પોરબંદર માં ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની કેદ તથા ચેકની રકમની ડબલ પેનલ્ટી ચુકવવાનો પણ કોર્ટ દ્વારા આદેશ અપાયો છે.
પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા અશોકભાઈ જાદવભાઈ કોટીયાએ લેખિતમાં તેઓના વકીલ એમ.જી. શિંગરખીયા માફરતે કોર્ટમાં એન.આઈ.એકટ મુજબ ફરીયાદ દાખલ કરેલ. ફરીયાદમાં જણાવેલ કે આરોપી કિરીટભાઈ કાનજીભાઈ પાણખાણીયા, રહે. જલારામ કોલોની, એસ.એસ.સી. ગેઈટની સામે, પોરબંદર વાળાએ ફરીયાદી પાસેથી સબંધના દાવે વગર વ્યાજે હાથ ઉછીની રકમ રૂા.૧,૭૦,૫૦૦/- પચાસ દિવસના સમય માટે હાથ ઉછીના લીધેલા, અને તે અંગેનું લખાણ પણ કરી આપેલ હતું.
ત્યારબાદ ફરીયાદીએ રકમની ઉધરાણી કરતાં આરોપીએ તેઓની ખાતાવાળી બેંક ઓફ બરોડાનો ખાતાનો ચેક આપેલો, અને જે ચેક વણચુકવ્યો પરત ફરતાં ફરીયાદીએ ફરીયાદ દાખલ કરેલાની હકીકત જણાવેલ અને આરોપીને સજા કરવા તથા ચેકની રકમની ડબલ રકમની માંગણી કરેલી. ત્યારબાદ કોર્ટે આરોપીને સમન્સ કરતાં આરોપી તેઓના વકીલ સાથે હાજર થયેલા અને ચેકની રકમ આપવા અંગેનો ઈન્કાર કરેલો. અને કેસની ટ્રાયલ ચલાવવામાં આવેલી, અને ત્યારબાદ બન્ને પક્ષે દલીલો થયેલી અને ત્યારબાદ કોર્ટે બન્ને પક્ષોને સાંભળયા બાદ વિગતવારનો હુકમ આપતાં પહેલા સજા અંગે પણ આરોપીને સાંભળવામાં આવેલા.
અને ત્યારબાદ પોરબંદરના જયુડી. મેજી. ફ.ક. કોર્ટના મેજી. એ આરોપી કીરીટભાઈ કાનજીભાઈ પાણખાણીયાને એન.આઈ.એકટની કલમ – ૧૩૮ મુજબના ગુન્હાના કામે કસુરવાર ઠરાવી એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવેલ તથા ફરીયાદવાળા ચેકની બમણી રકમ એટલે કે રૂા.૩,૪૧,૫૦૦/- હુકમની તારીખથી એક માસની અંદર ચુકવી આપવી અને જો વળતર પેટેની રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની કેદની સજાનો હુકમ પણ કરવામાં આવેલો. તેમજ ચુકાદા વખતે આરોપી હાજર રહેલ ન હોય, જેથી આરોપીને સજા વોરંટ પણ ઈસ્યુ કરવામાં આવેલું અને તે અમલવારી માટે લાગતા વળગતા પોલિસ સ્ટેશને યાદી કરવાનું પણ કોર્ટે જણાવેલ, આમ, તાઃ ૨૨-૦૪-૨૦૨૪ નારોજ ખુલ્લી અદાલતમાં ઉપરોકત ઠરાવ વાંચી, સંભળાવી જાહેર કરેલો હતો.
આ કામમાં ફરીયાદપક્ષે પોરબંદરના જાણીતા એડવોકેટ જે.પી. ગોહેલ ની ઓફીસ તરફથી એમ.જી. શિંગરખીયા, એન.જી.જોષી, એમ.ડી.જુંગી, રાહુલ એમ. શિંગરખીયા, પી.બી.પરમાર, વી.જી.પરમાર, જીિજ્ઞેશ ચાવડા તથા મયુર સવનીયા રોકાયેલા હતા.