પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા બિરલા હોલ ખાતે ” આવો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો માટે અનુકૂળ વાતાવરણ શુદ્રઢ બનાવીએ” થીમ હેઠળ ઉદ્યોગકારો માટે સેમિનાર યોજાયો હતો. જેમાં વિવિધ નિષ્ણાતો એ સરકારની ઉદ્યોગ ક્ષેત્રની વિવિધ યોજનાઓ અંગેની વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી.
જિલ્લાના ઔદ્યોગિક વિકાસ અર્થે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રવર્તમાન વિવિધ નીતિ અંતર્ગત પાત્ર પ્રવૃત્તિમાં ઉપલબ્ધ સહાય અંગેની વિશેષ જાણકારી અને માર્ગદર્શન માટે યોજાયેલ સેમિનારમાં જિલ્લા કલેક્ટર કે.ડી.લાખાણીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગમાં ધીરજ અને સાહસિકતા ખૂબ જરૂરી છે. પોરબંદરમાં ઉદ્યોગો માટે સરસ સ્કોપ અને અનુકૂળ વાતાવરણ છે. ઉદ્યોગ સાહસિકોને મદદ માટે જિલ્લા વહીવટી તંત્ર હંમેશા તત્પર રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ દ્વારા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી છે.
આઇ.આઇ.ટી. ગાંધીનગરના એનર્જી એસેસર રાહુલ પટેલે એમએસએમઈ ઉદ્યોગના વિકાસ માટે ટેકનોલોજી ઇન્ટરવેશન દ્વારા વેલ્યુએડિશન અંગે વિસ્તૃત જાણકારી આપી ઉદ્યોગ સાહસિકો સાથે પ્રશ્નોત્તરી કરી હતી. એનએબીએલ અમદાવાદના ભૂમિ રાજ્યગુરુએ ઉદ્યોગોના વિકાસ માટે એમએસએમઈ માટે એક્રેડીટેશન ટેસ્ટીંગની જરૂરિયાત અંગે વક્તવ્ય આપ્યું હતું.
એમએસએમઈ અમદાવાદના જોઇન ડાયરેક્ટર વિકાસ ગુપ્તાએ ઔદ્યોગિક નીતિ હેઠળ ઉદ્યોગોને મળવાપાત્ર સહાય પ્રોત્સાહન યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ ઉપરાંત ઓનલાઈન સેશનમાં સાગર સોનીએ ગવર્મેન્ટ ઈ-માર્કેટનો પરિચય આપ્યો હતો.
સંયુક્ત ઉદ્યોગ કમિશનર ડી.આર. પરમારએ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ પરિચય તથા પ્રોત્સાહન યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી આ ઉપરાંત ઇજી ડુઈંગ બિઝનેસ અંગે નયન શાહે જાણકારી આપી હતી. સેમિનારમાં પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરા, જીગ્નેશભાઈ કારીયા, ઝીણુંભાઈ દયાતર, દિલીપભાઈ સુંડાવદરા, કરસનભાઈ સલેટ, સુરેશભાઈ રાયઠઠ્ઠા સહિત પોરબંદર જિલ્લાના ઉદ્યોગ સાહસિકો તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વી.બી.ઝરિયા સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

