માધવપુર ના બીચ પર સેલ્ફી લેવા જતા અમદાવાદ નો યુવાન તણાયો હતો. જેને બચાવવા તેના કાકા એ પણ દરિયામાં ઝંપલાવતા બે કલાક બાદ બન્નેના મૃતદેહ હાથ લાગ્યા હતા.
અમદાવાદ ના થલતેજ વિસ્તાર માં રહેતા સંજય પ્રભાતસિંહ ઠાકોર(ઉવ ૩૨)તથા તેનો ભત્રીજો આશિષ રાજેશભાઈ ઠાકોર (ઉવ ૧૯)ઉપરાંત તેના પાંચ મિત્રો ગત મોડી રાત્રે અમદાવાદ થી કાર લઇ ને દ્વારકા સહીત સૌરાષ્ટ્ર ના પ્રવાસે નીકળ્યા હતા. અને શનિવારે વહેલી સવારે દ્વારકા પહોંચ્યા હતા. જ્યાં મંદિર બંધ હોવાથી બહારથી દર્શન કરી હર્ષદ મંદિરે પહોંચ્યા હતા. અને ત્યાંથી પોરબંદર બાયપાસ પર થી સોમનાથ જઈ રહ્યા હતા.
રસ્તા માં માધવપુર બીચ ખાતે મોટી સંખ્યા માં માનવમહેરામણ હોવાથી તેઓ પણ બીચ ની મોજ માણવા ત્યાં ગયા હતા. માધવપુર પી એસ આઈ પરમારે આપેલ માહિતી મુજબ આજે પુનમ હોવાથી દરિયો ખુબ જ ભર હતો. અને શની-રવી રજા નો દિવસ હોવાથી મોટી સંખ્યા માં અહી પ્રવાસીઓ ઉમટતા હોવાથી અહી જીઆરડી ના જવાનો તૈનાત રાખવામાં આવ્યા હતા. સાતેય યુવાનો બીચ ની નજીક જવા લાગતા જીઆરડી જવાને તેને દરિયો તોફાની હોવાથી ત્યાં જતા અટકાવ્યા હતા. આથી તે યુવાનો નજીક માં રહેલ કાચબા ઉછેર કેન્દ્ર ની પાછળ ના ભાગે થી દરિયાકાંઠે પહોંચ્યા હતા. અને અહી આશિષ મોજા ની નજીક રહી મોબાઈલ પર સેલ્ફી લઇ રહ્યો હતો. તે સમયે અચાનક ભારે મોજું આવતા તે તણાઈ ગયો હતો.
આથી તેના કાકા સંજયે આ દ્રશ્ય જોતા ભત્રીજા ને બચાવવા તેણે પણ દરિયા માં ઝંપલાવ્યું હતું. પરંતુ દરિયો ખુબ તોફાની હોવાથી તેઓ પણ તણાઈ ગયા હતા. આથી અન્ય લોકો એ પોલીસ ને જાણ કરતા પીએસઆઈ પરમાર સહિતનો સ્ટાફ તુરંત દોડી ગયો હતો. અને અન્ય મછિયારા યુવાનો ની બોટો મારફત બન્ને યુવાનો ની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બે કલાક ની જહેમત બાદ બન્ને યુવાનો ના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. જેથી પીએમ અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવ ના પગલે સમગ્ર માધવપુર પંથક માં અરેરાટી વ્યાપી ગઈ છે.
પોલીસે જણાવ્યું હતું કે દરિયો તોફાની હોવા અંગે પ્રવાસીઓ ને સાવચેત કરવા અને નજીક ન જવા પોલીસ અને ગ્રામ પંચાયત દ્વારા ચેતવણી સૂચક સાઈન બોર્ડ પણ સમગ્ર બીચ પર મુકવામાં આવ્યા છે. તેમ છતાં તેની અવગણના કરતા આવા બનાવ બને છે. માધવપુર નો બીચ આમ પણ જોખમી ગણાય છે. અને અગાઉ પણ અહી તણાઈ જવાના અનેક બનાવ બન્યા છે.