બળેજ ગામના શખ્શે સુરત ના ધંધાર્થી સાથે ૧૨ લાખ ની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સૂરતના મોટા વરાછા ખાતે રહેતા અને ગ્રાહકોને બેન્કમાંથી સોનુ છોડાવી આપવાનો વ્યવસાય કરતા તુષાલ ભુપતભાઈ ખુંટ(ઉવ ૩૧)એ માધવપુર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વરાછામાં મંગલ ગોલ્ડ નામની તેની ઓફિસ છે અને કસ્ટમરોને બેન્કમાંથી ગોલ્ડલોન છોડાવી આપીને તેનુ સોનુ હાલના માર્કેટભાવે ખરીદી કરવાનું કામ કરે છે. તા. ૨૫-૪-૨૫ના તેમની ઓફિસની ઓનલાઇન ફેસબુક માર્કેટપ્લેસમાં આપેલી જાહેરાત જોઇને બળેજ ગામે રહેતા નાગા હરદાસ દાસા નામના શખ્સે તુષાલને ફોન કરીને એવુ જણાવ્યુ હતુ કે ‘તમે મારુ ગોલ્ડ કઈ રીતે છોડાવી આપશો?’ આથી ફરીયાદીએ કહ્યુ હતુ કે, ‘તમારુ સોનુ જે બેન્કમાં ગીરવે મુકેલ છે તેમાંથી તમે જે કંઈ લોન લીધેલ હોય તે લોનના બાકી નાણા અમે તમારી બેન્કમાં રોકડા ભરીને તમારી ગોલ્ડલોનવાળી બેન્કમાં આર.ટી.જી.એસ. દ્વારા પૈસા ટ્રાન્ઝેકશન કરીને તમારી ગોલ્ડલોન ભરપાઈ કરી તમારુ સોનુ છોડાવી આપશુ અને લોન ભરપાઈ કર્યા અંગેનું એન.ઓ.સી. પણ લઇ આપશુ.
તા. ૩૦-૪-૨૫ના નાગાભાઈએ ફરીથી તુષાલને ફોન કરીને પૂછયુ હતુ કે, ‘તેને પૈસાની અરજન્ટ જરૂરીયાત છે તેથી કુતિયાણા આવીને બેન્કમાંથી મને મારી ગોલ્ડલોન છોડાવી આપશો?’ તેથી ફરીયાદીએ જણાવ્યુ હતુ કે, ‘ત્રણ-ચાર દિવસમાં હું ત્યાં આવીને લોન છોડાવી આપીશ.’ પરંતુ નાગાભાઇએ જણાવ્યુ હતુ કે ‘તેને પૈસાની ખાસ જરૂર છે. તેથી કાલ સુધીમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક બળેજ ગામે આવો તો મારુ કામ થઇ જશે.’
તુષારભાઇ તાત્કાલિક આવી શકે તેમ ન હોવાથી તેની ઓફિસના કર્મચારીઓ અરવિંદ નેમીચંદ સોની તથા જયદીપ રાઘવ લીંબાસીયાને મોકલ્યા હતા અને બંને બળેજ ગામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કમાં આવ્યા હતા જયાં તા. ૧-૫-૨૫ના નાગાભાઈ દાસા સાથે રૂબરૂ મુલાકાત થઇ. હતી આથી ઓફિસમા કામ કરતા માણસોને નાગાભાઇએ જણાવ્યુહતુ કે, ‘તમે મારી ગોલ્ડલોન ભરપાઈ કરીને મારુ ગોલ્ડ છોડાવી આપ્યા બાદ હાલના માર્કેટભાવે ખરીદી કરશો અને તમે ચુકવેલ પૈસા બાદ કરી બાકી રહેતા પૈસા પરત આપશો તો તે ભાવ મને સેટ નહી થાય. કે તેટલી રકમ મને સેટ નહી થાય તો મારુ ગોલ્ડ હું તમને વહેચીશ નહી પણ હું તે ગોલ્ડ ફરી વખત બેન્કમાં ગીરવે મુકીને ફરી વખત લોન લઇને તમારા કાયદેસરના લેણાની તમામ રકમ પરત આપીશ તેવી વાતચીત થઇ હતી.’
ત્યારબાદ સ્ટાફના બન્ને માણસોએ નાગાભાઈની વાતનો વિશ્વાસ કરીને આઇ.આઇ.એફ.એલ. ફાયનાન્સ લી. કુતિયાણા શાખામાંથી ગોલ્ડ છોડાવવા માટે ઓફિસ સ્ટાફના માણસોએ નાગાના બળેજની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક શાખામાં આવેલા ખાતામાં ૧૧ લાખ ૯૦ હજાર રોકડા જમા કરાવ્યા હતા ત્યારબાદ માણસોએ નાગાભાઈની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક બળેજ શાખામાંથી ચાલતી ગોલ્ડલોનવાળી બેન્ક આઇ.આઇ.એફ.એલ. ફાયનાન્સ લિમીટેડ કુતિયાણાની શાખામાં રૂા. ૧૧ લાખ ૯૦ હજાર આર.ટી.જી.એસ.થી ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારબાદ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક બળેજ શાખામાંથી પૈસા ટ્રાન્સફર કર્યા પછી ઓફિસના માણસો નાગાભાઈ સાથે કુતિયાણાની આઇ.આઇ.એફ.એલ. ફાયનાન્સ લિર્મીટેડ શાખાએ ગયા હતા અને ત્યાં નાગાભાઈની બેન્કમાં ગોલ્ડલોનની ભરપાઈ માટે પૈસા આર.ટી.જી.એસ.થી ટ્રાન્સફર કર્યાના યુ.ટી.આર. નંબર આપી સોનુ છોડાવી આપ્યુ હતુ. સોનુ છોડાવ્યા બાદ માણસોને જણાયુ કે નાગાભાઈ પાસેથી સોનાની ખરીદી કરશે તો નુકશાની જશે.જેથી ફરીયાદીને ફોન પર તેની જાણ કરી હતી.
નાગાએ એવુ જણાવ્યુ હતુ કે, ‘હું મારુ સોનુ તમને વહેચીશ નહી અને ફરી વખત બેન્કમાં ગિરવે મૂકીને ફરી વખત લોન લઇ તમારા કાયદેસરના ૧૧ લાખ ૯૦ હજાર બે દિવસમાં પરત આપી દઇશ’ તેવો વિશ્વાસ આપી સોનુ તુષાલભાઇના માણસોને આપ્યા વગર જતા રહ્યા હતા. ત્યારબાદ બે દિવસ સુધી નાગા હરદાસ દાસાનો કોઇપણ ફોન કે જવાબ આવ્યો ન હતો. જેથી ફરીયાદી તુષાલ ખુંટે ફોન કરીને ૧૧ લાખ ૯૦ હજાર ચુકવવાનું કહેતા ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપી ફોન કાપી નાખ્યો હતો. ત્યાર પછી તેમના ઓફિસ સ્ટાફના માણસોએ પણ નાગાને વારંવાર ફોન કર્યા હતા પણ તેણે હવે ફોન ઉપાડવાના જ બંધ કરી દીધા હતા.
આથી, અંતે નાગા દાસાએ વિશ્વાસઘાત કર્યાનું જણાતા તુષાલ ખુંટે માધવપુર પોલીસમથકમાં નાગા હરદાસ દાસા વિરૂધ્ધ રૂા. ૧૧ લાખ ૯૦ હજારની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાનો ગુન્હો નોંધાવ્યો છે