રાણાવાવ ના આદિત્યાણા ગામે બપોર ના સમયે વૃદ્ધા ના કાન માંથી પોણા ત્રણ તોલા સોનાના વેઢલા ની લુંટ થઇ હતી. જે આરોપી ને પોલીસે ગણતરી ની કલાકો માં ઝડપી લીધો હતો.
આદિત્યાણા ગામે મસ્જીદ ની બાજુ માં રહેતા અને શાક માર્કેટ પાસે ફરસાણ ની દુકાન ધરાવતા મેણંદભાઇ જેતમાલભાઈ ડાભી (ઉવ ૪૭)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ રવિવારે બપોર ના સમયે તે તથા તેનો પરિવાર જમી ને આરામ કરતો હતો. અને માતા લાખીબેન ઘરની બાજુમાં આવેલ પડતર જગ્યામાં શૌચક્રિયા કરવા દોઢ વાગ્યે ગયા હતા. થોડી વાર પછી લાખીબેનનો એકદમ રાડો નાખવાનો અવાજ આવતા તેઓ તુરંત ત્યાં દોડી ગયા હતા. ત્યારે એક અજાણ્યો શખ્શ પાછળ જોતો જોતો દોડીને નાસી ગયો હતો.
આ શખ્શ શરીરે પાતળા બાંધાનો, માથે ટુકા વાળ,કાળું પેન્ટ, લીટી વાળો સફેદ કલરનો શર્ટ પહેરેલ હતો. તેઓ લાખીબેન પાસે જતા તેઓએ જણાવ્યું હતું કે નાસી ગયેલા શખ્શે તેના બન્ને કાનમાંથી વેઢલા ની ઝૂંટ મારી ને લઇ ગયો છે. માતાના બન્ને કાનમાં જોતા લોહી નીકળતા હતા. અને લોકો ના ટોળા પણ એકત્ર થઇ ગયા હતા. ત્યાર બાદ માતાએ પહેલ સોનાના વેઢલા આશરે પોણા ત્રણ ગોલાના જેની અંદાજીત કીમત .રૂ.૧,૩૫,૦૦૦/- છે તે ઝુંટવી જનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અને રેલ્વે સ્ટેશન ત્રણ રસ્તા પાસે એક શખ્શ શંકાસ્પદ હાલત માં જણાતા તેની તલાશી લેતા સોનાના વેઢલા મળી આવ્યા હતા. આથી પોલીસે તેની પુછપરછ કરતા પોતાનું નામ પ્રવીણ ઉર્ફે સુકા જેઠા પાંડાવદરા હોવાનું તથા પોતે આદિત્યાણા માં જ રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની વધુ પુછપરછ હાથ ધરી છે.