ડ્રાઈવિંગ લાયસન્સ નહીં ધરાવનાર વાહનચાલકના અકસ્માતે મૃત્યુના કેસમાં વિમા વળતર મળી શકે નહીં તે પ્રકારનો મહત્વનો ચુકાદો પોરબંદરની ગ્રાહક સુરક્ષા કોર્ટે આપ્યો છે.
પોરબંદરના કુછડી ગામના ખાતેદાર ખેડુત પરબત રાજા કુછડીયાનું માર્ચ-૨૦૨૨માં બાઈક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અને તેના દ્વારા ખેડૂત વીમા યોજનાનું પ્રિમિયમ ભરાતું હતું. જેથી અકસ્માત મૃત્યુ બાદ તેમના વિધવા સુમરીબેને ખેડૂત વિમા યોજનાની સ્કીમ અન્વયે રૂા. બે લાખનો વીમો મેળવવા માટે ગાંધીનગર વીમા કંપનીના ડાયરેકટર, ખેતિ નિયામક અને જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીને આ વીમાની રકમ ચુકવવા માટે જવાબદાર ગણાવી ગ્રાહક કોર્ટ સમક્ષ તેઓની સાથે થયેલા પત્ર વ્યવહાર રજૂ કર્યા હતા.
જેની સામે ખેતીવાડી ખાતા ના પેનલ એડવોકેટ વિજયકુમાર પંડયાએ કોર્ટમાં ઓબ્જેકશન ફાઇલ કરી જણાવ્યું હતું કે મરનાર ખેડૂત પાસે ફોર વ્હીલરનું લાઇસન્સ હતું. પરંતુ અકસ્માતવાળો બનાવ મોટરસાઇકલ એટલે કે ટુ-વ્હીલર વાહનનો હતો. પરંતુ મૃત્યુ પામનાર ખેડૂત ટુ-વ્હીલરનું લાયસન્સ ધરાવતા ન હતા. જેથી તેઓને ટુ- વ્હીલર વાહન ચલાવવાની આર.ટી.ઓ. કચેરી તરફથી કોઈ જ પરમીશન ન હોવાથી તેઓ કાયદેસર રીતે ટુવ્હીલરના ચાલક હતા જ નહીં, જેથી આ અકસ્માત વગર લાઇસન્સે બેદરકારીયુકત રીતે વાહન ચલાવવાથી થયેલ હોવાથી મૃત્યુ પામનારના વારસો કોઇ જ વળતર ગ્રાહક સુરક્ષા ધારા નીચે માંગી મેળવી શકે નહી, જે દલીલોને ધ્યાને લઇને ગ્રાહક કોર્ટે વીમેદારના વારસોનો વળતરનો દાવો રદ કર્યો છે.
વધુમાં એવી દલીલ રજુ કરાયેલી કે ખેતીવાડી ખાતાની ખાતેદાર ખેડુત પ્રત્યેની સતા-હકુમત વીમા વળતર બાબતે ફકત કલેઇમ ફોરવર્ડીંગ પૂરતી જ સિમીત હોય છે. છતાં પણ કલેઇમ પેપર્સ પુર્તતાના હેતુસર ખેડૂતના વારસદાર પાસે ખેડૂતના થયેલા ટુ-વ્હીલર વાહનનું લાયસન્સ માગેલ જે લાયસન્સ પણ અરજદાર રજૂ કરી શકેલ નથી. જેથી તેનો દાવો પોરબંદર ગ્રાહક સુરક્ષા કોર્ટે રદ ફરમાવેલ છે.