પોરબંદર નજીકના કુણવદર ગામે રહેતી અને વિશ્વમાં ૫૦ જ દર્દી છે તેવી ન્યુરોલોજીકલ ડીસઓર્ડર બિમારીને હરાવનાર યુવતી એ બીમારી થી કંટાળી વાડીના કુવામાં પડી આપઘાત કરતા સમગ્ર બરડા પંથક માં ગમગીની છવાઈ છે
પોરબંદરના કુણવદર ગામની રેખાબેન બાબુભાઈ ઓડેદરા(ઉવ ૨૨)નામની યુવતી ન્યુરોલોજીકલ ડીસઓર્ડર નામની ગંભીર બીમારીથી પીડાતી હતી. આ બીમારી ના સમગ્ર વિશ્વ માં ૫૦ જ દર્દી હોવાથી તે રેરેસ્ટ ઓફ રેર ગણાય છે. તેની સારવાર માટે તેના પરિવારે ૨૦ લાખ કરતા પણ વધારેનો ખર્ચ કરીને કોકીલાબેન અંબાણી હોસ્પીટલ મુંબઈ. વોકહાર્ટ હોસ્પીટલ રાજકોટ, ઝાયડસ હોસ્પીટલ અમદાવાદ, હોપ હોસ્પીટલ અમદાવાદ તેમજ સિવીલ હોસ્પીટલ અમદાવાદમાં સારવાર કરાવી ચુકયા હતા, પરંતુ તેનું ઓપરેશન કરાવવું ફરજીયાત હોવાથી દિલ્હીની એમ્સ હોસ્પીટલમાં ઓપરેશનનો ખર્ચ ૨૦ લાખ તથા ઓપરેશન બાદની સારવાર માટે પણ ૧૦ લાખ જેટલો ખર્ચ થાય તેમ હતો.
ટુંકી જમીન ધરાવતો બાબુભાઈ ઓડેદરાનો પરિવાર આ ખર્ચને પહોંચી શકે તેમ નહી હોવાથી હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઇ મોઢવાડીયા અને તેમની ટીમે ટહેલ નાખતા ૩૦ લાખ રૂપિયાથી વધુનો ફાળો એકત્ર થયો હતો. અને તેની સારવાર થતા તે સ્વસ્થ બની ગઇ હતી. બીમારી ની માત્ર થોડી અસર રહી હતી. રેખાબેને બગવદર ગામે કાપડની દુકાન શરૂ કરી પગભર પણ બન્યા હતા.
ગઈકાલે સવારે તેની વાડી ની નજીક આવેલ વાડી માંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આથી સ્થાનીકો એ ફાયરબ્રિગેડ ને જાણ કરતા ફાયરબ્રિગેડ ની ટીમે દોરડા વડે કુવામાં ઉતરી મૃતદેહ બહાર કાઢ્યો હતો. અને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની સિવીલ હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
પોલીસ ની પ્રાથમીક તપાસ માં રેખાબેને બીમારી થી કંટાળી ને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ ના પગલે સમગ્ર બરડા પંથક માં અરેરાટી વ્યાપી ગઈ છે.