પોરબંદર પંથક માં ખનીજચોરો સક્રિય થયા હોવાના અહેવાલો બાદ તંત્ર એ દરોડા પાડી રાતડી ગામે સરકારી પડતર જગ્યાઓ માં ચાલતી ૬ ગેરકાયદે ખાણો ઝડપી સ્થળ પર થી ૮૦ લાખ નો મુદામાલ કબ્જે કર્યો છે.
પોરબંદર જીલ્લા ના માધવપુર થી મિયાણી સુધી ના દરિયાકાંઠે ખનીજચોરો ફરી સક્રિય થયા છે. મશીનો ની ધૂળ ખંખેરી રાત્રી ના સમયે ફરી કાર્યરત કરાયા છે. અને ગેરકાયદે ખાણો માં લંગરીયા મારફત વીજ કનેક્શન લઇ વીજચોરી પણ થઇ રહી હોવાનું ગ્રામ્ય પંથક માં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ ગેરકાયદે ખનનની જાણ કલેકટર ને થતાં નાયબ કલેકટર તથા કુતિયાણા તથા પોરબંદર (ગ્રામ્ય) મામલતદારની ટીમો ને આ અંગે ચેકિંગ માં મોકલી હતી.
જેમાં રેવન્યુ વિભાગ દ્વારા સરકારી ખરાબામાં ગેરકાયદે ચાલતી ૬ ખાણો ઉપર દરોડા પાડતા ૨૬ કટીંગ મશીન (ચકરડી) તથા ૬ ટ્રેકટર, લોડર મળીને અંદાજે ૭૦ થી ૮૦ લાખનો મુદામાલ જપ્ત કરી ખાણ ખનીજ ખાતાને સોંપવામાં આવ્યો છે. આ દરોડા દરમીયાન ખાણોમાં કામ કરતાં મજુરોને પકડી ગેરકાયદે ખનન કરતા શખ્સો ના મૂળ સુધી પહોંચવા આગળની પુછપરછ તથા તપાસ ચાલી રહી છે. ઉપરાંત માપણીની પ્રક્રિયા પણ ચાલુ છે જે પૂર્ણ થયા બાદ જે તથ્યો ખુલશે તે મુજબ આગળની કડક શિક્ષાત્મક તથા દંડનીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉપરાંત ગેરકાયદે ખનનની પ્રવૃતિ પર અંકુશ લાવવા માટે આ પ્રકારની કાર્યવાહી આગળ ઉપર પણ કરવામાં આવશે તેમ નાયબ કલેકટરે જણાવ્યું છે તંત્ર ની કાર્યવાહી ના પગલે ખનીજચોરો માં ફફડાટ જોવા મળે છે. જો કે રેવન્યુ વિભાગે દરોડા પાડ્યા છે. પરંતુ જેની જવાબદારી ખનીજચોરી અટકાવવાની છે. એ ખાણખનીજ વિભાગ તો દરોડા બાદ બોલવવામાં આવતા માપણી કરી પોતાની ફરજ બજાવી હોવાનો સંતોષ માની લે છે. ખાણખનીજ વિભાગ ને ઊંઘતું રાખી વહીવટીતંત્ર દ્વારા દરોડા પાડવામાં આવતા અનેક ચર્ચાઓ જાગી છે. હજુ પણ બળેજ,ઊંટડા માધવપુર પંથક માં અનેક ગેરકાયદે ખાણો ધમધમતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે તંત્ર ત્યાં ક્યારે દરોડા પાડે છે તે જોવાનું રહ્યું.