પોરબંદર ના બાળકને જન્મજાત હૃદયનું કાણું હોવાથી સરકાર દ્વારા મદદ કરવામાં આવતા તેનું અમદાવાદ ખાતે સફળ ઓપરેશન કરાયું હતું.
પોરબંદર શહેરના છાયા વિસ્તારમાં રહેતા સાહિદ નામના બાળકને જન્મજાત ખોડ-ખાંપણ અને હૃદયમાં મોટું કાણું હોવાના કારણે તેનું સ્વાસ્થ્ય નબળું રહેતું હતું. વજન ન વધતું, વારંવાર બીમાર રહેતો, અને તેને સતત નબળાઈ રહેતી હતી. તેના પરિવારજનોએ આ સમસ્યાને લઈને ચિંતામાં હતાં , પરંતુ યોગ્ય સારવારનો ખર્ચ તેમની ક્ષમતા બહાર હતો. સરકારશ્રીના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ, આરોગ્ય વિભાગના સમયસર સલાહ અને તારી યોજના થકી વિનામૂલ્યે સર્જરીથી સાહિદને નવું જીવન મળ્યું છે.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડૉ. જિતેન્દ્ર મારુએ માહિતી આપતા જણાવ્યું કે 0 થી 18 વર્ષના બાળકોના આરોગ્યની સંભાળ માટે RBSK કાર્યક્રમ કાર્યરત છે. જેમાં બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. જો કોઈ બાળકમાં કોઈ જન્મજાત ખોડ-ખાંપણ હોય અથવા તેને વિશેષ સારવારની જરૂર હોય, તો તેને RBSK હેઠળ નિષ્ણાત તબીબો પાસે મોકલવામાં આવે છે અને જરૂરી સારવાર કરાવવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે જ્યારે RBSK ટીમ દ્વારા સાહિદની તપાસ કરવામાં આવી, ત્યારે તેના હૃદયમાં મોટું કાણું હોવાનું જાણવા મળ્યું.આ ગંભીર હૃદયરોગ જિંદગી માટે જોખમી સાબિત થઈ શકવાની સંભાવના જણાતી હતી.તે માટે યોગ્ય સારવાર જરૂરી હતી તેથી આરોગ્ય વિભાગે સાહિદના માતા-પિતાનું સતત કાઉન્સેલિંગ કરીને ઓપરેશન માટે સહમત કર્યા હતાં
એક મહિના પહેલા સાહિદને અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેનું ઓપરેશન કરવામાં આવ્યું. આખી પ્રક્રિયા RBSK હેઠળ મફતમાં કરવામાં આવી, જેના કારણે પરિવારજનોને કોઈપણ આર્થિક બોજો પડ્યો નહીં. સાહિદના માતા એ જણાવ્યું હતું. કે, આંગણવાડીમાં ડોકટરોની તપાસ દરમિયાન જાણ થઈ કે સાહિદને હૃદય સંબંધિત બીમારી છે તેની સારવાર કરાવતાં ડર લગતો હતો પણ આરબીએસકેની ટીમ દ્વારા મફત સારવાર અને ઓપરેશન કરાવવાથી બાળકને તકલીફ માંથી રાહત થશે તેનો વિશ્વાસ વ્યક્ત કરતાં અમે ઓપરેશન માટે તૈયાર થયા હતાં અને RBSK કાર્યક્રમના લાભથી આ સંપૂર્ણ સારવાર મફતમાં કરવામાં આવી, અને સાહિદે એક નવા સ્વસ્થ જીવનની શરૂઆત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે મફત સારવારથી મોટી રાહત થઈ છે.જો આ ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં કરાવ્યું હોત, તો અંદાજે ત્રણથી સાડા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ આવી શક્યો હોત. પરંતુ તે આર્થીક રીતે પરવડે તેમ ન હતું સરકારના સહકારથી મફત સારવાર મળી છે.
સાહિદ હવે સંપૂર્ણ સ્વસ્થ – પરિવારજનો આનંદિત
ઓપરેશનના પછી સાહિદ સંપૂર્ણપણે સ્વસ્થ છે, તેનું વજન વધવા લાગ્યું છે અને તે હવે અન્ય બાળકોની જેમ રમતા-ફરતા લાગ્યો છે.પરિવારજનો પણ ખૂબ ખુશ છે અને હવે પોતાના બાળકના ભવિષ્ય અંગે નિશ્ચિંત છે.
સાહિદના માતાએ આરોગ્ય વિભાગ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો, કે જેમના પ્રયાસોથી સાહિદને મફતમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર મળી અને તે નવી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવી શક્યો.અને આ કામગીરીમાં આરોગ્ય વિભાગમાંથી ડૉ.રશ્મિ પોપટ, ડૉ જીતેન્દ્ર મારુ,ફિમેલ હેલ્થ વર્કર ભાવના મકવાણા સહિતના જોડાયા હતાં.