માધવપુર ખાતે આગામી ૩૦ માર્ચ થી રાષ્ટ્રીય કક્ષા ના ભવ્ય લોકમેળા નું આયોજન કરાયું છે ત્યારે આ લોકમેળા ને લઇ ને કલેકટર ની અધ્યક્ષતા માં વિવિધ અધિકારીઓ ની બેઠક યોજાઈ હતી.
માધવપુર ખાતે આગામી તા.૩૦ માર્ચથી તા.૩ એપ્રિલ સુધી યોજાનાર ભવ્ય લોકમેળાના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ મિટિંગમાં લોકમેળા કાર્યક્રમના સુચારું સંચાલન માટે તથા વહીવટી સરળતા ખાતર અધિકારીઓના અધ્યક્ષ સ્થાને જુદી જુદી ૨૮ સમિતિઓની રચના કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા માધવપુર ખાતે દર વર્ષે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી મહાનુભાવો, કલાકારો તથા કારીગરો આવીને જુદા જુદા પ્રદેશોની સંસ્કૃતિને ઉજાગર કરવાની સાથે કારીગરો આર્થિક ઉપાર્જન પણ કરતા હોય છે. ત્યારે આગામી સમયમાં યોજાનાર માધવપુરના લોકમેળામાં કાર્યક્રમનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં ઓવરઓલ સુપરવિઝન સમિતિ, સુરક્ષા સમિતિ, વીજ પુરવઠા વ્યવસ્થાપન સમિતિ, સફાઈ વ્યવસ્થાપન સમિતિ, આરોગ્ય વ્યવસ્થાપન સમિતિ સહિતની સમિતિઓની રચના કરી અધિકારીઓ કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી છે. બેઠકમાં જિલ્લા કલેકટર અશોક શર્માએ જરૂરી માર્ગદર્શન આપવાની સાથે અધિકારીઓના મંતવ્યો પણ જાણ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ જ્યાં મળે છે તે માધવપુર નો મેળો આપણા સાંસ્કૃતિક વારસાને ગૌરવ આપવાનો ઉત્સવ છે. ત્યારે આ મેળાને વિશ્વ ફલક પર ઓળખ આપવા 2017થી પ્રવાસન વિભાગ આ મેળાનું આયોજન કરે છે. અને દર વર્ષે સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતા પૂર્વોત્તર ના સાત રાજ્યો ના મુખ્યમંત્રીઓ સહીત વિવિધ મહાનુભાવો પણ મેળા માં ઉપસ્થિત રહે છે. તો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહીત સહિત અને મહાનુભાવો પણ આ લોકમેળા ની મુલાકાત લઈ ચુક્યા છે.
ગુજરાત માં ત્રીજા નંબર નો મેળો
ગુજરાતમાં અનેક નાના-મોટા લોકમેળાઓ યોજાય છે, તેમાં સૌરાષ્ટ્રમાં યોજાતા ત્રણ મેળાઓ પ્રચલિત અને આગવું સ્થાન ધરાવે છે. સુરેન્દ્રનગર જિલ્લાનાં તરણેતરમાં યોજાતો મેળો યૌવન હિલોળે ચડાવે છે, જૂનાગઢનમાં ભવનાથ તળેટીમાં યોજાતો સાધુસમાજ અને સંતોનો ભવનાથનો મેળો ત્રિવેણીસંગમ સમો હોય છે. જ્યારે ત્રીજા નંબરનું સ્થાન ધરાવતો માધવપુર (ઘેડ)નો ઐતિહાસિક લોકમેળો શ્રીકૃષ્ણ અને રૂકમણીજીની લગ્નપ્રસંગની ઝાંખી કરાવે છે. ચૈત્ર મહિનાની રામનવમીથી તેરસ સુધી પાંચ દિવસનો યોજાતો આ ભાતીગળ લોકમેળો અનોખી ભાત પાડે છે. આ મેળામાં ઉત્તર-પૂર્વીય સાત રાજ્યોના લોકો ભાગ લે છે. આ મેળો અરૂણાચલ પ્રદેશની ‘મીશમી જનજાતી’ના લોકોને ગુજરાત સાથે જોડે છે.