કુતિયાણા ના ચૌટા ગામે ૩ વર્ષ પૂર્વે મંદબુદ્ધિ યુવતી પર દુષ્કર્મ ગુજારનાર શખ્સ ને કોર્ટે ૧૫ વર્ષ ની સખ્ત કેદ ની સજા ફટકારી છે.
કુતિયાણા પોલીસ મથક માં વર્ષ ૨૦૨૧માં એક મહિલાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તે, તેનો પતિ અને તેનો પુત્ર મજૂરી કામે ગયા હતા અને પોતાની મંદબુધ્ધિની દીકરી (ભોગ બનનાર) ઘરે એકલી હતી અને સાંજના સમયે ઘરે પરત આવતા મંદબુધ્ધિની પુત્રી એ જણાવ્યું હતું કે બપોરના અરસામાં પોતે ઘરે કપડા ધોતી હતી ત્યારે પડોશમાં રહેતો રમેશ મુળુભાઈ સોલંકી વંડી ઠેકી આવ્યો હતો અને તેણીનો હાથ પકડી ઘરમાં લઈ જઇ બળજબરીથી શરીર સંબંધ બાંધી મારી નાખવાની ધમકી આપી ખોટુ કામ કર્યું હતું.
જે અંગેની ભોગ બનનારની વિગતવારની વાત પોતાની માતાને કહેતા તેની માતાએ ઘરના સભ્યોને બનાવ અંગે જાણ કર્યા બાદ આરોપી વિરુધ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ધોરણસર થવા વિગતવારની ફરીયાદ આપેલ, ફરીયાદ આપ્યા બાદ પોલીસ દ્વારા આરોપી રમેશ મુળુભાઈ સોલંકીની ધરપકડ કરી, ભારતીય દંડસંહિતાની કલમ મુજબનો ગુન્હો દાખલ કરેલ અને લાગતા વળગતા સાહેદોના નિવેદનો લઇ આરોપી વિરુધ્ધ પુરતા પુરાવા હોય ચાર્જશીટ કરેલ હતુ.
ત્યારબાદ આ કામમાં ફરિયાદપક્ષે સરકારી વકીલ એ.જે.લીલા એડી. પી. પી.એન્ડ એ.જી.પી. દ્વારા કોર્ટમાં ૨૨ જેટલા મૌખિક સાહેદોનો પુરાવો તેમજ આશરે ૩૪ જેટલા દસ્તાવેજી પુરાવા રજુ રાખેલ. ત્યારબાદ પ્રોસીકયુશન પક્ષે મૌખિક દલીલ કરી જણાવેલ કે આરોપીએ ફરીયાદીની ભોગ બનનાર દીકરી મંદબુધ્ધિની હોવાનુ જાણતો હોવા છતા તેણીની એકલતા તથા અણસમજતાનો લાભ લઇ મારી નાખવાની ધમકી આપી જબરજસ્તીથી દુષ્કર્મ આચરેલ હોય અને આવા સંજોગોમાં ગુન્હાની ગંભીરતા વધી જાય છે અને ફરીયાદપક્ષે સરકાર દ્વારા રજૂ રાખવામાં આવેલ પુરાવા પરથી ભોગ બનનાર મંદબુધ્ધિની હતી અને તેણીની ઉપર કરવામાં આવેલ દુષ્કર્મ પુરવાર કરેલ હોય સમાજમાં આ પ્રકારના બનાવો બનતા અટકે જેથી આરોપીને તકસીરવાન ઠરાવવા માટે દલીલ કરવામાં આવેલ.
બન્ને પક્ષોની દલીલોના અંતે સરકાર પક્ષે એડી.પી.પી. અનિલ લીલાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી રમેશ મુળુભાઇ સોલંકી રહે. ચૌટા, તાઃ કુતિયાણા, જી. પોરબંદરવાળાને એડી. ડિસ્ટ્રીકટ એન્જ સેશન્જ જજ કે.એ. પઠાણની કોર્ટ દ્વારા ભારતીય દંડ સંહિતની કલમ મુજબ દુષ્કર્મના ગુનામાં તકસીરવાન ઠરાવી મુખ્ય સજા રૂપે ૧૫ વર્ષની સખત કેદની સજા તથા જુદી જુદી કલમો હેઠળ કુલ રૂા. ૨૦,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે.