પોરબંદર ક્રાઈમ બ્રાન્ચે ઓડદર નજીક થી રોયલ્ટી વગર ના ખનીજ ભરેલા બે ટ્રક ઝડપી લીધા છે અને આ અંગે ખાણખનીજ વિભાગ ને પણ જાણ કરી છે.જીલ્લા માં ફરી ખનીજચોરો સક્રિય થયા છે અને દરિયાઈ પટ્ટી પર રેતી અને પથ્થર ની ખનીજચોરી અનેક સ્થળો એ ચાલુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પોરબંદર એલસીબી ના ઇન્ચાર્જ પી આઈ આર કે કાંબરીયા તથા સ્ટાફ પેટ્રોલિંગ માં હતો. તે દરમ્યાન ઓડદર ગામે આવેલ ગુરુ ગોરખનાથ મંદિર પાસે થી પથ્થરો ભરેલા બે ટ્રક પસાર થતા. તેને અટકાવી અને ટ્રક માં રહેલ ખનીજ અંગે રોયલ્ટી સહિતના કાગળો માંગતા ટ્રક ચાલક આપી શક્યો ન હતો. અને આ પથ્થર નજીક માં આવેલ ખાણ માંથી ભર્યા હોવાનું જણાવ્યું હતું. આથી એલસીબી એ ટ્રક અને પથ્થરો મળી દસ લાખ નો મુદામાલ સીઝ કરી ખાણખનીજ વિભાગ ને જાણ કરી હતી.
આથી ખાણ ખનીજ વિભાગે પથ્થરો નું ખનન કર્યું છે તે જગ્યા લીઝ વાળી છે કે નહી તે સહિતની બાબતો માટે સર્વે ની કામગીરી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અગાઉ એસએમ સી ની રેડ બાદ જીલ્લા માં થોડા સમય ખનીજચોરી પર અંકુશ આવ્યો હતો. પરંતુ હવે ધીરે ધીરે ગેરકાયદે ખાણો ધમધમતી હોવાનું ગ્રામ્ય પંથક માં ચર્ચાઈ રહ્યું છે. અને હાલ મિયાણી થી માધવપુર સુધી ની દરિયાઈ પટ્ટી પર આવી ખાણો રાત્રી ના સમયે ધમધમતી હોવાનું પણ જાણવા મળે છે. ત્યારે ખાણખનીજ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા ખનીજચોરી ડામવા કડક હાથે કામગીરી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
ખનીજચોરો ના વોટ્સેપ ગ્રુપ પણ સક્રિય ?
અગાઉ જીલ્લા માં ખનીજચોરી અંગે દરોડો પાડવા જતા તંત્ર ના વાહનો અને અધિકારીઓ ની હિલચાલ જાણવા માટે ખનીજચોરો એ વિવિધ વોટ્સેપ ગ્રુપ બનાવ્યા હતા. અને આ ગ્રુપ માં ખાણખનીજ સહીત તંત્ર ના અધિકારીઓ ના લાઈવ લોકેશન પણ શેર થતા હતા. જે અંગે ગુન્હો પણ નોંધાયો હતો ત્યારે જીલ્લા માં ખનીજચોરી માટે કુખ્યાત શખ્સો ના મોબાઈલ ચેક કરવામાં આવે તો ફરીથી આવા ગ્રુપ શરુ થયા છે કે કેમ તે સહિતની હકીકતો સામે આવે તેમ છે.