પોરબંદર ચોપાટીની ફૂટપાથ પર ૭ વર્ષ પૂર્વે યુવાન ને છરી મારીને હત્યાની કોશિશના ગુન્હામાં આરોપીને દસ વર્ષની સખ્ત કેદની સજા અને ૨૦,૫૦૦ રૂા.નો દંડ ફટકારવામાં આવ્યો છે.
પોરબંદર ચોપાટી ની ફૂટપાથ પર ઝુપડું બનાવી રહેતા આરોપી માનસીંગ રામાભાઈ દાફડાની પત્ની કારીબેન અને જેના પતી ની હત્યા ની કૌશિશ માનસિંગે કરી હતી તે ફરીયાદી ગંગાબેન મનોજભાઈ બાબુભાઇ સોલંકી બન્ને સગી બહેન થતી હોય અને બનાવના સમયના દિવસથી આશરે આઠેક દિવસ પહેલા માનસિંગ પત્ની કારીબેનને મારકુટ કરતો હોય જેથી ફરીયાદી ગંગાબેન તથા ફરીયાદી પતિ ઇજા પામનાર મનોજભાઈ બાબુભાઈ સોલંકી આરોપીને સમજાવવા માટે ગયેલ અને આરોપીને ઠપકો આપી એકાદ ઝાપટ મારેલી અને જતા રહેલા.
જે વાતનું મનદુ:ખ રાખી આરોપીએ ગઈ તા. ૨૫-૮-૨૦૧૮ ના રોજ ફરીયાદી જયાં રહેતા હોય ત્યાં ટ્રાફિક ઓફીસ પાસે ગરમ ધાબડો ઓઢી ગયેલ અને મનોજભાઈ સોલંકી તેમની પાસે બોલાવેલ. જ્યારે ફરીયાદી તથા સાહેદ મનોજભાઈ તેમની પાસે ગયેલ ત્યારે આરોપીએ મનોજભાઈને મારી નાખવાના ઇરાદાથી તેઓના પેટના ભાગે છરીનો એક ઘા મારી જીવલેણ ગંભીર ઇજા પહોંચાડી ત્યાંથી નાસી જઈ જિલ્લા મેજીસ્ટ્રેટ પોરબંદરના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય
જે અન્વયે ફરીયાદી દ્વારા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ જાહેર કરતા આરોપી માનસીંગભાઈ રામાભાઈ દાફડા વિરૂધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ- ૩૦૭,૩૨૬ તથા જી.પી.એકટની કલમ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.
આ કામે પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દ્વારા ૨૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામ આવેલ તથા કુલ ૨૧ જેટલા સાહેદો તપાસવામાં આવેલ હતા. તેમજ સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવેલ હતી. જે અનુસંધાને સેકન્ડ એડી. સેશન્સ જજ પી.એચ.શર્મા દ્વારા ઉપરોકત કામના આરોપી માનસીંગ રામાભાઈ દાફડાને ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૭, ૩૨૬ તથા જી.પી.એકટની કલમ ૧૩૫ મુજબના ગુનામા તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખત કેદની સજા તથા કુલ રૂા. ૨૦,૫૦૦નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે.