પોરબંદર ના બરડા અભયારણ્ય માં ભૂમાફિયાઓ ના તમામ દબાણ દુર કરવા રજૂઆત કરાઈ છે.
પોરબંદર ની એશિયાટીક લાયન કન્ઝર્વેશન સોસાયટી દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે પોરબંદર ના બરડા અભયારણ્ય અને તેની આસપાસ ના વિસ્તાર માં ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવેલ, જેના અનુસંધાને વન વિભાગ દ્વારા દ્વારા એક ઉત્કૃષ્ટ કામગીરી કરીને બરડા અયારણ્યમાં ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવેલ જંગલની જમીન પરનું ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવ્યુ છે. જે કામગીરી ખરેખર પ્રશંસનીય છે.
આવા ભૂમાફિયા લોકો દ્વારા ભવિષ્યમાં આ જમીન પર કોઇ રીસોર્ટ કે અન્ય કોઇ વ્યવસાયીક કે અનધિકૃત પ્રવૃતિ કરવાના હેતુથી જંગલની જમીનમાંથી જંગલના અસંખ્ય કુદરતી વૃક્ષો કાપી જમીન સાફ કરી ખેડાણ કરવામાં આવેલ હતું. ઉકત જગ્યાએ પાણી પહોંચાડવા ડીઝલ પંપ ઉપરાંત ચાર-પાંચ લાખ રુપિયાની કિંમતના સોલાર પાવર્ડ પંપ પણ લગાવવામાં આવેલ હતાં જે આવા ભૂમાફિયાઓની આર્થિક સધ્ધરતા છતી કરે છે. આના કારણે બરડા જંગલ વિસ્તારના નાજુક પરિસર તંત્ર પર ખુબ માઠી અસર પડે છે. આ વિસ્તારમાં આવા ભૂમાફિયા દ્વારા ઘાસ વગેરે વનસ્પતિને નાશ કરવા માટે બેફામ રીતે રાસાયણિક દવાઓનો છંટકાવ કરતા હોય છે. જેને કારણે જમીન ઉપરાંત આજુબાજુના જળ સ્ત્રોતો કે જયાંથી વન્યજીવ પાણી પીતા હોય છે તે પણ દુષિત થતા હોય છે.
તેમજ થોડી મોટી વનસ્પતિઓના નિકાલ માટે જંગલ વિસ્તારમાં આગ લગાડવી જેવા કૃત્યો કરવામાં આવતા હોય છે.જેને કારણે કીટકો, સસલા ,નોળિયા, સાપ, વણિયર, શેળા જેવી જીવસૃષ્ટી સાથે સાથે અલભ્ય ઔષધિઓ પણ નાશ પામતી હોય છે. વધુમાં આવા ભૂમાફિયાઓ દ્વારા આ અનધિકૃત દબાણ કરેલ જગ્યા ફરતે પથ્થરની દિવાલ, ઇલેકટ્રીક શોક વગેરે રાખવામાં આવતા હોય છે જેથી વન્ય જીવને મોટો ખતરો થતો હોય છે. જે પ્રવુતિઓને ડામવા પોરબંદર વન વિભાગ દ્વારા આવા ઘણા દબાણો મક્કમતાથી દૂર કરવામાં આવેલ. પરંતુ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ સારી કામગીરીને બીરદાવવાને બદલે કેટલાંક ભૂમાફિયાઓ તથા તેના મળતિયાઓ દ્વારા વન વિભાગ વિરુધ્ધ યેન કેન પ્રકારે આરોપો મુકીને તેમને હતોત્સાહ કરવામાં આવી રહયા છે.
આ બાબતે આવા પ્રશંસનીય કાર્ય બદલ વન વિભાગને પ્રોત્સાહન મળે. તેમજ ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવેલ આવા અન્ય દબાણો પણ સત્વરે દુર થાય. પ્રકૃતિ પ્રેમીઓ તથા પોરબંદર જિલ્લાનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ ઝંખતા પોરબંદર તથા બરડા વિસ્તારના લોકોની એક જ માંગ છે કે, બરડા અભયારણ્યમાં અથવા તેની આજુબાજુ ચાલતી તમામ ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ કરાવવા માટે વન વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોમાં બાહોશ અધિકારીઓની નિમણૂંક થાય તેના અનુસંધાને એશિયાટીક લાયન કન્ઝર્વેશન સોસાયટી, દ્વારા કલેક્ટર ને આવેદન આપવામાં આવેલ છે.
