પોરબંદરની પવનચક્કી દ્વારા ઉર્જાનું ઉત્પાદન કરતી કંપનીના ડેપ્યુટી મેનેજર પાસે ૨૦ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાની રીણાવાડાના શખ્શ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના પાલખડા ગામે રહેતા અને કે.પી. એનર્જી લિમીટેડ કંપનીમાં છેલ્લા દસ વર્ષથી નોકરી કરતા અને હાલ ડેપ્યુટી મેનેજરના હોદ્દા ઉપર ફરજ બજાવતા વિશાલકુમાર મૂળશંકર જોષી એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેની કંપની દ્વારા રાતડી, બરડીયા, કેશવ, કુછડી, દેગામ, રીણાવાડા, કાટેલા તથા શ્રીનગર એમ અલગ-અલગ ગામોમાં આવેલ પવનચક્કીમાં ઉત્પાદન થયેલ પાવરને જુદા જુદા પાવરહાઉસ સુધી સપ્લાય કરવાનો હોય છે. તેના માટે ૩૩ કે.વી. લાઇનના ત્રણ ફીડર સ્થાપિત કરવામાં આવ્યા હોય છે. આ ફીડરમાં જી.આઈ.પોલ તરીકે ઓળખાતા લોખંડના પોલની લાઈન ઉભી કરેલી છે.
અને આ ફીડરના પોલમા છેલ્લા બે મહિનામાં અલગ અલગ ચાર જગ્યાએ કોઈ અજાણી વ્યક્તિએ પોલ કટ કરીને કંપનીનું આર્થિક નુકશાન કર્યુ હતુ. આથી ફરિયાદી વિશાલકુમાર જોષીએ સ્થળ તપાસ કરતા પોલ કટ કરનાર અજાણ્યા વ્યક્તિ વિરુધ્ધ બગવદર પોલીસ મથક અને મીયાણી મરીન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવતા તેની તપાસ ચાલુ છે. દરમિયાનમાં વિશાલભાઈ જોષી તા. ૧૮-૮ના આરોપી રીણાવાડા શ્રીનગર ચોકડી પાસે રહેતા પરબત રામ મોઢવાડીયાએ ફરીયાદીને ફોન કરીને રૂબરૂ મળવાની વાત કરતા તેઓ હાઇવે પરની હોટલે મળ્યા હતા. ત્યારે પરબતે વિશાલને એવું જણાવ્યુ હતુ કે ‘તમારા આ પોલ કપાય છે (નુકશાન પહોંચાડવામાં આવે છે) તે બંધ થાય તેનો રસ્તો મારી પાસે છે. તેના માટે કંપનીએ મને પૈસા આપવા પડશે’ આથી ફરીયાદીએ તેને કહ્યુ હતુ કે કંપની આ રીતે પૈસા આપે નહીં.
ત્યારબાદ રાત્રિના સમયે શ્રીનગર ચોકડી પાસે કપાયેલ પોલનું ફરિયાદી રીપેરીંગ કરાવતા હતા ત્યારે પરબત ત્યાં આવ્યો હતો અને કહ્યુ હતુ કે, ‘તમારા પોલ કપાય નહી તેની માટેનું સોલ્યુશન મારી પાસે છે. તેના માટે હું કહું તેમ કરવુ પડશે. ત્રીજી કોઈ વ્યક્તિ વચ્ચે આવવી જોઇએ નહીં અને ૨૦ કરોડ રૂપિયા તમારી કંપનીએ આપવા પડશે’ આથી ફરિયાદીએ ‘પહેલા તમે જે પોલ કાપે છે તેનું નામ આપો’ તેમ કહેતા પરબતે તેને ‘નામ તો તમને ક્યારેય મળશે જ નહીં ગમે તે ટ્રાય કરી લો. પોલ કાપવાનું ૧૦૦% બંધ નહી થાય. હું જે વ્યક્તિ પોલ કાપે છે તેને સમજાવી દઇશ તેમ કહેતા ફરીયાદીએ ‘વીસ કરોડ એ બહુ મોટી રકમ કહેવાય. કંપની આટલી મોટી રકમ આપી શકે નહીં.’ એમ કહેતા પરબતે ‘તો પછી પોલ કપાવાના ચાલુ રહેશે. અને પછી કોઇપણ બાહુબલી ફોન કરશે તો કંપની શું કરશે?’ તેમ કહી વિચારી લેવા જણાવ્યુ હતુ.
ફરિયાદીએ એમ પણ કહ્યું હતુ કે, ‘તમે જે કરી રહ્યા છો તે ખોટું છે. તમારી ઉપર ખંડણીનો ગુન્હો લાગુ પડી શકે છે.’ તેમ જણાવવા છતા તે સમજ્યો ન હતો. તા. ૨૦-૮ના ફરિયાદીએ તથા તેની સાથે કામ કરતા આવડાભાઈએ જિલ્લા પંચાયત ઓફિસે આવ્યા ત્યારે પરબત રામ મોઢવાડીયા ત્યાં આવ્યો હતો અને ૨૦ કરોડ રૂપિયા માંગ્યા હતા તથા એવી પણ લાલચ આપી હતી કે જો ૨૦ કરોડ રૂપિયા કંપની આપશે તો તેમાંથી તમને બંનેને પણ હું અમુક રકમ આપીશ.’ તેમ કહેતા પરબતને ગુન્હાહિત કૃત્યમાં નહીં સંડોવવા સમજાવ્યો હતો છતાં તે માન્યો ન હોવાથી અંતે તેની સામે ૨૦ કરોડની ખંડણી માગ્યાનો ગુન્હો દાખલ થયો છે.