પોરબંદર
આ વખતે પોરબંદર અચીવર્સ માં વાત કરીશું પોરબંદર ના એક એવા યુવાન ની જેણે નાની ઉમર માં પણ અનેક સિધ્ધિઓ મેળવી છે.અને હાલ પણ પોરબંદર નું નામ રોશન કરી રહ્યો છે આ વખતે આપણે વાત કરશું
દેવ કેશવાલા ની..
સબ ટીવી પરથી પ્રસારિત થતી સિરિયલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દર્શકોમાં અત્યંત લોકપ્રિય છે. દૈનિક ધારાવાહિકમાં બે હજાર એપિસોડ પૂરાં કરનારી આ પ્રથમ કૉમેડી સિરિયલ બની છે . સપરિવાર બેસીને જોઇ શકાય એવી હાસ્યની છોળો ઉડાડતી સિરિયલો માં આ સીરીયલ મોખરે છે આ ધારાવાહિક ની સફળતા માં પોરબંદર નું પણ અનેરું યોગદાન છે આ સીરીયલ ના સફળતા ના પાયા માં સૌથી મહત્વ નું પાત્ર હોય તો તે જેઠાલાલ નું છે અને આ પાત્ર મૂળ પોરબંદર નજીક ના ગોસા ગામ ના વતની એવા દિલીપ જોશી ભજવી રહ્યા છે. તો ગત જુન માસ થી આ સીરીયલ ના એપિસોડ પોરબંદર નો જ યુવાન દેવ કેશવાલા લખી રહ્યો છે. દેવ ના પિતા મહેન્દ્રભાઈ કેશવાલા પોરબંદર પાલિકા માં વરસો થી ફરજ બજાવે છે.અને તેઓ પણ ખુબ આકર્ષક પેઇન્ટિંગ અને સ્કેચ બનાવે છે. આમ તેઓ ની કળા વારસા રૂપે તેમના પુત્ર દેવ માં પણ ઉતરી હોય તેમ દેવ કેશવાલા બહુમુખી પ્રતિભા ધરાવે છે. દેવે કારકિર્દી ની શરુઆત પોરબંદર માં એકાંકી લખવા થી કરી હતી. જેમાં સાહિત્ય અકાદમી માં પણ તેના એકાંકી ને તેમજ તેની એક્ટિંગ ને અનેક પુરસ્કારો મળતા તેનો ઉત્સાહ વધ્યો હતો.ડાન્સ,એક્ટિંગ,નિર્દેશન અને લેખન માં રસ હોવાથી તેણે ૨૦૧૨ માં મુંબઈ ની વાટ પકડી હતી.
અનેક સીરીયલ ની સ્ક્રીપ્ટ લખી.
મુંબઈ ગયા પછી સૌ પ્રથમ લાઈફ ઓકે પર આવતી શપથ નામની સીરીયલ માં દેવ આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતો. ત્યાર બાદ તેણે ઈટીવી પર આવતી છૂટાછેડા ના કેટલાક એપિસોડ પણ લખ્યા હતા. ત્યાર બાદ સોની ટીવી ની પ્રખ્યાત કોમેડી સર્કસ માં પણ તે રાઈટીંગ ટીમ માં જોડાયો હતો. એ સિવાય તેને સબટીવી પર આવતી બાલવીર અને અન્ય એક ગુજરાતી સીરીયલ માથાભારે મંજુલા પણ લખી. ત્યાર બાદ કલર્સ પર આવતી પતી થયો તો પતી ગયો લખી. લાઈફ ઓકે પર આવતી કોમેડી ક્લાસિક માં પણ તેણે લખ્યું હતું. તે પછી તેણે ગુજરાતી ફિલ્મ હાર્દિક અભિનંદન લખી અને દિગ્દર્શિત પણ કરી હતી.હાલ માં કલર્સ પર ચાલી રહેલી લક્ષ્મી સદૈવ મંગલમ નામની સીરીયલ માં પણ બે માસ સુધી એપિસોડ નું લેખન તેણે કર્યું હતું. આમ નાની ઉમર માં જ પોરબંદર ના આ દેવ નામના યુવાને લેખન ક્ષેત્રે ખાસ્સું કાઠું કાઢ્યું છે.
ડાન્સ માં પણ રૂચી :વરસો સુધી નવરાત્રી માં પ્રિન્સ બન્યો.
દેવ ને બચપણ થી જ લેખન, અભિનય ની સાથે સાથે ડાન્સ માં પણ સારી એવી રૂચી હતી અને પોરબંદર માં તે ડાન્સ ક્લાસ ચલાવતો હતો અને અહી નવરાત્રી દરમ્યાન સતત ૭ વરસ સુધી તે પ્રિન્સ તરીકે વિજેતા બન્યો હતો અને હાલ માં ડાંસ ની જ ખાસ થીમ પર આધારિત સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ પણ તેણે લખી છે. જેનું નામ “સફળતા ૦ કિમી” છે. જેમાં ડાન્સ ઇન્ડિયા ડાન્સ ફેઈમ ધર્મેશ સર ઉપરાંત બોલીવુડ ના અન્ય જાણીતા કલાકારો પણ અભિનય કરી રહ્યા છે .ડાન્સ પર આધારિત આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે અને આ ફિલ્મ માં દેવે સ્ક્રીન પ્લે,ડાયલોગ ઉપરાંત એક ગીત પણ લખ્યું છે .જે આગામી ચારેક માસ માં રીલીઝ પણ થવા જઈ રહી છે .
ગુજરાતી મેગેઝીનો માં પણ વાર્તાઓ પ્રસિદ્ધ
દેવ સીરીયલ અને ફિલ્મો માં લેખન ઉપરાંત કુમાર,અભિયાન,શબ્દસૃષ્ટિ સહીત ના જાણીતા મેગેઝીન માં ટૂંકી વાર્તાઓ,લઘુકથા પણ લખે છે જે સમયાન્તરે આ મેગેઝીન માં પ્રસિદ્ધ થતી હોય છે.ઉપરાંત કેટલાક નાટકો પણ લખ્યા છે
ગત ૨૪ ફેબ્રુઆરી-૧૮ ના રોજ પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મેળવ્યો
ગત ૨૪ ફેબ્રુઆરી ના રોજ મુંબઈમાં ૧૭મો વાર્ષિક ટ્રાન્સમીડિયા સ્ટેજ એન્ડ સ્ક્રીન એવોર્ડ કાર્યક્રમ યોજાઈ ગયો હતો.જેમાં પણ પોરબંદરનો આ યુવા લેખક દેવ કેશવાલા મેદાન મારી ગયો હતો. છેલ્લા ૧૭ વર્ષથી,દર વર્ષે ગુજરાતી નાટકો, સીરીયલો અને ફિલ્મોનાં કલાકાર કસબીઓની કલાને પ્રોત્સાહિત કરવા ટ્રાન્સમીડિયા દ્વારા એવોર્ડ શો નું આયોજન કરવામાં આવે છે.જેમાં ગત વર્ષે ટીવી સીરીયલના શ્રેષ્ઠ લેખકની કેટેગરીમાં દવે કેશવાલા પોતે લખેલી સીરીયલ ”મહેક” માટે નોમીનેટ થયા હતા અને ફાઈનલ ચરણમાં વિજતા તરીકે દેવ કેશવાલાનું નામ જાહેર કરવામાં આવ્યું. તેમને આ એવોર્ડ ‘કલર્સ ગુજરાતી’ પર આવતી ‘મહેક – મોટાં ઘરની વહુ’ સીરીયલ માટે એનાયત કરવામાં આવ્યો હતો
લેખક તરીકે કારકિર્દી બનાવવા દરરોજ એક પેઈજ લખવું જોઈએ
લેખક તરીકે કારકિર્દી બનાવવા માટે શું કરવું જોઈએ તેવા સવાલ માં દેવે એવું જણાવ્યું હતું કે જેને રાઈટર તરીકે કારકિર્દી બનાવવી હોય તેણે દરરોજ એક પેઈજ તો લખવું જ જોઈએ અને પોતાનું લખાણ અન્ય લોકો ને બતાવી અને ફીડબેક લેવો જોઈએ .ઉપરાંત ફરજીયાત વાંચન પણ કરવું જોઈએ.સારું લખતા હશો તો તમારી ડીમાંડ આપોઆપ ઉભી થશે.ફિલ્મ,ટીવી,નાટક વગેરે માં સારા લેખક ની કમી વર્તાય છે સારો કન્ટેન્ટ ધરાવતી સ્ક્રીપ્ટ ની હમેશા ડીમાંડ રહે છે .કોઈ પણ વ્યક્તિ સારી સ્ક્રીપ્ટ સારા ઓબ્ઝર્વેશન થી જ લખી શકે વ્યક્તિ જયારે સારો શ્રોતા અને સારો વાંચક હોય ત્યારે જ સમૃદ્ધ લેખન લખી શકાય છે
આવતા અઠવાડિયે વધુ એક અચીવર ની વાત લઇ ને મળશું ..
-નિપુલ પોપટ
આ વિભાગ અંગે આપના સૂચનો પ્રતિભાવો આવકાર્ય છે
ઈમેઈલ –porbdandartimes@gmail.com
અથવા વોટ્સેપ પર ૯૯૨૪૧૮૭૩૮૩ નંબર પર પણ આપના પ્રતિભાવો, સૂચનો મોકલી શકો છો .