રાણાવાવ લોહાણા મહાજનના ઉપક્રમે લોહાણા સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
પવિત્ર શ્રાવણ માસની શરૂઆતમાં જ લોહાણા મહાજન રાણાવાવ અને સંલગ્ન તમામ સંસ્થાઓના ઉપક્રમે રઘુવંશી તેજસ્વી તારલાઓનો ‘સરસ્વતી સન્માન સમારોહ’ યોજવામાં આવ્યો હતો.
‘સરસ્વતી વંદના’ સ્તુતિ ગાઈ ને શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમમાં ધોરણ-૧ થી કોલેજ સુધીના ૮૦ કરતા વધારે સ્કોલર વિદ્યાર્થી યુવાન-યુવતીઓ, બાળકોનું સન્માનપત્ર અને ગીફટ આપી જ્ઞાતિના તમામ અગ્રણી ભાઇઓ-બહેનોના વરદ્ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કે.જી. અને બાળમંદિરોમાં જતા ભુલકાઓને પણ ગીફટ અને ચોકલેટસ આપી રાજી કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટય જ્ઞાતિ અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
મહાજન પ્રમુખ ભરતભાઇ રાજાણી દ્વારા સ્વાગત પ્રવચન કરી પ્રતિવર્ષ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા આવો કાર્યક્રમ યોજવા ઇજન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે પૂજ્ય જલારામબાપાને ભોગ ધરી મહાઆરતીમાં સૌ જોડાયા હતા. ત્યારબાદ જ્ઞાતિ સમૂહ પ્રસાદમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેરમાં વસતા સારસ્વત બ્રાહ્મણ પરિવારો સાથે અગ્રણીઓએ જલારામ પ્રસાદ ભાવપૂર્વક લીધો હતો, મહાજનમંત્રી મનસુખભાઇ રાયચુરા ખૂબજ સક્રિય રહ્યા હતા. ટૂંક સમયમાં જ આયોજિત આ કાર્યક્રમમાં યુવકમંડળના તમામ મિત્રો એ ખૂબજ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું સુંદર સંચાલન દેવેન તન્નાએ કર્યુ હતું. બ્રિજેશ માખેચા, વૈભવ કારીયા, કમલેશ લુક્કા,રાજુ રાયચુરા, સુનીલ અમલાણી, હાર્દિક રાયચુરા સહિત અનેક યુવાનો ખભેખભા મિલાવી શુભકાર્ય દીપાવ્યું હતું. મધુભાઇ માખેચા, તુલસીભાઇ અમલાણી, કનુભાઇ રાયચુરા, પંકજભાઇ ખીલોચીયા, જયંતભાઇ રાયચુરા, દયાલભાઈ મજીઠીયા, ભરતભાઇ તન્ના, પ્રવિણભાઇ લાખાણી, જયસુખભાઇ રાયચુરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




