પોરબંદર
રાણાવાવ ના રાણા કંડોરણા ગામે વહીવટીતંત્ર એ પોલીસ ને સાથે રાખી દરોડો પાડતા ૪૫ કિલો ભેળસેળયુક્ત પનીર મળી આવ્યું હતું.ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સ્થળ પર થી સેમ્પલ લઇ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
રાણાવાવ ના રાણાકંડોરણા ગામે ઉભી ઘાર વિસ્તારમાં આવેલ અવાવરૂ જગ્યામાં આવેલ ગોડાઉન માં દૂધ ની બનાવટો માં ભેળસેળ થતી હોવાની માહિતી મળતા રાણાવાવ મામલતદાર ના સુપરવિઝન નીચે નાયબ મામલતદાર બી પી અગ્રાવત,ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ના અધિકારી કટારીયા એ પોલીસ ને સાથે રાખી દરોડો પાડ્યો હતો.જ્યાં ઉપલેટા રહેતો તેજસ પ્રવિણભાઇ ભારાણી નામનો શખ્શ આરોગ્ય માટે જોખમી એવા ૪૫ કિલો જેટલા ભેળસેળયુકત પનીર સાથે મળી આવ્યો હતો.આથી અધિકારીઓ એ આ અખાદ્ય જથ્થા નો નાશ કર્યો હતો.અને આ જગ્યા પરથી દૂઘ, પનીર તથા મલાઇના સેમ્પલ લઇ તપાસાર્થે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
નાયબ મામલતદાર અગ્રાવતે માહિતી આપતા જણાવ્યું હતું કે રિપોર્ટ આવ્યા બાદ જો ભેળસેળ જણાશે તો આગળ ની કાર્યવાહી કરવામાં આવશે.સ્થળ પરથી ૮૦૦ લીટર દૂધ,૧૫ કિલો મસ્કો, આરોગ્ય ને હાનીકારક વિનેગાર ભરેલા 4 થી 5 કેન,૪૦ કિલો મલાઈ,બે કેરબા સાઇટ્રિક એસીડ તથા સોયા ઓઈલ નો જથ્થો મળી આવ્યો હતો.તમામ સેમ્પલ નો રીપોર્ટ આવે ત્યાં સુધી આ ગોડાઉન બંધ રાખવા પણ તંત્ર એ તેજસ ને સુચના આપી છે.દરોડાને પગલે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.ઉલ્લેખનીય છે કે ભેળસેળયુક્ત પનીર ના કારણે ચામડી થી લઇ ને કેન્સર સુધી ના રોગો થતા હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
એક દાયકા થી થતી હતી ભેળસેળ
તેજસ નામના શખ્શે પ્રાથમિક પુછપરછ માં એવું જણાવ્યું હતું કે પોતે ઉપલેટા થી અપડાઉન કરે છે.અને ભાડા ની આ જગ્યા માં અઢી વર્ષ થી વ્યવસાય કરે છે.પરંતુ આ જગ્યા એક દાયકા થી પનીર બનતું હોવાનું સ્થાનિકોએ તંત્ર ને જણાવ્યું છે.
અડધા ભાવે થતું હતું વેચાણ:પોરબંદર થી રાજકોટ સુધી ની હોટલો માં થતું હતું વેચાણ
નાયબ મામલતદાર બીપી અગ્રાવતે જણાવ્યું હતું કે બજાર માં પનીર ના કિલો નો ભાવ રૂ ૩૬૦ છે.જયારે આ શખ્શ અડધા ભાવે એટલે કે ૧૮૦ રૂ કિલો ના ભાવે વેચાણ કરતો હોવાથી પોરબંદર થી રાજકોટ સુધી અનેક હોટલો તેની પાસે થી પનીર ખરીદતી હોવાનું પુછપરછ માં સામે આવ્યું છે.
પંજાબી શાક માં શાહી પનીર નહી પરંતુ નકલી પનીર
અનેક હોટલો માં પનીર હવે ‘શાહી’ નથી રહ્યું. બ્રેકફાસ્ટથી લઇ ડિનર સુધી સમોસાથી લઇ પાવભાજી,નાન અને નૂડલ સુધી પનીરનો ભરપૂર ઉપયોગ થાય છે. ખાવાપીનાના આ શોખને ભેળસેળ કરનારઓએ પોતાની કમાણીનું સાધન બનાવી દીધું છે.
ભેળસેળ ના કારણે કેન્સર થી લઇ ને અનેક રોગો નો ખતરો
આપણે રોજીંદા જીવનમાં શરીરને કાર્યક્ષમ અને તંદુરસ્ત રાખવા માટે આહાર લઈએ છીએ.જો આપણે યોગ્ય આહાર ન લઈએ તો આપણી તંદુરસ્તી બગડે અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ પણ થવું પડે. આમ ન બને તે માટે આપણે શું ખાવું અને શું ન ખાવું તે બાબતની જાણકારી હોવી જરૂરી છે.આજકાલ ધંધાદારી વેપારીઓ દ્વારા ખાધ્યપદાર્થોમાં ભેળસેળ કરાતી જોવા મળે છે.તેથી આપણે તથા આપણાં કુટુંબીજનોએ આ ધીમા ઝેરથી બચવું જરૂરી છે.જેથી ખોરાકની ગુણવતાની ચકાસણી કરવી મહત્વની છે.તબીબોએ આપેલ માહિતી મુજબ ભેળસેળ યુક્ત ચીજો નો વપરાશ કરતાં તેની ઝેરી અસર ના કારણે ચામડી,આંખ, ફેફસા, બરોળ વગેરેમાં વિકૃતિ આવે છે,શરીરની વિવિધ પેશીઓને તેમજ યકૃત, આંતરડા અને મૂત્રાશય જેવા અવયવોને નુકશાન થાય છે,લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટે છે,શરીરની દેહધાર્મિક ક્રિયાઓમાં અવરોધ પેદા થાય છે તેમજ કેન્સરની ગાંઠ પણ થવાની શક્યતા રહે છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)એ ભારત સરકારને સૂચિત કર્યું છે કે જો દૂધ અને દૂધની આઇટમમાં થતી ભેળસેળ ને રોકાવામાં ના આવી તો ૨૦૪૦ સુધી ભારતના 87% નાગરિક કેન્સરથી પીડિત થશે.
કઈ રીતે જાણવું પનીર અસલી છે કે નકલી
પનીર ખાવું લગભગ દરેક વ્યક્તિને પસંદ હોય છે. ખાસ કરીને જો તમે શાકાહારી છો, તો પનીર તમે નિયમિત રીતે ખરીદતા જ હશો. હકીકતમાં પનીર સ્વાદમાં તો શ્રેષ્ઠ હોય જ છે, સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. પનીરમાં કેલ્શિયમથી લઇને પ્રોટીન, વિટામિન્સ વગેરે પ્રચૂર માત્રામાં હોય છે. જે આપણા સ્વાસ્થ્યને ઘણી બીમારીઓથી બચાવે છે. પરંતુ આ જ પનીરમાં જો ભેળસેળ હોય તો સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન કરી શકે છે.
જો ભેળસેળવાળા પનીરનું તમે સેવન કર્યુ તો તમને પેટનો દુખાવો, અપચો, સ્કિન ઈરિટેશન, માથાનો દુખાવો, ટાઇફોઇડ, કમળો, અલ્સર કે પછી ડાયરિયા થઇ શકે છે. સમસ્યા એ છે કે આ નકલી પનીર પણ અસલી પનીર જેવું જ દેખાય છે. જેના કારણે તમે સરળતાથી તેમાં તફાવત શોધી શકતા નથી. તેવામાં અહીં અમે તમને અમુક ટીપ્સ આપવા જઇ રહ્યા છીએ, જેને જાણીને તમે અસલી અને નકલી પનીરમાં તફાવત શોધી શકશો.
પનીર અસલી છે કે નકલી, આ રીતે જાણો?
1- પહેલી ટીપ્સ:
તમારા હાથમાં પનીરનો ટુકડો કાપવાનો પ્રયાસ કરો. જો પનીર તૂટી પડવા માંડે છે તો પનીર બનાવટી છે, કારણ કે તેમાં હાજર સ્કિમ્ડ મિલ્ક પાવડર વધારે દબાણ સહન કરી શકતું નથી, તેથી તે મસળવાથી પર અલગ થવા લાગે છે.
2- બીજી ટીપ્સ:
પનીરને પાણીમાં ઉકાળો અને તેને ઠંડુ કરો. હવે તેના પર થોડા ટીપાં આયોડિન ટિંકચર નાખો. આ કર્યા પછી, જો પનીરનો રંગ વાદળી થઈ જાય છે, તો પછી તે પનીર ભેળસેળ યુક્ત છે અને તમારે તેને ખાવાનું ટાળવું જોઈએ.
3- ત્રીજી ટીપ્સ:
અસલી પનીર કડક નથી હોતું…જ્યારે જ્યારે ભેળસેળ કરેલી પનીર કડક હોય છે અને જમતી વખતે રબરની જેમ ખેંચાય છે.
4-ચોથી ટીપ્સ
પનીરને પાણીમાં ઉકાળો અને ઠંડુ કર્યા બાદ સોયબીન કે અડદની દાળનો પાઉડર પનીર પર નાંખો. 10 મિનિટ બાદ જો પનીરનો રંગ લાલ થવા લાગે તો પનીર નકલી છે. જો તમારા પનીરમાં ડિટર્જન્ટ કે યૂરિયા મિક્સ કરેલું હશે તો જ આમ થશે.
પોરબંદર ટાઈમ્સ નો આ ખાસ અહેવાલ આપને કેવો લાગ્યો porbandartimes@gmail.com પર ઈમેલ થી પણ જણાવી શકો છો.
આ અહેવાલ શેર કરવાનું ચૂકશો નહી