વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ પોરબંદર કાર્યક્રમના ભાગરૂપે જિલ્લાની વિવિધ બેંકોના સહકારથી એસ.બી.આઈ લીડ બેંક દ્વારા બિરલા હોલ પોરબંદર ખાતે ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ ક્રેડિટ લીંકેજ સેમિનાર કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને લોન મેળો યોજાયો હતો. જેમાં આજરોજ ૧૬૨૪ જેટલા લાભાર્થીઓને રૂ.૧૩૭ કરોડથી વધુ રકમની લોનના ચેક વિતરણ કરાયા હતા. ઉપરાંત સરકારની ફ્લેગશીપ યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી અપાઈ હતી.
આ લોનમેળામાં કેન્દ્ર સરકારની યોજના હેઠળ અરજદારોને મહાનુભાવોના હસ્તે મંજૂરીપત્રો તેમજ ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
આ તકે રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ સતત વિકાસ કરી રહ્યો છે. સરકારી યોજનાની સરળ અમલવારી થાય તેમજ છેવાડાના નાગરિકોને સરકારની યોજનાનો લાભ મળે તથા બેન્કો થકી નાગરિકોને સરળતાથી લોન પ્રાપ્ત થઈ શકે તે માટે બેન્કો હવે નાગરિકોના દ્વારે પહોંચી છે. જેના થકી લોન મેળવવા માગતા નાના ઉદ્યોગકારો તેમજ નાગરિકોમાં વિશ્વાસ વધ્યો છે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા કલેકટર શ્રી કે.ડી.લાખાણીએ જણાવ્યું હતું કે, આજરોજ પોરબંદરની ૧૯ જેટલી બેન્કો મારફત છેવાડાના માનવીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી છે. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ લોન મેળા કાર્યક્રમ કરી કુલ ૪૪૯૦ જેટલા લાભાર્થીઓને રૂ.૨૩૫ કરોડ કરતાં વધારે રકમની સહાય ચૂકવવામાં આવી છે. સરકારની વિવિધ યોજનાઓ હેઠળ નાગરિકોને સરળતાથી લોન મળે, ધંધો વ્યવસાય, શિક્ષણ, કૃષિ સહિત ક્ષેત્રે લોન આપવામાં આવે છે. બેંકે આપેલા પૈસા દેશના નાગરિકોના છે.
તેમજ વધુમાં બેંક કર્મચારીઓને માર્ગદર્શન આપતા કલેકટરએ જણાવ્યું હતું કે, કોઈ પણ નાગરિક જ્યારે બેંક પાસે લોન મેળવવા આવે ત્યારે તેને સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરવા ખૂબ જરૂરી છે. મારી બેંકના કર્મચારીઓને અપીલ છે કે માનવતાના અભિગમથી આપણે સૌ કોઈના જીવનમાં પ્રકાશ પાથરીયે તે ખૂબ માનવતાનું કાર્ય છે. તેમજ જિલ્લા કલેકટરે લાભાર્થીઓને ચેક વિતરણ કરવાની સાથે સતત પ્રગતિ કરી દેશના વિકાસમાં સહયોગ પૂરો પાડતા રહો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે કાર્યક્રમનું સ્વાગત પ્રવચન લીડ બેંકના ડિસ્ટ્રિક્ટ મેનેજર આર.કે. મીણાએ કરી લોન મેળા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
લોન મેળામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ઓડેદરા, પોરબંદર છાયા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ચેતનાબેન તિવારી, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા,જિલ્લા ગ્રામવિકાસ એજન્સી નિયામક રેખાબા સરવૈયા સહિત અધિકારીઓ, કર્મચારીઓ, બેંકનો સ્ટાફ ઊપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન પૂજાબેન રાજાએ કર્યું હતું.






