પોરબંદર વહીવટીતંત્ર એ દરોડા પાડી માધવપુર માંથી ૩ અને બળેજ ગામે થી ૧ ગેરકાયદે ખાણ ઝડપી લાખો નો મુદામાલ કબજે કર્યો છે.
પોરબંદર વહીવટીતંત્ર દ્વારા અગાઉ રાતડી બાદ હવે માધવપુર અને બળેજ ગામે ગેરકાયદે ખાણો માં દરોડા પાડ્યા હતા. જેમાં માધવપુર માંથી ૩ અને બળેજ ગામે થી ૧ ગેરકાયદે ખાણ ઝડપાઈ હોવાનું જાણવા મળે છે. ખાણખનીજ વિભાગ ને ઊંઘતું રાખી વધુ એક વખત તંત્ર એ દરોડા પાડતા અનેક ચર્ચાઓ જાગી છે. દરોડા માં ૧૫ ચકરડી સહીત લાખો નો મુદામાલ પણ પકડાયો હોવાનું જાણવા મળે છે. તહેવાર બાદ ખનીજચોરો સક્રિય થયા છે. ત્યારે તંત્ર દ્વારા ચેકિંગ અને દરોડા ની કામગીરી હાથ ધરાઈ હતી.
હજુ પણ બળેજ,ઊંટડા ,રાતડી,મિયાણી ભાવપરા સહિતના ગામો એ રાત્રે ગેરકાયદે ખાણો ધમધમતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે તંત્ર દ્વારા પણ હજુ દરોડા નો દોર યથાવત રાખવામાં આવશે તેવું જાણવા મળે છે. જો કે કુલ કેટલો મુદામાલ પકડાયો છે. તે સહિતની કામગીરી હજુ ચાલુ હોવાથી વિધિવત રીતે દરોડા ની વિગત જાહેર કરાઈ નથી. બીજી તરફ આ ખાણો માં વીજ પુરવઠો પણ અન્ય સ્થળે થી વીજ વાયરો લંબાવી અને મેળવવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો કેટલાક સ્થળો એ ડાયરેક્ટ લંગરીયા નાખી ખનીજચોરી ની સાથે સાથે વીજચોરી પણ થતી હોવાનું જાણવા મળે છે. ખાણખનીજ વિભાગ હજુ પણ ઘોર નિંદ્રા માં છે. અને વહીવટીતંત્ર ના અધિકારીઓ રાત ઉજાગરા કરી દરોડા પાડી ખનીજચોરી અટકાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. જેના પગલે ખાણખનીજ ની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.