પોરબંદરના સોઢાણા ગામે રામમંદિરનું નિર્માણકાર્ય અંતિમ ચરણમાં છે ત્યારે અયોધ્યાની સાથે સાથે સોઢાણા ખાતે પણ રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે.
અયોધ્યાના રામ મંદિરને લઈને સમગ્ર દેશભરમાં ખૂબ જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જાન્યુઆરી માસમાં રામ મંદિર મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પોરબંદરના સોઢાણા ગામે પણ ભવ્ય રામમંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે અને અયોધ્યાની સાથે સોઢાણા ખાતે પણ રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
તા.૧૪ થી ૨૩જાન્યુઆરી સુધી પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના વિવિધ શહેરોની ધૂન મંડળી રામધૂન બોલાવવા ઉપસ્થિત રહેશે. તા ૨૦ થી ૨૩ સુધી પ્રતિષ્ઠા મહોત્સવ હશે જેમાં અનેક સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહેશે મહોત્સવ ને લઇ ને સમગ્ર બરડા પંથકમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દરરોજ ગાયોને ઘાસચારો અને શ્વાનને રોટલા ખવડાવવામાં આવશે તેમ જ ૨૦ જાન્યુઆરીના રોજ બપોરના ૨ કલાકે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે તા.૨૧ જાન્યુઆરીના રોજ પ્રતિષ્ઠા યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત તા.૨૨/૧ના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રામ મંદિરના નિર્માણકાર્યથી ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.