પોરબંદરમાં બાઈક અકસ્માત થતા વીમા કલેઈમ નકારવામાં આવ્યો હોવાથી નેવું હજાર રૂપિયાનો વળતરનો દાવો ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કરવામાં આવ્યો છે.
હાલના સમયમાં વધતા જતા વીમા કલેઈમ નકારવાના કિસ્સાઓમાં સામેલ વીમા કંપનીઓમાંની વધુ એક વીમા કંપનીને ફટકો પહોંચ્યો છે. જે હવે વ્હીકલના ઇન્સ્યોરન્સ કરતી એટલે કે જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીએ વધુ એક ગેરવ્યાજબી કારણોસર ગ્રાહકનો વીમા કલેઈમ નકારતા જાગૃત ગ્રાહકે વીમા કંપની સામે વળતર નો દાવો દાખલ કરતા વીમા કંપનીઓના નેટવર્કમાં હલચલ મચી જવા પામેલ છે.
આ કેસની વધુ વિગતો મુજબ પોરબંદર જિલ્લાના ગોસાબારા ખાતે રહેતા સામાન્ય વર્ગના માચ્છીમારે પોતાના જીવન નિર્વાહ અને સામાન્ય જરૂરીયાતોને પહોંચી વળવા પોરબંદરના બાઈક કંપનીના શો- રૂમમાંથી બાઇક ખરીદ કરેલ હતુ. જેનો ખરીદ કરતી વખતે તેણે એચ. ડી. એફ. સી. અર્ગો નામની જાણીતી અને વિશ્વાસપાત્ર કંપનીનો તેની નામના અને ભરોસાપાત્ર હોવાને કારણે સીધો ૭ વર્ષનો વીમો ઉતરાવી લીધેલ હતો અને એ સમયે વીમા કંપનીએ વીમો કરતી વખતે બાઈકને ભવિષ્યમાં કોઇપણ પ્રકારની નુકશાની થાય કે અકસ્માત થાય તો તેનો રીપેરીંગનો તમામ ખર્ચ ચુકવવાની અથવા તો તેનું વળતર ચુકવવાની સંપૂર્ણ ખાત્રી અને જવાબદારી આપેલ હતી.
બાઇક ખરીધ્યા બાદ થોડા સમય પછી ગ્રાહક પોતાના કામ સબબ બહાર જતી વખતે તેમનુ અકસ્માત થતા તેઓનુ આ બાઈક ખુબ જ ડેમેજ થયેલ હતુ. જેથી આ અકસ્માતના કારણે તેઓના બાઈકને થયેલ નુકશાનીના વીમા કલેઈમ માટે બાઇક ઓથોરાઇઝડ સર્વિસ સ્ટેશનમાં રીપેરીંગ માટે મુકી નુકશાની કલેઇમ કરેલ. જે કલેઈમ વીમા કંપનીએ પોતાની રૂટીન સીસ્ટમ મુજબ ગેરકાયદેસર રીતે રીજેકટ કરેલ હોય. જેની સામે ગોસાબારાના આ જાગૃત ગ્રાહકે પોરબંદર ખાતેના ગ્રાહક સુરક્ષા ધારાના નિષ્ણાંત એડવોકેટ વિજયકુમાર પંડયા મારફત વીમા કંપનીને આ બાબતે લીગલ નોટિશ ફટકારેલ હતી. જે નોટીસનો પણ વીમા કંપનીએ કોઈ જ જવાબ ન આપીને પોતાના પક્ષેની બેદરકારીસાબિત કરેલ છે. જેથી નાછુટકે ગ્રાહકે એચ. ડી. એફ. સી. અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ પા. લી. નામની વીમા કંપની સામે પોતાના બાઈકનો કલેઈમ ગેરકાયદેસર રીજેકટ કરતા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં રૂા. ૯૦,૦૦૦/- નો વળતરનો દાવો દાખલ કરેલ છે.
પોરબંદરમાં પોતાની એકપણ બ્રાન્ચ ન ધરાવનાર અને માત્ર પોતાના બ્રાન્ડ નેમનો ફાયદો ઉઠાવી અવારનવાર આ પ્રકારની વીમા કંપનીઓ પોતના ગ્રાહકોનો વીમા કલેઈમ કોઈને કોઈ પ્રકારે ગેરવ્યાજબી અને એકતરફી રીતે રીજેકટ કરી ગ્રાહકોને મોટી રકમનું આર્થિક નુકશાન સહન કરવા પોતાની ખામીયુક્ત બેદરકારી સાબિત કરતી હોય છે જેથી આવી પરિસ્થિતિમાં વકિલ વિજયકુમાર પંડયા જણાવે છે કે ગ્રાહકોએ ચુપકીદી સેવી નુકશાન સહન કરી બેસી રહેવાને બદલે કાનુની પડકાર ફેકી ઝડપી અને ત્વરીત ન્યાય મેળવી શકાય છે અને જે મેળવતા અચકાવુ જોઇએ નહી.