આદિત્યાણા ગામે ૧૮ વર્ષ થી ઓછી વય ના લોકો ને તમાકુ નું વેચાણ ન કરવા અંગે ના બોર્ડ ન મુકનાર ૧૧ વેપારીઓ તથા શાળા ની નજીક તમાકુ નું વેચાણ કરતા એક વેપારી ને ટોબેકો કંટ્રોલ સોસાયટી દ્વારા ૨૪૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.
પોરબંદર જીલ્લા પંચાયત અંતર્ગત આવતી ટોબેકો કંટ્રોલ સોસાયટી ના દિનેશભાઈ દવે,દીપકભાઈ જોશી સહિતની ટીમે પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ ના અધિકારીઓ ને સાથે રાખી આદિત્યાણા ગામે આવેલ પાન મસાલા નું વેચાણ કરતી દુકાનો તેમજ એજન્સીઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં તમાકું નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ હેઠળ કલમ ૬ અંતર્ગત કાર્યવાહી કરી ૧૨ વેપારીઓ સામે કેસ કરી ૨૪૦૦ રૂપિયા નો દંડ કર્યો છે. જેમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણ ન કરવા અંગે ના બોર્ડ ન હોય તેવા ૧૧ ધંધાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાની આજુ બાજુ ના ૧૦૦ વાર ના વિસ્તારમાં તમાકુનું વેચાણ કરતા એક ધંધાર્થી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પગલે નાના એવા આદિત્યાણા ગામે નિયમ નું પાલન કર્યા વગર તમાકુ બનાવટો નું વેચાણ કરતા ધંધાર્થીઓ માં ફફડાટ જોવા મળે છે.


