પોરબંદરમાં મૂંગાજીવો માટે દિવસ રાત જોયા વગર કામ કરતા જીવદયાપ્રેમીઓને એમ્બ્યુલન્સ માટે પાંચ લાખ રૂપિયાનો ચેક અપાયો હતો. રાજકોટ એરપોર્ટ ઉપર કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોતમ રૂપાલાના હસ્તે સમસ્ત મહાજન તરફથી પોરબંદરની ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટને પશુ-પક્ષી માટેની એમ્બ્યુલન્સ ઈકો વાન માટે પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો.
સમયે સમસ્ત મહાજનના ટ્રસ્ટી અને એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયાના મેમ્બર ગીરીશભાઈ શાહ તથા મિતલભાઈ ખેતાણી, સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી કુમારપાળ શાહ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રતિકભાઈ સંઘાણી, જીવાદયાપ્રેમી કેતનભાઈ સંઘવી, અજીતભાઈ ભીમજીયાણી, ડો. માધવ દવે, યોગેશભાઈ પાંચાણીએ હાજરી આપી હતી.
આ ઉપરાંત, રાજકીય આગેવાનો રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સોરઠીચા, રાજકોટના મેચર પ્રદીપભાઇ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ઉદચ કારાવદરા ટ્રસ્ટની દસ વર્ષની પશુ-પક્ષીની સારવાર, રેસ્કયુ, શેલ્ટર વગેરે જેવી કામગીરીને ધ્યાનમાં રાખીને મિતલભાઈ ખેતાણી અને ડો. નૂતનબેન ગોકાણી દ્વારા સમસ્ત મહાજનને એમ્બ્યુલન્સ માટે રજૂઆત કરવામાં આવી હતી. ઉદય કારાવદરા ટ્રસ્ટની તરફથી ડો. નેહલબેન કારાવદરા, ભુપેન્દ્રસિંહ ડોડીયા, ઉર્વશીબેન ધામી અને ડો. નુતનબેન ગોકાણી ત્યાં હાજર રહ્યા હતા અને દાતાઓનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.


