સમગ્ર દેશમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ દિનપ્રતિદિન સતત વધતું જોવા મળે છે, થોડા સમયથી યુવાન લોકોમાં પણ હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યા છે, સ્કૂલના બાળકો ચાલુ કાર્યક્રમમાં અથવા ગરબાની પ્રેક્ટિસ કરતા ખેલૈયાઓને પણ હૃદયરોગના હુમલા આવ્યાના બનાવો સતત આપણને સાંભળવા મળે છે.
જુદી જુદી જગ્યાએ બની રહેલા હાર્ટ એટેકના બનાવોને ગંભીરતાથી લઈ પોરબંદર ડિસ્ટ્રીકટ કોર્ટના તમામ એડવોકેટ અને કર્મચારીઓને CPRની તાલીમ આપવા પોરબંદર રેડક્રોસ અને સરકારી મેડિકલ કોલેજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ લીધેલ વ્યક્તિ કોઈનો જીવ બચાવવામાં મદદરૂપ થઇ શકે તેવા ઉમદા હેતુ સાથે ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે આયોજિત આ સીપીઆર ટ્રેનિંગમાં ડિસ્ટ્રીકટ જજ આર.ટી.પંચાલ, ફેમિલી કોર્ટ જજ એમ.એફ.માંડલી, પોરબંદર રેડક્રોસ ચેરમેન લાખણશી ગોરાણીયા, મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલકુમાર, બાર એસોસિએશનના પ્રમુખ અરભમભાઈ સુંડાવદરા, રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી અકબરભાઈ સોરઠીયા, જયેશ લોઢિયા, પ્રકાશ જોશી અને એડવોકેટો તથા કોર્ટ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તાલીમ મેળવી હતી.
આ તાલીમ સેમિનારને સફળ બનાવવા અરવિંદભાઈ રાજ્યગુરુ, ડો. મયંક જાવીયા, ડો. મીરલ જોશી, ડો. મિત કાછીયા, અલ્પેશ નાંઢા અને વિજ્ઞાબેન અગ્રાવત વગેરેએ ફેકલ્ટી તરીકે સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા એડવોકેટ ભરતભાઇ લાખાણીએ કર્યું હતું.


