પોરબંદર જિલ્લાના બરડા ડુંગરના નેસ વિસ્તારમાં રહેતા પરિવારોને “વન બંધુ ક્લ્યાણ” યોજના હેઠળ પાકા રસ્તાઓથી જોડવા અંગે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત કરાઈ છે.
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા એ મુખ્યમંત્રી ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે જીલ્લા ના બરડા ફોરેસ્ટ અને તેની તળેટીમાં આવેલા નેસમાં માલધારી આદિવાસીઓની વસ્તી આવેલી છે. આ નેસ અને વાડી વિસ્તારમાં રહેતા પરિવારોને જોડતા પાકા રસ્તાઓ બન્યા નથી. જેથી આ નેસને જોડતા રસ્તાઓ બનાવવા જરૂરી છે. આ બધા રસ્તાઓને પોરબંદર–ભાણવડ સ્ટેટ હાઈવે એટલે કે નવા નેશનલ હાઈવેથી પાકો રસ્તો બનાવીને જોડી શકાય તેમ છે.
જેમાં નાગકા થી ફુલીવાવ નેસ – બેડાવાળા નેસ સુધી ,બાવળવાવ ગામથી સિંહજર નેસનો રસ્તો, ગોઢાણા ગામ નાથાઆતાના પાટીયાથી હોલડી નેસનો રસ્તો, વિંજરાણાના પાટીયાથી ગોઢાણા નેસ થઈને ખીસ્ત્રી સુધીનો રસ્તો, કાટવાણા ગામથી કાટવાણા નેસ અને રૂપામોરા નેસનો રસ્તો, કાટવાણા થી કટારા નેસનો રસ્તો તથા કાટવાળા થી સ૨મણીવાવ માલકનેસ રેવન્યુ હદ સુધીનો રસ્તો બનાવવા રજૂઆત માં જણાવ્યું છે.
વધુ માં એવું પણ જણાવ્યું છે કે આ તમામ નેસમાં બરડા ડુંગરમાં વસતા રબારી, ચારણ,માલધારી,આદિવાસી,અનુસુચિત જનજાતિનો વસવાટ છે. તથા સૂચિત રસ્તાની બંને તરફ વાડી વિસ્તારમાં પણ ખેતી સાથે સંકળાયેલા લોકોનો વસવાટ છે. આથી વન બંધુ કલ્યાણ યોજના હેઠળ તમામ રસ્તાને ડામર સપાટી સુધીના પાકા રસ્તાઓથી જોડવા માર્ગ અને મકાન વિભાગ ના સચિવ ને સુચના આપવા રજૂઆત માં જણાવ્યું છે.