પોરબંદર ની એમ.ડી. સાયન્સ કોલેજ ના બોટની વિભાગ ના અધ્યક્ષ,સંશોધક અને માર્ગદર્શકને યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ અમેરિકા, બોલિવિયા દ્વારા બોટની વિષયમાં ડૉક્ટર ઑફ સાયન્સ ડિગ્રી પ્રદાન કરાઈ છે.
પોરબંદર ની એમ.ડી. સાયન્સ કોલેજ ના બોટની વિભાગ ના અધ્યક્ષ,સંશોધક અને માર્ગદર્શક ડૉ. ભુપેન્દ્રસિંહ એ. જાડેજાને યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ અમેરિકા, બોલિવિયા દ્વારા બોટની વિષયમાં તેમના ઉત્તમ યોગદાનને માન્યતા આપીને ડૉક્ટર ઑફ સાયન્સ ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. જાડેજા ઘણાં વર્ષોથી બોટની ક્ષેત્રે ઉત્કૃષ્ટ સંશોધન કાર્ય કરી રહ્યા છે. તેઓ ૨૦૦થી વધુ સંશોધન પત્રો અને 30 થી વધારે પુસ્તકો પ્રકાશિત કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેમની પાસે ૫ પેટન્ટસ પણ ઉપલબદ્ધ છે. તેઓના માર્ગદર્શન હેઠળ ૨૦ વિદ્યાર્થીઓ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી ચૂક્યા છે અને 3 વિદ્યાર્થીઓ કાર્યરત છે.
એમની સંશોધન પ્રવૃત્તિઓમાં ખાસ કરીને વનસ્પતિશાસ્ત્રના વિવિધ ક્ષેત્રો જેવા કે વનસ્પતિ જૈવવિવિધતા, ઔષધીય છોડના અભ્યાસ, ફાયટોકેમિસ્ટ્રી અને પર્યાવરણીય સંશોધનનો સમાવેશ થાય છે. તેમનું કાર્ય વિદ્યાર્થીઓ માટે સતત પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યું છે, જેના કારણે એમ.ડી. સાયન્સ કોલેજ બોટની સંશોધનમાં આગેકૂચ કરી રહ્યું છે. ડો. જાડેજા આ ડિગ્રી મેળવનાર પોરબંદરના સૌપ્રથમ અને વનસ્પતિશાસ્ત્ર વિષયમાં આ ડિગ્રી મેળવનાર ગુજરાતના પ્રથમ પ્રોફેસર છે. યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ અમેરિકા દ્વારા મળેલી આ ઉચ્ચતમ ડિગ્રીએ ડૉ. જાડેજાની સતત પ્રગતિશીલ દૃષ્ટિ, મક્કમ સંકલ્પ અને વૈજ્ઞાનિક સમર્પણને માન્યતા આપતી સિદ્ધિ છે. આ માનદ ડિગ્રીને કારણે કોલેજ પરિવારમાં ખુશી અને ગૌરવનો માહોલ જોવા મળે છે. આ સિદ્ધિ બદલ ડૉ. જાડેજાને નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ સામતભાઈ ઓડેદરા અને કોલેજના આચાર્ય ડૉ. વી. ટી. થાનકીએ શુભેચ્છા પાઠવી હતી.