નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી શરૂ થઇ ચુકી છે અને તે અંતર્ગત સ્કીલ બેઝ અભ્યાસક્રમોને વધુ મહત્વ આપીને પ્રાયોગિક તાલીમ ઉપર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે,ત્યારે શાળા કોલેજ કક્ષાએ પત્રકારત્વના ક્ષેત્રને આવરી લેતા અભ્યાસક્રમ ઉપર વધુ ભાર મુકવો જરૂરી બન્યો છે.કારણકે લોકશાહીની ચોથી જાગીર એવું મીડિયા અન્ય ત્રણ જાગીરનું પણ વખતોવખત જરૂરીયાત પ્રમાણે ધ્યાન દોરે છે.માટે દેશના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાને લઈને દરેક અભ્યાસક્રમની સાથે પત્રકારત્વને સાંકળી લેવું અનિવાર્ય બન્યું છે.
પોરબંદર નજીકના રાણાવાવ ગામે સરકારી વિનયન કોલેજ ખાતે રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન ૧.૦ કોમ્પોનન્ટ ૯ અંતર્ગત કોલેજીયન વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે વ્યાખ્યાન-તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોરબંદર આજકાલના રેસીડેન્ટ એડિટર જીજ્ઞેશ પોપટ દ્વારા પત્રકારત્વ અને મહિલાઓ વિષય પર પ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું.જેમાં પત્રકારત્વના ક્ષેત્રમાં ક્યા પ્રકારની કામગીરી કરવાની હોય છે?ત્યારથી લઈને પત્રકારત્વના ક્ષેત્રના અભ્યાસક્રમો,કારકિર્દીની તક,જર્નાલિઝમના ફિલ્ડની સંઘર્ષમય પરિસ્થિતિઓથી લઈને અનેક પ્રકારની જાણકારી ઊંડાણથી આપવામાં આવી હતી.
પત્રકારત્વનો અભ્યાસક્રમ અને લાયકાત
પોરબંદર આજકાલના રેસીડેન્ટ એડિટર જીજ્ઞેશ પોપટે માહિતી આપતા જણાવ્યું હતું કે,કોઇપણ શાખામાં ગ્રેજ્યુએશન કર્યા પછી પત્રકારત્વનો બી.જે.એમ.સી.(બેચરલ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન) નામનો ડીગ્રી કોર્ષ અને ત્યારબાદ એમ.જે.એમ.સી.નો માસ્ટર ડીગ્રી કોર્ષથી લઇને પી.એચ.ડી. કરીને ડોક્ટરેટની ડીગ્રી પણ મેળવી શકાય છે.મહત્વની બાબત એ છે કે,અન્ય ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે ડીગ્રી મહત્વની હોય છે.જ્યારે પત્રકારત્વના ક્ષેત્રમાં ડીગ્રી કરતા લાયકાતને વધુ મહત્વ આપવામાં આવે છે.તેથી આ ક્ષેત્રમાં કામ કરવા માટે ધગશ,લોકોની નાડ પારખવાની શક્તિ,સારી લેખન શક્તિ,વિવિધ ક્ષેત્રોની જાણકારી અને સમાચાર પારખવાની આવડત હોય તો શ્રેષ્ઠતમ યોગદાન આપી શકાય છે.
પત્રકારત્વના અભ્યાસક્રમને શાળા-કોલેજ કક્ષાએ વધુ મહત્વ આપવું જરૂરી
આ વ્યાખ્યાનમાં જણાવાયું હતું કે,રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે અલગ-અલગ ક્ષેત્રોના નિષ્ણાંતોના વ્યાખ્યાન અને તાલીમના આયોજન કરવામાં આવે છે તે આવકારવા દાયક બાબત છે પરંતુ તેની સાથોસાથ શાળા અને કોલેજકક્ષાએ પત્રકારત્વના અભ્યાસને કાયમી ધોરણે સ્થાન આપવું એટલા માટે જરૂરી બન્યું છે કે આજના આધુનિકયુગમાં સોશિયલ મીડિયાનું પ્રમાણ ખુબ જ વધ્યું છે ત્યારે વિશ્વમાં બનતી ઘટનાઓ ગણતરીની સેકન્ડમાં જ લોકો સુધી પહોચી જાય છે તેથી જો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ કોલેજકક્ષાએ પત્રકારત્વ વિષયને ભણાવવામાં આવે તો દેશની ભાવિપેઢીને આ વણખેડાયેલા ક્ષેત્રની માહિતી મળવાની સાથોસાથ લાખો સારા પત્રકારો મળી શકશે.સરકાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્કીલ બેઝ અભ્યાસને વધુ મહત્વ આપે છે તેથી પત્રકારત્વ જેવા સ્કીલ બેઝ અભ્યાસને સમાવી લેવામાં આવે તો તેના ભવિષ્યમાં અનેક ફાયદા દેશને થશે તેમ ઉમેર્યું હતું.
પત્રકારત્વ અને મહિલાઓ
પોરબંદર આજકાલના રેસીડેન્ટ એડિટર જીજ્ઞેશ પોપટે પત્રકારત્વ અને મહિલાઓ વિષયક આ વ્યાખ્યાનમાં વધુમાં જણાવ્યું હતું કે,આજની નારીશક્તિ ઘરની ચાર દીવાલ વચ્ચે કેદ નથી પરંતુ અલગ-અલગ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહી છે ત્યારે પત્રકારત્વના ક્ષેત્રમાં પણ નારી શક્તિનું યોગદાન મહત્વનું રહે છે.જુદા-જુદા પ્રિન્ટ મીડિયા જેવા કે અખબારો અને મેગેઝીનો ઉપરાંત ઇલેક્ટ્રોનિક મીડિયા પણ પત્રકાર તરીકે,લેખિકા તરીકે,સંપાદ્ક તરીકે,ન્યુઝ એન્કર તરીકે,માર્કેટિંગ વિભાગમાં જાહેરખબરના મોડેલ તરીકે પણ નારી શક્તિનું યોગદાન અગત્યનું રહ્યું છે.ત્યારે હું ચોક્કસપણે કહીશ કે,જે રીતે પત્રકારત્વના ક્ષેત્રમાં પુરુષોનું યોગદાન છે તેટલું જ યોગદાન જો સ્ત્રીઓ આપે તો આ ક્ષેત્રને વધુ ઉજળું બનાવી શકાશે.તેમ જણાવીને આ મહત્વના મુદે ભાર મુકીને વધુને વધુ વિદ્યાર્થીનીઓ પત્રકારત્વના અભ્યાસક્રમ સાથે જોડાઈ તેવી અપીલ કરવામાં આવી હતી.
વિનયન કોલેજની ટીમ દ્વારા અપાયો આવકાર
રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓના વિકાસ માટે યોજવામાં આવેલ આ વ્યાખ્યાન તાલીમમાં પોરબંદર આજકાલના રેસીડેન્ટ એડિટર જીજ્ઞેશ પોપટને કોલેજના આચાર્ય ડો.કે.કે.બુદ્ધભટ્ટી,ડો.કે.પી.બાકુ,ડો.ભરત ભેડા અને પ્રા.નીતિન મકવાણા,પ્રા.રાયસીંગ પરમાર સહિત ટીમે અદકેરો આવકાર આપ્યો હતો.અને જણાવ્યું હતું કે,સરકારી વિનિયન કોલેજમાં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતમ શિક્ષણ આપવાની સાથોસાથ તેમને જુદાજુદા ક્ષેત્રોની જાણકારી મળે તેવા હેતુ સાથે અલગ-અલગ ક્ષેત્રના વિષય નિષ્ણાંતોને નિમંત્રિત કરીને તેમના જ્ઞાનનો લાભ અમારા વિદ્યાર્થીઓને આપવાના ઉપક્રમમાં આજે પત્રકારત્વના ક્ષેત્ર વિષે ખુબ જ ઊંડાણથી જાણકારી મળી છે તે બદલ અમે પોરબંદર આજકાલ તથા રેસીડેન્ટ એડિટર જીજ્ઞેશ પોપટનો ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ તેમ ઉમેર્યું હતું. આ વ્યાખ્યાનમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વણખેડાયેલા ક્ષેત્રની ખુબ જ મહત્વની માહિતી ઊંડાણથી પ્રાપ્ત કરી હતી.
પ્રેસ ફોટોગ્રાફર થી રેસીડેન્ટ એડિટર સુધીની સફરની સંઘર્ષ ગાથા
સખ્ત વિકલ્પનો કોઈ વિકલ્પ નથી.અને જો તમારી પાસે અન્ય લોકો કરતા અલગ પ્રકારનો દ્રષ્ટિકોણ,આવડત અને ચોવીસે કલાક દિવસ-રાત જોયા વગર તનતોડ મહેનત કરવાની હોશ હોય તો સામાન્ય હોદા ઉપરથી ટોચના હોદા ઉપર પહોચી શકો છો.તેમ જણાવીને પોરબંદર આજકાલના રેસીડેન્ટ એડિટર જીજ્ઞેશ પોપટે પોતાના જ પત્રકારત્વક્ષેત્રના ૨૪ વર્ષના સંઘર્ષમય સમયની માહિતી આપીને યંગ જનરેશનને જણાવ્યું હતું કે,તેઓએ પત્રકારત્વના ક્ષેત્રમાં ઈ.સ.૨૦૦૦ ની સાલમાં પ્રેસ ફોટોગ્રાફર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ સખ્ત મહેનત,નવા-નવા વિચારોને આત્મસાત કરીને પત્રકાર તરીકેની કામગીરીમાં તેમણે સર્વોચ્ચ સિધ્ધિઓ પ્રાપ્ત કરી છેતેઓ પ્રેસફોટોગ્રાફર તરીકે જોડાયા ત્યારે રોલવાળા કેમેરા અસ્તિત્વમાં હતા.આ કેમેરા વડે ફોટા ક્લિક કરીને તેનો સંગ્રહ કરવાની કામગીરી હાથ ધરીને પોતે જાતે ક્લિક કર્યા હોય તેવા ૧ લાખ ૧૧ હજાર ફોટા કે જે માત્ર સમાચાર માટે જ કચકડે કેદ કર્યા હોય તે બદલ એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેઓ સ્થાન મેળવી ચુક્યા છે.ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ,લોહાણા સમાજની આંતરરાષ્ટ્રીય સંસ્થા વિશ્વ લોહાણા મહાપરિષદનો શ્રેષ્ઠ રઘુવંશી પત્રકારત્વનો ઇન્ટરનેશનલ એવોર્ડ સહિત ૫૦ જેટલા અલગ-અલગ એવોર્ડ મેળવવાની સાથોસાથ જર્નાલીઝમના ક્ષેત્રમાં બેચરલ અને માસ્ટર ડીગ્રી મેળવી હતી અને હાલમાં તેઓ પોરબંદર આજકાલના રેસીડેન્ટ એડિટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.ત્યારે ૨૪ વર્ષની પત્રકારત્વના ક્ષેત્રની અનેક ઘટનાઓની આકર્ષક શૈલીમાં છણાવટ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા.
દસ વ્યક્તિઓની કામગીરી એકલા હાથે
સામાન્ય રીતે પત્રકારત્વના ક્ષેત્રમાં જે વ્યક્તિની જે કામગીરીમાં માસ્ટરી હોય તે એકાદ-બે કામ કરતા હોય છે પરંતુ પોરબંદર આજકાલના રેસીડેન્ટએડિટર જીજ્ઞેશ પોપટ છેલ્લા ઘણા વખતથી પોતાના મલ્ટી ટેલેન્ટનો ભરપુર ઉપયોગ કરીને પોરબંદર આજકાલને સર્વોચ્ચતાના શિખર પર લઇ જવા દસ-દસ વ્યક્તિઓનું કામ એકલા હાથે કરી રહ્યા છે.તેમ જણાવીને તેમણે યુવાપેઢીને સખ્ત કામનો કોઈ વિકલ્પ નથી.સુત્રને આત્મસાત કરવા જણાવ્યું હતુ.તેમણે જણાવ્યું હતુ કે,પોતે પ્રેસ ફોટોગ્રાફર તરીકે કામ કરીને મહત્વની ઘટનાઓ કે અમુક મુખ્ય કાર્યક્રમમાં તસ્વીર ક્લિક કરે છે.ત્યારબાદ જે-તે ઘટના કે કાર્યક્રમનું રીપોર્ટીંગ કરીને રિપોર્ટર તરીકેની બીજી ભુમિકા ભજવે છે.એ જ રીપોર્ટીંગ કર્યા પછી તેને શબ્દદેહ આપીને સંપૂર્ણ કાર્યક્રમ કે બનાવનું સંપાદન કરીને સંપાદક તરીકેની ત્રીજી ભુમિકા ભજવે છે.સમગ્ર સમાચારોમાં વ્યાકરણની કે અન્ય કોઈ ભુલ રહી ગઈ હોય તો તેના સુધારા-વધારા માટે પ્રુફ રીડર તરીકેની ચોથી ભુમિકા ભજવે છે.પોરબંદર ઉપરાંત સમગ્ર જીલ્લામાંથી આવતા સમાચારોમાંથી ક્યાં સમાચાર આજકાલ સાંધ્ય દૈનિકના ક્યા પાના ઉપર મુકવા તેની પેઈજ સેટર અને લે-આઉટ સેટર તરીકેની પાંચમી ભુમિકા ભજવે છે.આઠે-આઠ પાના તૈયાર કરીને સમગ્ર અખબારને આખરી ઓપ આપવાની એડિટર તરીકેની છઠ્ઠી ભુમિકા ભજવે છે.અનેક વખત ઓન ધ સપોર્ટ સમાચાર લખવાના હોય ત્યારે કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની સાતમી ભુમિકા ભજવીને સમગ્ર સમાચાર કોમ્પ્યુટર ઉપર ટાઈપ કરીને તૈયાર પણ કરે છે.
૨૪ વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં હોવા છતાં એકપણ રૂપિયાની જાહેરાત લેતા નથી આમ છતાં જાહેરાતને આકર્ષક રીતે તૈયાર કરવાની કે જ્યારે-જ્યારે જાહેરાતને શબ્દદેહ આપવાનો હોય ત્યારે તેને સુંદર રીતે સજાવવાની આઠમી ભુમિકા પણ સુપેરે નિભાવે છે,વ્યક્તિ વિશેષના ઈન્ટરવ્યું લેવા સહિત વિવિધ સંસ્થાઓની મુલાકાત લઈને તેની સ્પેશ્યલ સ્ટોરી બનાવવી,અનેકવિધ સામાજિક સમસ્યાઓ ઉપર માર્મિક ટકોર કરવી અને જરૂર પડે ત્યારે સબંધિત તંત્રની બેદરકારીની પોલ ખોલીને આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવી વગેરે માટે તેઓ એક લેખક તત્વચિંતક,સમાજ હિતેરછુ તરીકેની નવમી જવાબદારી પણ નિભાવી રહ્યા છે.અખબારની કચેરીના વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધીને અખબાર સમયસર પ્રકાશિત થઇ જાય તે માટે તમામ વિભાગો સાથેના સંકલનકર્તા તરીકેની દસમી ભૂમિકા પણ તેઓ નિભાવી રહ્યા છે.આમ, દસ વ્યક્તિઓની કામગીરી એકલા હાથે કરીને તેઓ અન્ય માટે પણ તેઓ પ્રેરણાદાયી બન્યા છે.