Wednesday, February 5, 2025

|| तुम रक्षक काहू को डरना ||

ઓડદર ના શખ્સે વધુ એક પરિવાર પાસે ૮ લાખ ની ખંડણી લઇ ધમકાવી ગામ મુકાવ્યું હોવાની પોલીસ ફરિયાદ

ઓડદર ગામના શખ્શ સામે વધુ એક પરિવાર પાસે થી ચાર વર્ષ પૂર્વે આઠ લાખ ની ખંડણી લઇ તેને ગામ મુકાવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઓડદર ગામની રામખડા સીમની વાડીમાં રહેતા લખમણ રાજાભાઈ ઓડેદરા નામના 31 વર્ષના યુવાને હાર્બર મરીન પોલીસ મથકમાં એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ઈસવીસન 2019 ની સાલમાં નોરતા પૂરા થયા અને દિવાળી પહેલાના સમયમાં ઓડદર ગામની પ્રાથમિક પે સેન્ટર શાળા ના કમ્પાઉન્ડમાંથી પોલીસે બાવન રાણા છેલાણા નો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો એ સમયે વોટ્સઅપ ગ્રુપમાં આ સમાચારની લીંક કોઈએ શેર કરી હતી તેથી એ લીંક ઉપર અરજન લાખણશી ઓડેદરા એ કોમેન્ટ કરી હતી કે દારૂ પકડાયો એ સારી બાબત કહેવાય. આથી ફરિયાદી લખમણ રાજા ઓડેદરા એ પણ દારૂ પકડાયો એ બાબતને સારી ગણાવી હતી.

કોઈએ તેનો સ્ક્રીનશોટ રમેશ છેલાણાના ગ્રુપને શેર કર્યો હતો. દિવાળી પહેલા ફરિયાદી લખમણ રાજા ઓડેદરા વાડીએ પાણી વાળતો હતો ત્યારે રમેશ ભીખા છેલાણાએ તેને ફોન કરીને એવું જણાવ્યું હતું કે “અમારા વિશે છપાયેલા સમાચારમાં કોમેન્ટ કેમ કરી? તને પતાવી દેવો છે”આથી ફરિયાદી લખમણ ઓડેદરાએ તેને એવું જણાવ્યું હતું કે “દારૂ પકડાયો એ સારી બાબત કહેવાય એવી જ કોમેન્ટ કરી હતી”ત્યારબાદ થોડીવાર પછી રમેશ ભીખા છેલાણા અને તેના ગ્રુપના અંદાજે 15 થી 20 જણા ત્રણ કાર લઈને ફરિયાદીની વાડીએ આવતા દેખાયા હતા આથી પોતે વાડીમાં જ છુપાઈ ગયો હતો તેથી અડધો કલાક સુધી તેઓએ ફરિયાદીને શોધ્યો હતો પરંતુ તે નહીં મળતા તેના ઘરેથી એ લોકો જતા રહ્યા હતા.

ત્યાર પછી લખમણ ઓડેદરા તેના ઘરે આવ્યો ત્યારે માતા કારી બહેન અને પિતા રાજાભાઈ એ પુત્રને એવું જણાવ્યું હતું કે રમેશ ભીખા છે, કાના રાણા છેલાણા, બધા ભીખા છેલાણા, આલા બધા છેલાણા, સરમણ છેલાણા અને બીજા અનેક માણસો કે જેના નામની ખબર નથી તે બધા લાકડાના ધોકા કુહાડી તલવાર જેવા હથિયારો લઈને આવ્યા હતા અને રમેશ પાસે બંદૂકનો જોટો હતો અને ગાળો બોલીને ડેલામાં કુહાડીઓ પછાડી ઢારિયામાં આવેલા સિમેન્ટના પતરા ને કુહાડીઓ મારી ભાંગી નાખ્યા હતા અને નાળિયેરીમાં રહેલા નાળિયેર તોડી નાખ્યા હતા અને ઘરમાં આવીને રમેશે એવું કહ્યું હતું કે “લખમણ ક્યાં છે?આજે તેને પતાવી દેવો છે”તેમ કહીને લખમણના માતા અને પિતાને ગાળો બોલવા લાગ્યો હતો અને ઘરમાં ઘૂસીને જ્યાં ત્યાં ધોકા કુહાડી તલવાર પછાડી ખૂબ જ ડરાવી કબાટ, બારી, દરવાજા, પાણીના ફિલ્ટર, ઘડિયાળમાં ધોકા કુહાડી તલવાર મારી નુકસાન કર્યું હતું તથા લખમણ ના પિતા રાજાભાઈને ઝાપટ મારી ખૂબ જ ડરાવી ધમકાવી અને કહ્યું હતું કે “લખમણ ક્યાં છે આજે તેને પતાવી દેવો છે તમે મને નથી ઓળખતા હું કોણ છું? તેમ કહી બધા ગાળો બોલતા હતા અને ઘરમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું તથા પોલીસ ફરિયાદ કરશો તો મારી નાખશું તે પ્રકારની ધમકી આપીને જતા રહ્યા હતા આ પ્રકારની વાત તેના માતા પિતાએ લખમણને કરી હતી.

આ બનાવવાની વાત લખમણે તેની બાજુમાં વાડી ધરાવતા પરબત મુરુ ઓડેદરા, રણમલ ઓડેદરા તથા લાખા ઓડેદરા ને કહી હતી અને ત્યારબાદ લખમણ તથા તેના પિતા રાજાભાઈ ઘરથી દૂર ખેતરમાં છુપાયેલા રહ્યા હતા અને ઘરે આવતા ન હતા અને આ લોકોના ડરને કારણે અલગ અલગ જગ્યાએ રહેતા હતા અને ઘરે તેના માતા એકલા રહેતા હતા.
બીજે દિવસે લખમણ અને તેના પિતા રાજાભાઈ જ્યાં છુપાયા હતા ત્યાં તેની માતા આવી હતી અને તેણે એવું જણાવ્યું હતું કે રમેશ અને તેની ગેંગના માણસો આજે પણ ઘરે ધોકા કુહાડી તલવાર લઈને આવ્યા હતા અને ગાળો બોલી હતી તથા હત્યા કરી નાખવાની ધમકી પણ આપી હતી અને તારા છોકરાને ક્યાં સંતાડ્યો છે? તેવી ધમકી આપીને જતા રહ્યા હતા.

ત્યાર પછી ફરિયાદી અને તેના પિતા વાડીમાં સંતાયેલા રહેતા હતા ત્રીજે દિવસે પણ તેની માતાએ આવીને એવું જણાવ્યું હતું કે રમેશ અને તેની ગેંગના માણસો આજે પણ આપણા ઘરે આવીને ધમકી આપી જતા રહ્યા હતા અને હવે મને ઘરે એકલા રહેતા ડર લાગે છે. રમેશે ફરિયાદી યુવાનની માતાને પણ એવું કહી દીધું હતું કે તું પણ ક્યાંક જતી રહેજે નહીંતર તને પણ પતાવી દેશું આથી ગામમાં આ મહિલાને આશરો આપવા માટે કુટુંબમાં વાત કરી હતી પરંતુ રમેશ થી બધા ડરતા હોવાથી કોઈએ આશરો નહીં આપતા ફરિયાદી લખમણના માતા-પિતા વડાળા ખાતે તેના મામા ભીખુભાઈ લખમણભાઇ મોઢવાડિયા ને ત્યાં ઘરે રહેવા જતા રહ્યા હતા.

અને લખમણ વાડીમાં જ છુપાયેલો રહ્યો હતો. એ દરમિયાન ઓડદર ગામમાંથી રાજુ લાખા ખૂટી તથા ફરિયાદી લખમણના મોટા બાપાના દીકરા લખમણ કારા ઓડેદરા જમવાનું આપવા આવતા હતા રમેશ તથા એના માણસોએ તેના ઘરે પણ ધમકી આપતા ફરિયાદીને જમવાનું મોકલવાનું બંધ કરી દીધું હતું ત્યારબાદ લખમણ પોતાની રીતે જ જમવાનું શોધતા અને છુપાવવાના ઠેકાણા શોધી હતી.પરંતુ કોઈ જગ્યાએ જમવાની અને રહેવાની વ્યવસ્થા નહીં છતાં નહીં થતાં ગામ છોડીને મુંબઈ ખાતે જતો રહ્યો હતો.

પોતે મુંબઈ ગયો તેના એક મહિના પછી તેના પિતા રાજાભાઈએ ફોન કરીને એવું જણાવ્યું હતું કે રમેશ ના અંગત એવા ભીખા હાજા ઓડેદરા ને આ લોકોના ત્રાસથી બચવા કોઈ રસ્તો શોધવા જણાવ્યું હતું આથી ભીખાભાઈએ રમેશ સાથે વાત કરી હતી અને એવું જણાવ્યું હતું કે સમાધાન પેટે તમારે 60 લાખ રૂપિયા આપવા પડશે આથી ફરિયાદીના પિતાએ એવું જણાવ્યું હતું કે આટલા રૂપિયા મારી પાસે નથી આથી ભીખાએ એવું કહ્યું હતું કે રમેશ દ્વારા કહેવડાવવામાં આવ્યું છે કે “આટલા રૂપિયા નહીં આપો તો તમારા પરિવારને ગામમાં ક્યાંય આવવા દેવાશે નહીં” આથી રૂપિયા ઓછા કરવાની વાત કરતા રમેશે એવું જણાવ્યું હતું કે રૂપિયાના હોય તો દાગીના અને જમીન વહેંચીને પણ રૂપિયા તો આપવા જ પડશે. આથી ફરિયાદીના પિતા રાજાભાઈએ કહ્યું હતું કે મારી પાસે રૂપિયાની વ્યવસ્થા થઈ શકે તેમ નથી આથી આ લોકોના ત્રાસથી કંટાળીને રાજાભાઈએ ઝેરી દવા પી લીધી હતી અને રાજકોટ ખાતે સારવારમાં લઈ જવાતા સારું થઈ ગયું હતું અને ત્યાં હોસ્પિટલમાં તેમણે પોતે માનસિક બીમારીને કારણે દવા પીધી તેવી ખોટી હકીકત આ લોકોના ત્રાસને કારણે લખાવી પડી હતી.

ત્યારબાદ પણ રમેશ અને તેની ગેંગે કોઈ સમાધાન નહીં કરતા અંતે રાજાભાઈએ તેના ઘરમાં રહેલા દાગીના વહેંચીને ત્રણ લાખ રૂપિયા તથા ફરિયાદી યુવાનના ફુવા ભાવપરા ગામે રહેતા રાજાભાઈ વરજાંગભાઈ ગોઢાણીયા પાસેથી બે લાખ રૂપિયા હાથ ઊંચીના લીધા હતા તથા પોપટે 2 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી તેમજ ઘરમાં પડેલા કપાસ વેચાવીને તેમાંથી મળેલા એક લાખ રૂપિયા સહિત આઠ લાખ રૂપિયા એકત્ર કરીને વ્યવસ્થા કરી હતી અને રમેશ ને સમાધાન માટે 8,00,000 રોકડા આપ્યા હતા અને રમેશે સમાધાન કર્યું હતું અને આમ છતાં આ લોકોની ખૂબ જ બીક લાગતી હોવાથી છ મહિનાથી ફરિયાદી મુંબઈ ખાતે રહેતો હતો અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો અને ત્યાર પછી તે ઓડદર માતા પિતા સાથે રહેવા આવ્યો હતો અને અંતે હવે તેણે રમેશ ભીખા છેલાણા અને તેની ગેંગ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદ મોદી કરવાનું કારણ એવું જણાવ્યું છે કે રમેશ ની આજુબાજુના વિસ્તારમાં ધાક હોવાથી ફરિયાદ કરશે તો જીવું હરામ કરી દેશે તેવા ડરથી જે તે વખતે ફરિયાદ કરી ન હતી 60 લાખ રૂપિયાની ખંડણી માંગી 8 લાખ રૂપિયા ખંડણી પેટે મેળવ્યા હોવાની અને ધાક ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે