પોરબંદર જીલ્લા માં હોટલ,ગેસ્ટહાઉસ,ધર્મશાળા માં આવતા લોકો ની એન્ટ્રી પથિક સોફ્ટવેર માં ફરજીયાત કરવા અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પોરબંદર જીલ્લા માં હોટેલ, ગેસ્ટહાઉસ અને ધર્મશાળાઓમાં આવતા ગ્રાહકોની રજિસ્ટરમાં એન્ટ્રી ફરજિયાત છે. ત્યારે હવે સંચાલકોએ પોલીસ દ્વારા તૈયાર કરાયેલા પથિક સોફ્ટવેર માં આ અંગે એન્ટ્રી ફરજીયાત કરવાની રહેશે. આ માટે અધિક નિવાસી કલેકટર એમ કે જોશી એ જાહેરનામું બહાર પાડ્યું છે.
જેમાં જણાવાયું છે કે , પોરબંદર જિલ્લો રાજયના પશ્ચિમ દરીયાકાંઠે સ્થિત ઓલ વેધરપોર્ટ ધરાવતો અને પડોશી દેશ પાકીસ્તાની જળસીમાની નજીક આવેલો જિલ્લો છે, મુંબઇ ખાતે ભૂતકાળમાં થયેલ આતંકવાદી હુમલાના તાર એક યા બીજી રીતે પોરબંદર સાથે સંકળાયેલ છે. ઉપરાંત સંરક્ષણ દળ કોસ્ટગાર્ડ અને ના સેના મથકો પણ અહી આવેલા છે. હાલના પ્રવર્તમાન સંજોગોનુસાર તેમજ ગુપ્તચર સંસ્થાઓ તરફથી મળતા ઇનપુટમાં પણ દેશવિરોધી આંતકવાદી સંસ્થાઓ પોતાની પ્રવૃત્તિ માટે દરીયાઇ રસ્તે આવી અહીના જિલ્લામાં થઇ દેશના અન્ય ભાગમાં જઇ શકે તેવી શકયતાઓ દર્શાવવામાં આવતી હોવાથી આ દ્રષ્ટિએ જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સઘન રાખવી જરૂરી છે.
રોજગારી માટે આવતા પરપ્રાંતિય નાગરીકોની સાથે ગેરકાનૂની, ગુન્હાહીત તેમજ આંતકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો પણ જિલ્લામાં આવી, અહીં આવેલ હોટલ-ગેસ્ટહાઉસ,મુસાફરખાના ધર્મશાળા અને એ સહિતની ભાડે થી કે વગર ભાડે રહેવાની સગવડ પૂરી પાડતી જગ્યાઓએ રોકાઇ પોતાના ગુન્હાહીત કાર્યને અંજામ આપી નાસી જાય તેવી શકયતા રહેલી છે, જેથી કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિત જળવાઇ રહે તે માટે તેમજ અગત્યના ઇનપુટો બાબતે મહત્વની માહિતી મળી રહે તે માટે ‘પથિક’ સોફ્ટવેરની અમલવારી થાય તે હિતાવહ હોવાથી તેની આવશ્યક અમલવારી કરાવવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.જે તા તા ૩૧-3-૨૩ સુધી અમલમાં રહેશે.
જેથી જીલ્લાના તમામ હોટલ,ગેસ્ટહાઉસ,મુસાફરખાના ધર્મશાળાના માલિકે ગ્રાહકની રજીસ્ટર એન્ટ્રીની સાથે રીસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવું. જેમાં પથિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી રજીસ્ટરમાં થતી એન્ટ્રી આ સોફ્ટવેરમાં પણ કરવાની રહેશે.તેવું જણાવાયું છે.
પોરબંદર જિલ્લાની તમામ હોટલ-ગેસ્ટહાઉસ/મુસાફરખાના/ધર્મશાળા ખાતે પ્રાંત રાજય/દેશ-વિદેશથી આવતા તમામ મુસાફરો વિગત આ પથિક સોફ્ટવેરમાં હોટલ-ગેસ્ટહાઉસ/મુસાફરખાના ધર્મશાળાના માલિક ,સંચાલકે અવશ્ય કરવી તથા આ જાહેરનામું પ્રસિધ્ધ થયે સોફટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે એસ.ઓ.જી. શાખા (HMp કોલોની, બંગલા નં.૩) પોરબંદર ખાતેથી હોટલ-ગેસ્ટહાઉસ/મુસાફરખાના ધર્મશાળાના માલિક/સંચાલકે હોટલ-ગેસ્ટહાઉંસ મુસાફરખાના ધર્મશાળાની વિગતો રજૂ કરી યુઝર આઇડી – પાસવર્ડ તાત્કાલિક મેળવી લેવાના રહેશે, આ હુકમ તા.૦૨/૦૨/૨૦૧૩ થી તા.૩૧/૦૩/૨૦૨૩ (બંને દિવસી સહિત) સુધી અમલમાં રહેશે.અને નિયમ ભંગ કરનાર સામે જાહેરનામાં ભંગ અંગે ફરિયાદ પણ નોંધાશે તેવું જણાવ્યું છે.