પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખના સ્વભંડોળ અંતર્ગત સીમર ગામે વિદ્યાર્થી વિકાસ માટે કમ્પ્યુટર લેબ વિદ્યાર્થીઓને અર્પણ કરાઈ હતી.
પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરાના સ્વભંડોળ અંતર્ગત સીમર ગામે આવેલ શ્રી શારદા વિદ્યામંદિર હાઇસ્કૂલ સીમર ખાતે વિદ્યાર્થીઓ આ ટેકનોલોજીકલ યુગમાં આગળ વધે ,વિકાસ સાધે તે માટે છેવાડાના ગામના વિદ્યાર્થી વિકાસ માટે કમ્પ્યુટર લેબ ની ફાળવણી કરી હતી .તે અંતર્ગત હાલમાં આ કમ્પ્યુટર ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થતા આ લેબને વિદ્યાર્થીઓને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
ટ્રસ્ટના પ્રમુખ વી.ડી.કારાવદરાના તેમની શાળાના અને ગામના વિદ્યાર્થીઓ કમ્પ્યુટરનો જ્ઞાન મેળવે તે માટે તેમના સઘન પ્રયાસો થકી, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરા ના સ્વભંડોળમાંથી આ લેબ તૈયાર કરવામાં આવી છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન વી. કારાવદરા પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી નીનામા, પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરા, તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટના પ્રમુખ વી.ડી.કારાવદરા, સીમર ગામના સરપંચ કેશુભાઈ ,તાલુકા પંચાયતના સભ્ય કેશુભાઈ ઓડેદરા ,અન્ય ટ્રસ્ટીગણ, ગ્રામજનો અને વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ક્ષણને દીપાવી હતી.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ધવલભાઈ ખુંટી દ્વારા સર્વે મહાનુભાવો અને વાલીગણનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ કમ્પ્યુટર લેબની અગત્યતા વિશે જણાવવામાં આવ્યું હતું.ત્યારબાદ આ સંસ્થાના પ્રમુખ વી.ડી. કારાવદરા એ સ્પર્ધાત્મક યુગમાં મારા ગામના બાળકો પાછળ ન રહે તેમજ કોમ્પ્યુટર શીખે તે માટે આ લેબ ખૂબ જ ઉપયોગી થશે તેમ જણાવી વિદ્યાર્થીના વાલીને પણ બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવા ટકોર કરી હતી.
જિલ્લા શિક્ષણ અધિકારી એ હાલમાં આવી રહેલ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ સખત પરિશ્રમ કરી અને ભયમુક્ત રીતે પરીક્ષા આપવા આહવાન કર્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી નીનામા એ બાળકો સાથે તેના અભ્યાસ અને તેના ભાવિ અંગે ચર્ચા કરી હતી તેમજ જીવનમાં ઉચ્ચ લક્ષ્ય રાખી મહેનત કરવા જણાવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરા એ આ તકે જણાવ્યું કે હાલમાં સરકાર તરફથી મળેલ વિદ્યાર્થી વિકાસ માટેની આ કમ્પ્યુટર લેબનો વિદ્યાર્થીઓ મહત્તમ ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી. તેમજ વિદ્યાર્થીઓ સારામાં સારો અભ્યાસ કરે અને ગામ અને વાલીનું નામ રોશન કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
આ તકે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા G20 ની થીમ પર આધારિત તૈયાર કરેલ રંગોળી દરેકનું ધ્યાન આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. પોરબંદર જિલ્લાના છેવાડાના ગામડા ના વિદ્યાર્થીઓ ના વિકાસ અર્થે ફાળવેલ આ કમ્પ્યુટર લેબ માટે સમગ્ર વિદ્યાર્થી ગણ, વાલીગણ, ટ્રસ્ટીગણ તેમજ શાળા પરિવારે જિલ્લા પંચાયત પોરબંદરના પ્રમુખ મંજુબેન કારાવદરાનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારે ખુબજ જહેમત ઉઠાવી હતી. તે બદલ શાળા પરિવારને સર્વે મહાનુભવો એ અભિનંદન પાઠવ્યા હતા.


