પોરબંદર
પોરબંદર સહીત રાજ્યભર ના માછીમારો ને ફિશિંગ માં જવા માટે 1 માર્ચ થી ઓનલાઈન ટોકન ઈશ્યુ કરવાનું અગાઉ ફિશરીઝ વિભાગે જાહેર કર્યું હતું.પરંતુ માછીમારો ની રજૂઆત સંદર્ભે આ નિર્ણય એક માસ ઠેલાયો છે.હવે 1 એપ્રિલથી માછીમારો માટે ફિશિંગમાં જતા પહેલા ઓનલાઇન ટોકન ઇશ્યુ કરવું પડશે.
પોરબંદર ફિશરીઝ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી બોટ માલીકોને જાણ કરવામાં આવી હતી.કે બોટોને હાલ મેન્યુઅલી ટોકન આપવાની પધ્ધતિ અમલમાં છે.જેના સ્થાને મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા ઓનલાઈન ટોકન ઈસ્યુ કરવા સોફટવેર ડેવલપ કરવામાં આવ્યું છે.જેથી જીલ્લાના તમામ માછીમારોને પોતાનુ ઓનલાઈન રજીસ્ટેશન કચેરી ની વેબસાઈટ પર કરવા સુચના આપવામાં આવી હતી.અને તા. 1 માર્ચ 2022થી તમામ ફિશિંગ બોટોને ફક્ત ઓનલાઈન પદ્ધતિ દ્વારા જ ટોકન આપવામાં આવશે તેવું જાહેર કરાયું હતું.
પરંતુ મત્સ્યોદ્યોગ નિયામક ગાંધીનગર દ્વારા વધુ એક પરિપત્ર બહાર પાડી જણાવાયું છે કે,તા.18/2ના રોજ નિયામકની અધ્યક્ષતામાં રાજ્યના માછીમાર અસોસીએશન તથા જિલ્લા અધિકારીઓ સાથે યોજાયેલ વિડીયો કોન્ફરન્સ માં માછીમારોની રજુઆત પગલે માછીમારને ઓનલાઈન ટોકન ઈસ્યુ તા.1 માર્ચના બદલે તા.1એપ્રિલ થી કરવાનું રહેશે. અને ઓનલાઈન બોટ ટોકન સોફ્ટવેર બાબતે માછીમારો અને માછીમાર અસોસીએશનનો સંપર્ક સાધીને માછીમારોને ઓનલાઈન ટોકન ઈસ્યુ કરવાની પધ્ધતિની તાલીમ યોજવા માટે કેમ્પનુ આયોજન કરવા પણ સૂચના આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે અનેક બોટમાલિકો અભણ હોવાથી ઓનલાઇન પદ્ધતિ જાણતા નથી.જેથી તેઓને યોગ્ય તાલીમ મળી રહે તેવું આયોજન કરવું જરૂરી છે.અથવા બન્ને વિકલ્પ ખુલ્લા રાખવામાં આવે તેવી પણ કેટલાક માછીમારો માંગ કરી રહ્યા છે.