કુતિયાણા ના સિંધપુર-હેલાબેલી રોડ પર નવજાત બાળકને જંગલી શિયાળે ફાડી ખાતા પોલીસે જાતે ફરીયાદી બની અજાણી માતા સામે પોતાનું પાપ છુપાવવા જન્મ દઈને બાળક ત્યજી દેવા અંગે ફરીયાદ નોંધી છે.
કુતિયાણા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પીએસઆઈ પી.ડી.જાદવે નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ સિંધપુર ગામના સરપંચ રણુભાઈ દુંદાભાઈ ખુંટીએ પોલીસને જાણ કરી હતી કે, સિંધપુરથી હેલાબેલી ગામ તરફ જતા રસ્તે વીનુંભાઈ કુછડીયાની વાડી પાસે નવજાત મૃત બાળકને જંગલી શિયાળ ઉપાડીને લાવેલ છે, શિયાળના મોઢામાં બાળકનો મૃતદેહ હતો તેથી તેને પથ્થરો મારીને બાળકને મુક્ત કરાવ્યું હતું, પણ એ શિયાળ બાળક નો કમરથી નીચેનો ભાગ ખાઈ ગયું હતું.
જેથી પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ કરતા વોકળામાં નવજાત બાળકનો મૃતદેહ પડ્યો હતો. અને તે તાજુ જન્મેલું હોવાનું જણાયું હતું,તેથી પોલીસના વાહન માં જ બાળકના મૃતદેહને કુતિયાણાની સરકારી હોસ્પીટલે પી.એમ. માટે લઇ જવાયા બાદ તેના વાલી-વારસની તપાસ કરવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. અને અજાણી સ્ત્રીએ પોતાના બાળકનો જન્મ છુપાવવાના ઈરાદે મૃતદેહનો છુપી રીતે નિકાલ કર્યો હોવા અંગે અજાણી સ્ત્રી સામે આઈ.પી,સી.ની કલમ ૩૧૮ મુજબ ફરિયાદ નોંધી છે. અને પોલીસ દ્વારા વાડી વિસ્તારમાં અને હોસ્પિટલોમાં આ અંગે તપાસ હાથ ધરી છે. બનાવ ના પગલે ગ્રામ્ય પંથક માં અરેરાટી વ્યાપી ગઈ છે.