદગી બચાવવામાં આપણે મદદરૂપ થઇ શકીએ અને દર્દીઓ જલ્દી સાજા થાય.

આપણે આપણા સ્વજનના મૃત્યુ બાદ જેમ નેત્રદાન કરી કોઇના અંધકારમય જીવનને પ્રકાશિત કરી શકીએ તેમજ સાથે સાથે ચામડીનું પણ દાન આપી ગંભીર રીતે દાઝેલ-ઇજા પામેલા દર્દીઓની જિંદગી બચાવવાના પુણ્યના કામમાં આપણે નિમિત્ત બનવું જ જોઇએ. આવા દાન મૃત્યુ પામેલા આપણા સ્વજનનું છેલ્લુ અને સૌથી ઉત્તમ દાન હશે.

ત્વચાદાન મૃત્યુ બાદ છ કલાક સુધીમાં આપી શકાય, પણ એ લેવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ રાજકોટ દ્વારા સંચાલિત રોટરી ગ્રેટર સ્કીન બેંકની ટીમ રાજકોટથી પોરબંદર આવે એટલે મૃત્યુ બાદ ૩૦ થી ૬૦ મિનિટમાં જો ત્વચાદાન આપવાનો નિર્ણય કરીએ તો જ આ કાર્ય થઇ શકે. ૧૬ થી ૭૦ વર્ષની વ્યક્તિના મૃત્યુ બાદ આ દાન આપી શકાય છે. ત્વચાદાન લીધા પછી જયાંથી ત્વચા લીધી હોય ત્યાં યોગ્ય રીતે પાટો બાંધવામાં આવે છે- જેથી શરીર જરાય વિકૃત લાગતુ નથી. ગંભીર રીતે દાઝેલા આવા દર્દીઓનો જીવ બચાવવા માટે, જલ્દી સાજા કરવા માટે સ્કિન ગ્રાફટીંગ સંજીવની સાબિત થાય છે. આવી ઇજા પછી દર્દી અને પરિવારજનોની માનસિક, શારીરિક, આર્થિક પરિસ્થિતિ ખરેખર વિચારીએ તો ખૂબજ પીડાદાયક છે.

આ કાર્ય એટલું વિશાળ છે કે આમાં સમાજના બધા જ વર્ગના લોકોની મદદની જરૂર પડે છે. જરૂર છે તો ફકત સ્વજનના મૃત્યુ પછી આવા ઉત્તમદાન આપવાના નિર્ણય કરવાની અને અમારો સંપર્ક કરવાની. અમારી ટીમ ૨૪ કલાક ૩૬૫ દિવસ ઉપલબ્ધ જ છે.તો આ કાર્યને ફકત ઇન્ડિયન રેડ ક્રોસ રાજકોટ દ્વારા સંચાલિત રોટરી ગ્રેટર સ્કીન બેંકનું કે ‘સર્જન પરિવાર’નું જ ન માનતા આપણા બધાનું ગણી સાથે ચાલીએ એવી સૌને અપીલ કરીએ છીએ.

આપણે બધા જો પ્રતિજ્ઞા લઇએ કે આપણા ઘરમાં, મિત્રોમાં, સગાસંબંધીઓમાં, શેરીમાં કે જાણમાં કોઇનું મૃત્યુ થાય તો તેના સગાઓને સ્કીન, દાન, ચક્ષુદાન અને શક્ય હોય તો દેહદાન આપવા માટે સમજાવીશું. આમ પણ અગ્નિસંસ્કાર પછી આપણું શરીર રાખ થઇ જાય એના કરતા તેનો ઉપયોગ જો માનવ જાતના કલ્યાણમાં થતો હોય તો તેનાથી સારુ દાન બીજું કયુ હોઈ શકે? આ કરવા માટે નીચે જણાવેલ નંબર પર ફોન કરી ૨૪ કલાક ૩૬૫ દિવસ બોલાવો તેવી બધાને અપીલ છે.

કોઈ અંધને ફરી દ્રષ્ટિ આપવામાં, કોઈ ગંભીર રીતે દાઝેલા, ઈજા પામેલા દર્દીની જિંદગી બચાવવામા જો આપણે નિમિત્ત બની શકીએ તો તેનાથી વધુ દિલનો આનંદ હોઇ જ ન શકે. આપણે બધા જ ભેગા મળીને આ

સુંદર અભિયાનમાં જોડાઇએ.

પોરબંદરમાં ત્વચાદાન, નેત્રદાન, દેહદાન આપવા માટે કીકીને કારણે અંધ થયેલ વ્યક્તિનો અંધાપો દૂર કરવા માટે ઇન્ડીયન રેડક્રોસ રાજકોટ સંચાલિત રોટરી ગ્રેટર સ્કીનબેંકના મો. ૭૬૦૦૮ ૧૭૭૭૬ અને ડો. નીતિન પોપટના મો. ૯૪૨૬૨ ૪૧૦૦૧ તથા ૯૩૨૮૦ ૬૬૮૬૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે