પોરબંદરના છાંયામાં આવેલ મારૂતિનગર ચાર રસ્તા પાસે સરકારી પડતર જમીન ઉપર બે શખ્સોએ દબાણ કરી દુકાનો બનાવી ભાડે આપી દીધી હતી. જેમાં એક શખ્સે દબાણ દુર કરતા તેની સામે ગુન્હો નોધાયો નથી. પરંતુ બીજા શખ્સ સામે મામલતદારે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરના વાડીપ્લોટમાં આવેલ કસ્તુરી એપાર્ટમેન્ટમાં રહેતા અને શહેર મામલતદાર તરીકે ફરજ બજાવતા હંસાબેન ભગવાનજીભાઈ તલાવીયા (ઉ.વ.૫૮)એ કમલાબાગ પોલીસ મથકમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ છાંયા મારૂતિનગર ચાર રસ્તા પાસે સરકારી પડતર જમીન ઉપર એ જ વિસ્તાર નજીક આવેલા લીરબાઇ પાર્કમાં રહેતા વસંતગર ઉર્ફે ઓઘડગર રામદતી(ઉવ ૫૨) નામના ૫૨ વર્ષીય શખ્સે પાન તથા સર્વિસ સ્ટેશનની બાર બાય પંદર ફૂટની દુકાન બનાવી હતી, અને આ દુકાન પૈકી પાન એન્ડ ટી ની દુકાન સંદીપપરી અરજનપરીને તથા સર્વિસ સ્ટેશન જયેશગર હરિગર ગોસ્વામી તથા ગૌતમ બકુલપરી ગૌસ્વામીને ભાડે આપી દીધી હતી.
તા.૮-૧૦-૨૦૨૨ થી આ પેશકદમી કરી હતી. તો એ.સી.સી. રોડ પર પ્રજાપતિ સમાજ સામે રહેતા કિશનગર હીરાગર રામદતી નામના શખ્સે આઠ બાય દસ ફૂટની બે ઓરડીનું ગેરકાયદેસર બાંધકામ કરી લીધું હતું, ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડીને સરકારી પડતર જમીનના દબાણકારો સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહીની સુચના અપાતા નાયબ કલેકટર દ્વારા તપાસના અંતે આ બન્ને શખ્સો વિરુદ્ધ જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ અન્વયે કાર્યવાહી કરવા અભિપ્રાય અપાતા આ બન્ને વિરુદ્ધ એફ.આઈ.આર દાખલ કરવાનું નક્કી થયું હતું. પરંતુ કિશનગરે સ્વેરછીક રીતે જ દબાણ દુર કર્યું હતું, જ્યારે વસંતગરે દબાણ દુર ન કરતા અંતે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.