પોરબંદર ના સાંદિપની વિદ્યાનિકેતન ખાતે પ્રતિવર્ષ અનુસાર સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠિ અંતર્ગત આ વર્ષે પણ તા.૨૨ થી ૨૪ માર્ચ દરમ્યાન દસ સત્રોમાં સંસ્કૃતિ ચિંતનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાહિત્યના અલગ-અલગ વિષયો પર ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકારો ઉદબોધન કરશે. સાથે-સાથે કાવ્ય-સંગીત સમારોહ અને કવિ સંમેલન પણ યોજાશે.
સંસ્કૃતભાષા અને સંસ્કૃતિના સંરક્ષણ માટે સતત કાર્યશીલ, શ્રીમદ ભાગવત કથા અને રામકથાના માધ્યમથી અનેક લોકોના જીવનને ધન્ય બનાવનારા તેમજ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદિપની વિદ્યાનિકેતન ખાતે પ્રતિવર્ષ અનુસાર પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં યોજાતી સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠિ અંતર્ગત આ વર્ષે પણ તા.૨૨ થી ૨૪ માર્ચ દરમ્યાન દસ સત્રોમાં સંસ્કૃતિ ચિંતનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાહિત્યના અલગ-અલગ વિષયો પર ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકારો ઉદબોધન કરશે. એ સાથે-સાથે કાવ્ય-સંગીત સમારોહ અને કવિ સંમેલન પણ યોજાશે.
સંસ્કૃતિ ચિંતન
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં હોળી-ધૂળેટી ઉત્સવ પૂર્વે સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠી અંતર્ગત સંસ્કૃતિ ચિંતનનું આયોજન તારીખ ૨૨મી થી ૨૪મી માર્ચ દરમ્યાન કરવામાં આવ્યું છે. તારીખ ૨૨મી માર્ચ ૨૦૨૪, શુક્રવારે સંસ્કૃતિ ચિંતનના પ્રથમ દિવસે પ્રથમ સત્રમાં સાંજે ૦૪:૦૦ થી ૫:30 દરમ્યાન ઉદ્ઘાટનસત્ર યોજાશે. ઉદ્ઘાટનસત્રના પ્રારંભે પૂર્વ આઈ. એ. એસ. શ્રી ભાગ્યેશભાઇ જહા તથા અશ્વિની ઉપાધ્યાયસંપૂર્ણ કાર્યક્રમની ભૂમિકા પ્રસ્તુત કરશે. ઉદ્ઘાટનસત્રમાં પૂજ્ય ભાઈશ્રી સંસ્કૃતિ ચિંતનસત્રની ભૂમિકા સાથે પ્રેરક ઉદ્બોધન પણ આપશે. આ બેઠકના સમન્વયક તરીકે શ્રી અશ્વિન આણદાણી રહેશે. સંસ્કૃતિ ચિંતનના પ્રથમ દિવસે બીજું સત્ર “કેફિયત” સાંજે ૫:૩૦ થી ૬ દરમ્યાન થશે. જેમાં પદ્મશ્રી જગદીશ ત્રિવેદી પોતાનું વક્તવ્ય આપશે. આ સત્રમાં સમન્વયક તરીકે શ્રી અશ્વિન આણદાણી રહેશે. આ સત્રના સમાપન બાદ સાંજે ૭:૦૦ વાગ્યે શ્રીહરિ મંદિરમાં સાયં આરતી સંપન્ન થશે. ત્યારબાદ રાત્રે ૮:૦૦ થી ૯:૩૦ દરમ્યાન ત્રીજું સત્રમાં કાવ્યસંગીત સમારોહ યોજાશે. આ સત્રના સમન્વયક તરીકે નિયતિ અંતાણી રહેશે.
સંસ્કૃતિ ચિંતનના બીજા દિવસે તા.૨૩-૦૩-૨૦૨૪, શનિવારે ચોથું સત્ર “શબ્દ સરિતા” મુખ્ય વિષય પર સમય સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ દરમ્યાન યોજાશે. જેમાં “કથામાં ગાંધીનો શબ્દ” વિષય પર શ્રી હસિત મહેતા, “કવિનો શબ્દ” વિષય પર શ્રી વિનોદ જોશી, “લોકસાહિત્યનો શબ્દ” વિષય પર શ્રી બળવંત જાની એમના વિચારો પ્રસ્તુત કરશે. આ સત્રનો સમન્વય શ્રી સંજય પટેલ દ્વારા કરવામાં આવશે. આગળનું પાંચમુ સત્ર શિક્ષણ અને સંસ્કૃતિના મુખ્ય વિષય સાથે સવારે ૧૧:૩૦ થી ૧:૦૦ દરમ્યાન રહેશે. જેમાં જાણીતા લેખક અને સાહિત્યકાર શ્રી ભદ્રાયુ વચ્છરાજાની દ્વારા ‘NEP2020 : વિકસિત ભારત તરફની યાત્રા” વિષય પર, શ્રી સંજય ચૌધરી દ્વારા “ટેકનોલોજી અને શિક્ષણ” વિષય પર, શ્રી જયેન્દ્રસિંહ જાદવ દ્વારા “રાષ્ટ્રીય શિક્ષાનીતિ અને રાષ્ટ્રીયતા” વિષય પર મનનીય વક્તવ્ય પ્રસ્તુત થશે. શ્રી પ્રશાંત પટેલ આ સત્રના સમન્વયક રહેશે. સંસ્કૃતિ ચિંતનના બીજા દિવસના અપરાહ્ન સમયમાં ૪:૦૦થી છઠ્ઠું સત્ર યોજાશે. ત્યારબાદ સાંજે ૫:૦૦ થી ૬:૩૦ દરમ્યાન “પ્રવાસ પરિમલ” ના મુખ્ય વિષય સાથે સાતમું સત્ર યોજાશે. જેમાં “વિદેશ પ્રવાસ” વિષય પર શ્રી અજયસિંહ ચૌહાણ, “હિમાલયનો પ્રવાસ” વિષય પર શ્રી સુભાષ ભટ્ટ, “ગુજરાતનો પ્રવાસ” વિષયને લઈને શ્રી લલિત ખંભાયતા એમના વિચારો રજૂ કરશે. સાતમાં સત્રના સમન્વયક શ્રી પ્રવીણ વાઘેલા રહેશે. આ સત્રના સમાપન બાદ ૭:૦૦ વાગ્યે શ્રીહરિ મંદિરમાં સાયં આરતી સંપન્ન થશે. ત્યાર પછી રાત્રે ૮:૩૦ થી ૧૦:૦૦ દરમ્યાન આઠમાં સત્રમાં કવિ સંમેલન યોજાશે. જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યરસિકો કવિઓ પોતાની રચનાઓની પ્રસ્તુતિ કરશે. આ કવિ સંમેલનનું સુચારુ સંચાલન શ્રી મિલિન્દ ગઢવી દ્વારા થશે.
સંસ્કૃતિના ચિંતનના ત્રીજા દિવસે તા.૨૪મી માર્ચ રવિવારે સવારના સમયે ૧૦:૦૦ થી ૧૧:૩૦ દરમ્યાન “રંગમંચને સંગ” આ મુખ્ય વિષયને લઈને નવમું સત્ર યોજાશે. આ સત્રના અધ્યક્ષા સુ.શ્રી સંધ્યા પુરેચા રહેશે. જેમાં “વિદેશની નાટ્ય સંસ્કૃતિ” વિષય પર શ્રી પ્રણવ જોશીપુરા, “નાટ્ય નિર્માણ અને સંસ્કૃતિ” વિષય પર શ્રી પી.એસ.ચારી, અને “ભારતીય નાટ્ય વિદ્યા અને સંસ્કૃતિ” વિષય પર શ્રી કનુ પટેલ પોતાના વિચારો પ્રસ્તુત કરશે.
ત્યારબાદ સવારે ૧૧:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન દસમું સત્ર સમાપન સત્ર યોજાશે. જેના સમન્વયક તરીકે શ્રી નિસર્ગ આહીર રહેશે. પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં હોળી-ધૂળેટી રંગોત્સવ પૂર્વેના સાહિત્યિક વાર્ષિક જ્ઞાનગોષ્ઠી : સંસ્કૃતિ ચિંતનના વિભિન્ન સત્રોમાં પ્રસિદ્ધ સાહિત્યકારો દ્વારા પ્રસ્તુત થનાર સાહિત્યિક રંગોત્સવને માણવા માટે સાંદીપનિ પરિવાર આપ સૌ ભાવિકોને નિમંત્રણ પાઠવે છે.




