રાષ્ટ્રીય કક્ષાની પેરા એથ્લેટીક સ્પર્ધામાં પોરબંદરની દિવ્યાંગ યુવતીએ ૧૦૦ મીટરની દોડ માત્ર ૧૮.૩૯ સેકન્ડમાં જ પૂર્ણ કરી સિલ્વર મેડલ મેળવ્યો છે.
તાજેતરમાં પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડીયા દ્વારા નડીયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ૧૨મી જુનીયર અને સબ જુનીયર ‘પેરા એથ્લેટીક ચેમ્પીયનશીપ ૨૦૨૩’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોના ૪૦૦ જેટલા જુનિયર અને સબ જુનિયર ખેલાડીઓએ રનીંગ, ઉંચો કુદકો, લાંબો કુદકો, ગોળાફેંક, બરછીફેંક, ભાલાફેંક, જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં પોરબંદર ના ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ દ્વારા પ્રિયા સરમણભાઇ કોડીયાતર નામની દિવ્યાંગ યુવતી ને કોચ દ્વારા પધ્ધતિસરની તાલીમ આપી આ સ્પર્ધામાં ભાગ લેવા મોકલતા પ્રિય એ ૧૦૦મીટર દોડ ૧૮.૩૯ સેકન્ડમાં પુરી કરી રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.તેની આ ઝળહળતી સિધ્ધિ બદલ સંસ્થાના સેક્રેટરી કમલેશભાઇ ખોખરી, ડો. સુરેશભાઇ ગાંધી અને કમિટીના સભ્યો એ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રિયાને સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલના સીનીયર કોચ મનિષભાઇ જીલડીયાના માર્ગદર્શન હેઠળ એથલેટીક કોચ કૌશિક સિંધવા દ્વારા ટ્રેઇનીંગ આપવામાં આવી હતી. પોતે દિવ્યાંગ હોવા ઉપરાંત ફકત માતાના સહારે જીવન જીવતી આ યુવતીએ પોતાની દિવ્યાંગતાને કોરાણે મુકી જોમ અને જુસ્સા સાથે સખત પરિશ્રમ કરી રાષ્ટ્રીય કક્ષાની આ સિધ્ધિ હાંસલ કરેલ છે. જે સમાજની યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે. ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે પણ માણસ અડગ આત્મવિશ્વાસ સાથે ઝઝૂમે ત્યારે સફળતા પ્રાપ્ત કરે જ છે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મળવાપાત્ર રૂપિયા એક લાખનું ઇનામ પણ આ દિવ્યાંગ યુવતીને મળવાપાત્ર બનશે. જે તેની રમતગમત ક્ષેત્રની કારકિર્દી માટે ઉપયોગી નીવડશે. જિલ્લાના અનેક દિવ્યાંગ ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળતી સિધ્ધિ હાંસલ કરી શકે તેમ છે. પરંતુ તેમને પધ્ધતિસરની તાલીમ આપનાર ‘કોચ’ની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તો પોરબંદર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું નામ રોશન કરી શકે છે.
