પોરબંદર પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા અને જિલ્લા વહીવટી તંત્રના સયુંકત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ ખાતે પ્રાકૃતિક ખેતી વિષયક કૃષિ સંવાદ યોજાયો હતો.
આ તકે પ્રાકૃતિક ખેતીના રાજ્ય સંયોજક આર.બી. સાવલિયા જણાવ્યું હતું કે, આપણો દેશને પ્રાચીન સમયમાં સોને કી ચિડિયા કહેવાતો હતો. પ્રાચીન સમયમાં ખેતીને ઉત્તમ ગણવામાં આવતી હતી પરંતુ દુર્ભાગ્યવશ આજે ખેતીને કનિષ્ઠ ગણવામાં આવે છે. આપણે જમીનને આપણી માતા ગણીએ છીએ તે જ જમીનનું આપણે વિનાશ પણ કરીએ છીએ. રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ જેવી અનેકવિધ વસ્તુઓના ઉપયોગથી જમીનની ગુણવત્તાને ખૂબ જ નુકશાન પહોચ્યું છે. આજે માનવીમાં અનેકવિધ રોગોનું પ્રમાણ વધ્યું એનું મૂળ કારણ રાસાયણિક ખેતીનો વધુ પડતો ઉપયોગ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સર્વે જગતનો આધાર કૃષિ છે. જેમાં પશુપાલન અને કૃષિ પ્રાચીન સમયથી એકબીજાના પૂરક રહ્યા છે. આજે રાસાયણિક ખેતીના લીધે જમીન પોતાની ગુણવતા ગુમાવી રહી છે. જેના લીધે કૃષિ ઉત્પાદકતા દિન પ્રતિદિન ઘટતુ જઈ રહ્યું છે. જેના કારણે હવે આપણે ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું પડશે અન્યથા તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.
પ્રાકૃતિક ખેતીના મુખ્યતે પાંચ પાસાઓ છે જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્રપાક. આ તમામ પાસાઓનો યોગ્ય અભ્યાસ કરી ખેતી કરવામાં આવે તો ન માત્ર ઉત્પાદન પણ આર્થિક ઉપાર્જનમાં પણ વધારો થઈ શકે છે. પ્રાકૃતિક ખેતીના અનેકવિધ ફાયદાઓ છે. કૃષિનો ઇનપુટ ખર્ચમાં ઘટાડો, ઉત્પાદનમાં વધારો, જમીનની ગુણવત્તામાં સુધારો, રોજગારીમાં વધારો જેવા અનેકવિધ લાભો રહેલા છે. આજે આપણા પોરબંદર જિલ્લામાં ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા તરફ વળ્યા છે. અને આજે વિજ્ઞાન પણ ધીમે ધીમે પ્રાકૃતિક ખેતીના અભિગમને સ્વીકારતો થયો છે.
આ તકે કૃષિ વૈજ્ઞાનિક વિશાલ સાવલિયાએ જણાવ્યું હતું કે , આપણા જિલ્લાના ખેડૂત મિત્રોએ હવે પાકની ફેરબદલી તરફ વળવું જોઈએ. વારંવાર એકને એક પાક લેવાને લીધે આજે જમીનની ફળદ્રુપતા એકદમ નહિવત થઈ ગઈ છે. જમીનને જીવંત રાખવા અને તેની ગુણવતા ટકાવી રાખવા માટે પ્રાકૃતિક ખેતી તરફ ધ્યાન દોરવું જોઈએ. આપણા ખેડૂત મિત્રો ખેતી વિષયક તમામ માહિતી મળી રહે તે માટે કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા KRUSHI SANHITA નામની એક એપ્લીકેશન પણ ઉપલબ્ધ છે. જેમાં કૃષિ વિષયક તમામ માહિતી તેમાંથી પ્રાપ્ત થઈ શકશે.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઊપસ્થિત ખેડૂતો પોતાના અભિપ્રાયો અન્ય ખેડૂત મિત્રોને જણાવી પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા પ્રેર્યા હતા. તેમજ કાર્યક્રમના અંતે હાજર તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરશે તેના શપથ લીધા હતા.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.કે.ત્રિવેદી તથા આભારવિધિ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા પ્રકાશભાઈ સોંદરવા દ્વારા કરવામાં આવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિશાલભાઈ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા આર.આર.ટીલવા, નાયબ બાગાયત નિયામક કલ્પના પંચાલ , બાગાયત અધિકારી એ.આર. લાડુમોર, કૃષિ વૈજ્ઞાનિક આર.બી. થાનકી સહિત બહોળી સંખ્યામાં ખેડૂત મિત્રો ઊપસ્થિત રહ્યા હતા.



