પોરબંદરના મુખ્ય જલારામ મંદિર ખાતે મેગા સારવાર અને નિદાન કેમ્પ યોજાશે. સુરખાબી શહેર પોરબંદરના હાર્દ સમા શીતલાચોક વિસ્તારમાં આશરે સાઠ વર્ષથી પ્રતિષ્ઠિત તથા જલારામ સેવા મંડળ, પોરબંદર દ્વારા સંપાલિચત એવા શહેરના મુખ્ય જલારામ મંદિર ભકતજનો માટે એક તીર્થધામ સમું બની રહ્યું છે. ‘જ્યાં રોટલાનો ટુકડો ત્યાં હરિ ટૂંકડો’ એ ઉક્તિનું આજીવન પાલન કરનાર સૌરાષ્ટ્રના સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી જલારામબાપાની ‘અન્નસેવા એ જ પ્રભુ સેવા’ની વિભાવનાને અનુસરી અહીં લગાતાર ભુખ્યાજનોને જઠરાગ્નિ ઠારવા માટે અન્નક્ષેત્ર ચાલુ છે. તમજ અશકત લોકો માટે ટિફિનસેવા પણ ચાલુ છે.
વળી જયાં સમયાંતરે ગોઠવવામાં આવતા નેત્રયજ્ઞમાં આંખના દર્દીઓને સારવાર તથા જરૂરિયાતમંદ લોકોને મોતિયાનું ઓપરેશન પણ તદન નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ અવારનવાર ગરીબ દર્દીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર્દીઓને રોગોની મફત તપાસ તેમજ સારવાર કરી આપવામાં આવે છે. એવા સેવાના પરમધામ સમા મુખ્ય જલારામ મંદિર ખાતે આગામી તા. ૨૪-૧૨-૨૦૨૩ અને રવિવારના રોજ સવારે ૯ વાગ્યે જલારામ સેવા મંડળ તેમજ પોરબંદર લાયન્સ કલબ પ્રાઇડના સંયુકત ઉપક્રમે એક સર્વ રોગ નિદાન અને સારવારના મેગા કેમ્પનું આયોજન થયું છે. જેમાં રોગની તપાસ માટે આવનાર દર્દીઓને તેમના રોગનું નિદાન તેમજ એ પછી સારવારના ભાગ રૂપે પાંચ દિવસની જરૂરી દવા નિઃશુલ્ક આપવામાં આવશે.
આ સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પમાં શહેરના મોટાભાગના તજજ્ઞ તબીબો પોતાની માનદ સેવા આપશે. જેમાં એમ.ડી. ડો. સુરેશ ગાંધી, એમ.ડી. ડો. પ્રશાંત વાળા, એમ.એસ. ડો. અશોક ગોહેલ, સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. વસુંધરા નાણાવટી, દાંતના રોગોના નિષ્ણાંત ડો. કિશોર કાટબામણા અને ડો. જય ગઢીયા, બાળકોના રોગોના નિષ્ણાંત ડો. જય બદીયાણી, આંખના રોગોના નિષ્ણાંત ડો. યશસ્વિની બદીયાણી, હાડકાના રોગના નિષ્ણાંત ડો. દિનેશ ભરાડ, ચામડીના રોગોના નિષ્ણાંત ડો. રિધ્ધિ લોઢારી, જનરલ ફિઝીશ્યન ડો. કીર્તિ રાડીયા, ડો. બંસી મદલાણી અને ડો. પલ્લવ ગોકાણી સામેલ છે.
લાયન્સ કલબના ડિસ્ટ્રીકટ ગવર્નર હિરલબા જાડેજાના માર્ગદર્શન હેઠળ નિર્મિત અને આયોજિત આ મેગા કેમ્પમાં લાયન્સ કલબના ડિસ્ટ્રીકટ ગવર્નર હિરલબા જાડેજા ઉપરાંત પોરબંદર જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીના અધ્યક્ષપદે પૂર્વ કેબીને ટમંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, ભાજપ શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, પી.સી.સી. બેન્કના ચેરમેન અનિલભાઈ દેવાણી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશભાઈ કારીયા, ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઈ શિયાળ વગેરે ઉપસ્થિત રહેશે.
શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ ડો. અનિલભાઈ દેવાણી તથા મેનેજિંગ ટ્રસ્ટી ભાવિક દેવાણી જણાવે છે કે આ તમામ તજજ્ઞ ડોકટર્સની માનદ સેવાનો નિઃશુલ્ક લાભ લેવા ઇચ્છુક દર્દી મિત્રો આગામી તા. ૨૪-૧૨-૨૩ અને રવિવારે સવારે ૯ વાગ્યે જલારામ મંદિર ખાતે સમયસર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે તથા અન્ય જરૂરિયાતમંદ લોકોને પણ જાણ કરી એમને પણ પ્રેરણા આપે તેવી ભાવના વ્યકત કરી છે.