પોરબંદરના શખ્સે 2020 માં ડીસાના ખેડૂત સાથે બટેટા ની રકમ અંગે ૩ લાખ ની છેતરપિંડી કરી હતી જે મામલે પાંચ વર્ષથી વોન્ટેડ શખ્સને પેરોલ ફર્લો સ્ક્વોડે રાજકોટ થી ઝડપી લઇ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા તાલુકાના માલગઢ જુના ભીલડી હાઇવે પર રહેતા કનુસિંહ લખમણસિંહ સોલંકી એ 2020 માં પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે શિયાળાની સીઝનમાં તેણે તેમની 15 વીઘા જમીનમાં બટેટાનું વાવેતર કર્યું હતું અને કુંપટ ગામે કોલ્ડ સ્ટોરેજ ભાડેથી રાખીને તેમાં બટેટા સ્ટોર કર્યા હતા.1100 કટ્ટા બટાટાનું ઉત્પાદન થયું હતું જે પૈકી 500 થી 600 કટ્ટા બટાટાનું વેચાણ મોરબી મુકામે કર્યું હતું. આ વેચાણ કરવા માટે ફરિયાદી કનુસિંહ તથા બનાસકાંઠાના લાખણ ગામના ડ્રાઇવર દિલુખાન વેસાખાન સુમરા ગયા હતા અને 500 થી 600 કટાનું પેમેન્ટ પણ રોકડમાં ચૂકવી આપ્યું હતું.
એ દરમિયાન મોરબીના તથા રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ની બાજુમાં રાવલ નગર ખાતે રહેતા મૂળ પોરબંદરના જુબેલી વિસ્તારના સાતમાળયા એપાર્ટમેન્ટ માં રહેતા રમેશ ઉર્ફે રુદ્ર પરષોત્તમ ગોકાણી નો સંપર્ક થયો હતો અને તેણે એવું જણાવ્યું હતું કે મારે બટેટા જોઈએ છે આથી ફરિયાદીએ તેને ખેતર ઉપર આવવાનું કહ્યું હતું અને તમને પસંદ આવશે તો ભરાવી દઈશ તેમ જણાવ્યું હતું.ત્યારબાદ 8. 6. 2020 ના રોજ ડ્રાઇવર દિલુખાન સુમરા પોરબંદરના રમેશ ઉર્ફે રુદ્ર પુરુષોત્તમ ગોકાણીને લઈને ફરિયાદીના ખેતરે ગયો હતો અને જણાવ્યું હતું કે એક ગાડી બટાટાની વેચાણથી આપો. હું સારા ભાવે મારા ઓળખીતા વેપારીને વેચાણ કરીને 15 દિવસમાં તમારા નાણાં ચૂકવી આપીશ. આથી દિલુભાઈ ના કહેવાથી ફરિયાદીએ પોરબંદરના રમેશ ઉપર વિશ્વાસ અને ભરોસો રાખીને નવજીવન કોલ્ડ સ્ટોરેજ માંથી 255 કટ્ટા બટેટા ભરાવ્યા હતા જેની કિંમત બે લાખ 80 હજાર 500 હતી.
આથી ફરિયાદી એ દિલુખાન સુમરાના ટ્રકમાં બટેટા ભરી દીધા હતા અને બટેટા વેચીને પરત આવી પૂરેપૂરું પેમેન્ટ આપી દઈશ તેમ જણાવ્યું હતું. ત્યારબાદ દિલુખાને રસ્તામાંથી જ અકબર નામના વ્યક્તિના કહેવાથી ત્રણ પીકઅપ વનમાં બટેટા ભરી દીધા હતા. અને તેના જાણીતા વેપારીઓને ત્યાં બટાટાનો માલ મોકલી આપ્યો હતો ટ્રકમાંથી આઇસરમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા એ બટેટાના ફોટા પણ પાડી લેવામાં આવ્યા હતા. 15 દિવસ બાદ નાણાની ઉઘરાણી કરતાં ધીરુભાઈએ એવું જણાવી દીધું હતું કે તેણે રમેશભાઈ રુદ્ર પરષોત્તમ ગોકાણીને બટેટા વેચાણે આપેલ છે અને પેમેન્ટ તેમની પાસેથી લેવાનું છે આવશે એટલે આપી દઈશ તેમ જણાવ્યું હતું અવારનવાર ઉઘરાણી કરવા છતાં ફરિયાદીને બે લાખ 80,500 બટેટાના નહીં ચુકવાતા તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયાનું જણાતાં તારીખ 6. 10.2020 ના રોજ તેણે ડીસા રુલર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે રમેશ ઉર્ફે રુદ્ર પરષોત્તમ ગોકાણીને વારંવાર ફોન દ્વારા અને વૉટ્સએપ થી એકાઉન્ટ નંબર મોકલવા છતાં પેમેન્ટ જમા કરાવ્યું ન હતું અને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.
પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પો.સબ.ઇન્સ. એચ.એમ.જાડેજા તથા સ્ટાફ ને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે બટેટા ની રકમ અંગે છેતરપિંડી કરનાર પોરબંદરના રમેશ ઉર્ફે રુદ્ર પરષોત્તમ ગોકાણી ઉ.વ.૪૭ રહે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન બાજુમાં રાવલ નગર મોદી સ્કુલની બાજુમાં રાજકોટ મુળ જ્યુબેલી સાત માળીયા એપાર્મેન્ટ ઉધોગનગર.પોરબંદર વાળો રાજકોટ ખાતે છે આથી પેરોલ ફર્લો સ્કવોડ તુરંત રાજકોટ ખાતે દોડી ગઈ હતી અને આરોપી રમેશ ની ધરપકડ કરી પોરબંદર લાવી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.















