પોરબંદર માં મહિલા ચોપાટીની ઝુંપડપટ્ટીમાં જુના કપડાનું વિતરણ કરતી હતી.ત્યારે તેનો દસ હજાર ની કીમત નો મોબાઈલ ચોરી થયો હતો જે તસ્કર ને પોલીસે ગણતરી ની કલાકો માં ઝડપી લીધો છે.
પોરબંદરની પોલીટેકનીક કોલેજ નજીક યોગેશ્વર પાર્કમાં રહેતા અને રાણાવાવની કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા રાહુલ જોશી નામના યુવાનના પત્ની રોહીણીબેન જોશી (ઉવ ૩૩)એ કમલાબાગ પોલીસ મથક માં ફરીયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓ ઘરમાં એકત્ર થયેલા જુના કપડા ભિક્ષુકોને કામ આવે તે માટે ચોપાટી પાસે ફુટપાથ પર રહેતા ગરીબોને વિતરણ કરવા ગયા હતા. ત્યારે ફૂટપાથ પર રહેતા લોકો નું ટોળું એકત્ર થઇ જતા બધા જ કપડાનું વિતરણ તેઓને કરી દીધું હતું, ત્યારપછી પતિ રાહુલને ફોન કરવા માટે પર્સમાં હાથ નાખ્યો તો પર્સનો ચેન ખુલ્લો હતો.
તેથી પોતે કપડા વિતરણ કરતા હતા ત્યારે કોઈએ દસ હજાર ની કિમતનો ફોન ચોરી લીધો હોવાનું જણાતા ફરીયાદ નોંધાવી હતી. ત્યાર બાદ મહિલા પોલીસ મથક ના પીએસઆઈ કે એમ સૈયદ તથા સ્ટાફ ચોપાટી વિસ્તાર માં ફૂટ પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ માં હતા. તે દરમ્યાન એક શંકાસ્પદ શખ્શ ને ચેક કરતા તેની પાસે થી ચોરી માં ગયેલ મોબાઈલ મળી આવ્યો હતો. આથી પોલીસે તેનું નામ પૂછતા પોતે સાજણ ક્લુભાઈ ડાભી (ઉવ ૩૭)હોવાનું અને કર્લી ના પુલ પાસે ની ઝૂપડપટ્ટી પાસે રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ શખ્શે અન્ય કોઈ ચોરી કરી છે કે કેમ તે સહિતની ઊંડાણપૂર્વક પુછપરછ પણ શરુ કરી છે.