પોરબંદર જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાઓ, પૂર્ણા યોજના અંતર્ગત તથા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી પ્રસંગે ″સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત″ થીમ હેઠળ કિશોરી મેળો મહેર સમાજની વાડી ઝુંડાળા ખાતે યોજાયો હતો.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારે જણાવ્યું હતું કે, ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓનું હિમોગ્લોબિન એનિમિયાનું પ્રમાણ એનિમિયાની સહિત આરોગ્યની તપાસણી થાય, પૂર્ણા યોજનાની સમજ, સ્વચ્છતા અંગે કિશોરીઓમાં જાગૃતિ આવે, કાયદાકીય, શૈક્ષણિક માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત થીમ હેઠળ સમગ્ર રાજ્યમાં કિશોરી મેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ આ મેળો યોજાયો છે. આજની કિશોરી આવતીકાલનું ભવિષ્ય છે. દીકરીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરે આ તકે કિશોરીઓને જણાવ્યું હતું કે, જેટલી સશક્ત સ્ત્રી હશે એટલો જ સશક્ત સમાજ હશે. આદર્શ સમાજના નિર્માણ માટે સ્ત્રીઓનું યોગદાન ખૂબ જ મહત્વનું હોય છે. કિશોરીઓ મનથી મજબૂત અને તનથી તંદુરસ્ત રહે તે માટે રાજ્ય સરકારની યોજનાઓ કાર્યરત છે. સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતા દૂર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ તકે આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર ભાવના બહેને કાર્યક્રમની રૂપરેખા આપવાની સાથે કાર્યરત વિવિધ સ્ટોલ વિશે જાણકારી આપી હતી.
મેળામાં વિવિધ કચેરીઓ દ્વારા સ્ટોલ રાખી જનહિત લક્ષી યોજનાઓની જાણકારી આપી હતી. જેમાં પોસ્ટ વિભાગ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના, અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના વિશે જાણકારી આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન સહીત શિક્ષણની યોજનાઓ, રોજગાર કચેરી, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર અને સખી વન સ્ટોપ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ, અભયમ ૧૮૧, જિલ્લા આરોગ્ય વિભાગ, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, બાળ સુરક્ષા કચેરી દ્વારા સ્ટોલ ઉભા કરી યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. આ તકે કિશોરીઓએ આઈ.સી.ડી.એસ કચેરી દ્વારા અપાતા પૂર્ણા શક્તિ પેકેટમાંથી તૈયાર કરેલ વિવિધ વાનગીઓનું પ્રદર્શન કરાયું હતું.
મહાનુભાવોના હસ્તે પાંચ દીકરીઓના વાલીઓને વ્હાલી દિકરી યોજના હેઠળ મંજૂરી આદેશ વિતરણ કરાયા હતા. તેમજ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા કિશોરીઓને મોમેન્ટો અર્પણ કરાયા હતા. કિશોરીઓએ સ્થળપર પોતાના એન્ડ્રોઇડ ફોનમા ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.
કાર્યક્રમમાં પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી. કે. ગઢવી, રમેશ ભાઈ ઓડેદરા, આરબીએસકે ઓફિસર ડૉ. ડિમ્પલ સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પૂજાબેન રાજા અને સંધ્યાબેન જોશીએ કર્યું હતું.