પોરબંદરમાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવતા એક જ દિવસમાં ૨૩૨૬ કેસનો નિકાલ થયો હતો.
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાત રાજયમાં રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું,જે અંતર્ગત પોરબંદરમાં પણ આયોજન થયું હતું,આ લોકઅદાલતનો લાભ મહતમ પક્ષકારો લઈ શકે તે માટે ગુજરાત રાજયના કાર્યકારી મુખ્ય ન્યાયમુર્તિ અને ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળનાં મુખ્ય સંરક્ષક જસ્ટીશ એન.વી.અંજારીયા દ્વારા તમામ કાનુની સેવા સત્તા મંડળ તથા કાનુની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપેલ હતું. આ લોક અદાલતમાં રાજ્યના કોઈપણ જિલ્લા, તાલુકા ટ્રીબ્યુનલ કે હાઈકોર્ટમાં પડતર કેસ કે જેમાં મોટર અકસ્માતના વળતરના કેસ, દીવાની દાવા, ચેક પરતને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મુકી શકાય છે.તેમ જણાવાયું હતું,
જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, પોરબંદરના ચેરમેન અને જીલ્લા મુખ્ય ન્યાયાધીશ આર.ટી.પંચાલ દ્વારા તથા જીલ્લા કાનુની સેવા સતા મંડળ, પોરબંદરના સેક્રેટરી એસ.એચ.બામરોટીયા દ્વારા તમામ પક્ષકારોને વધુમાં વધુ સમાધાનની રૂએ કેસો પુર્ણ થાય અને ભવિષ્યના વિવાદથી પક્ષકારોને છુટકારો મળે તે માટે પક્ષકારોના વધુમાં વધુ કેસો લોકઅદાલતમાં મુકવા અને લોકઅદાલતને સફળ બનાવવા અનુરોધ કરેલ હતો,તે અંતર્ગત પોરબંદર જિલ્લા ન્યાયાલય તથા પોરબંદર જિલ્લાની તાબાની અદાલતોમાં લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક્શન પ્લાન મુજબના કુલ ૩૦૮ કેસો પ્રિ લીટીગેસનના કુલ ૯૮૮ કેસો તેમજ સ્પેશ્યલ સીટિંગના કુલ ૧૦૩૦ કેસો આમ બધા મળીને ૨૩૨૬ કેસોનો નિકાલ થયેલ હતો તથા કુલ રૂ. ૪,૮૦,૪૫,૩૫૯/- જેટલી રકમનાં વિવાદોનો લોકઅદાલતમાં નિકાલ થયો હતો અને આ રીતે પોરબંદરમાં લોકઅદાલતનું આયોજન સફળ થયું હતું.