પોરબંદરના ધરમપુર ગામે રહેતા આધેડે ઓગસ્ટ ૨૦૨૨ માં તેનો ટ્રક રાણાવાવની હાથી સિમેન્ટ કંપનીથી ચોરાયો હોવાની ફરીયાદ નોધાવી હતી. જે અંગે પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે. કે ટ્રક ચોરાયો ન હતો પરંતુ આધેડે જ મોટી ખાવડી ગામે વેચી નાખ્યો હતો. જેથી પોલીસે જાતે ફરીયાદી બની આધેડ સામે ફરિયાદ નોંધાવી છે.
રાણાવાવના પી.એસ.આઈ. પી.ડી.જાદવે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ધરમપુર ગામના ભીખુ વિરાભાઈ મોરી(ઉવ ૫૧)એ રાણાવાવ પોલીસ મથક માં પોલીસ ફરીયાદ નોંધાવી જણાવ્યું હતું કે તા.૨૫/૮/૨૦૨૨ થી તા.૨૯/૮/૨૦૨૨ દરમિયાન કોઈપણ સમયે તેનો “રાયકા” લખેલો ટ્રક કે જેની કિમત છ લાખ રૂપિયા થાય છે. એ હાથી સિમેન્ટથી જાંબુવતી ગુફા તરફના રસ્તેથી કોઈએ ચોરી લીધો છે, જેથી પોલીસે આ બનાવ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા ચોરી થયેલ ટ્રક મુળ કલ્યાણપુરના ટંકારીયા ગામના તથા હાલ મોટી ખાવડી ગામે ગરબી ચોક પાસે રહેતા મોહનભાઈ નથુભાઈ જાદવ નામના યુવાનના ઘર પાસેથી મળી આવ્યો હતો.
તેથી પોલીસે મોહનભાઈ ની પુછપરછ કરતા તેણે એવું જણાવ્યું હતું કે, આ ટ્રક તેમણે ભીખુભાઈ મોરી પાસેથી વેચાતો લીધો છે, આથી પોલીસ પણ ચોકી ઉઠી હતી. અને ટ્રક લઇને મોહનભાઈને રાણાવાવ પોલીસ મથકે હાજર થવા જણાવ્યું હતું. તેથી તે ટ્રક લઇને હાજર થયા બાદ ભીખુભાઈ સામે પી.એસ.આઈ.જાદવે જાતે ફરીયાદી બનીને ટ્રક વેચી નાખ્યો હોવા છતાં ખોટી માહિતી આપીને ટ્રક ચોરાયાની ખોટી ફરીયાદ લખાવવા અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.