પોરબંદરની ચોપાટી પર દિવાળી ના તહેવાર દરમ્યાન ફરવા આવેલા બેંક મેનેજરના પત્નીના પેન્ટના ખિસ્સામાંથી 46,999 ની કિંમતનો મોબાઇલ ચોરાતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મૂળ હરિયાણાના તથા હાલ કુતિયાણાના દેવડા ગામે રહેતા ઋષભ સંજયભાઈ જોશી(ઉવ ૨૯)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે હાલ દેવડા ગામે એકલો રહે છે અને એસ.બી.આઇ.બેન્કમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે. હાલમાં દિવાળીનું વેકેશન હોવાથી તેની પત્ની અંજલી વેકેશનમાં અહીંયા પોરબંદર ફરવા માટે આવી હતી અને તારીખ 12/11 ના રાત્રે 11 વાગ્યે રૂષભભાઈ તથા તેની પત્ની અંજલી તથા તેનો મિત્ર શિવમ રોહીલા દિવાળીનો તહેવાર હોવાથી ચોપાટી પર ફરવા ગયા હતા અને બેઠા બેઠા વાતો કરતા હતા.
ઘણો સમય તેઓ બેઠા હતા.અંજલીનો મોબાઈલ ફોન તેના પેન્ટના પાછળના ખીસ્સામાં હતો. રાત્રે 1:00 વાગ્યા આસપાસ ઘરે જવા નીકળ્યા ત્યારે અંજલિએ પેન્ટના ખિસ્સામાં હાથ નાખ્યો તો મોબાઈલ ગુમ થયો હતો આથી ચોરાયો હોવાનું જણાતા ઋષભે તેના ફોનમાંથી પત્નીના ફોનમાં ફોન કરતા તે સ્વીચ ઓફ આવતો હતો અને આજુબાજુમાં તપાસ કરતા ફોન મળી આવ્યો ન હતો આથી ઈ- એફઆઇઆર કરવામાં આવી હતી.ત્યાર બાદ રૂબરૂ કમલાબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ માં એવું જણાવ્યું છે કે એમેઝોનમાંથી પોતે 46,999 ની કિંમત નો આ ફોન ખરીદ્યો હતો. અને પત્નીને આપ્યો હતો. આ ફોન કોઈએ ચોપાટી પરથી ચોરી લીધો છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
				
															














