પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર કુતિયાણા નજીક પુરઝડપે આવી રહેલી કારના ચાલકે બાઈકને ઠોકર મારતા ચોલીયાણા ગામના યુવાનનું મોત નીપજ્યું છે.
મુળ મહીરા ગામે તથા હાલ ચોલીયાણા ગામે હોટલ પાસે રહેતા ભીમાભાઈ હીરાભાઈ કોડીયાતર(ઉવ ૪૦) નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેનો નાનો ભાઈ કમાભાઈ ઉર્ફે કમલેશભાઈ પોતાનું બાઈક લઈને દરરોજ ગામે ગામ શાકભાજી ની ફેરી કરવા જાય છે. ગઈકાલે પણ તે બપોરે જમીને શાકભાજી લઇ ને બાઈક પર ફેરી કરવા નીકળ્યો હતો. અને કુતિયાણા-પોરબંદર-રાજકોટ હાઈવે પર આવેલ મામાદેવના મંદિર સામે પેટ્રોલપંપ પાસે પહોંચ્યો. ત્યારે જીજે 10 સીજી ૧૦૫૨ નામની કારના ચાલકે બેફીકરાઈથી તેની કાર ચલાવીને કમાના બાઈક માં પાછળથી ઠોકર મારી દેતા તેને ગંભીર ઈજાઓ થઇ હતી. બનાવ બનતા લોકો ના ટોળા એકત્ર થયા હતા. અને કમાભાઈ ને કુતિયાણા ની હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર ના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. પોલીસ કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


